ઝુંડાલ સર્કલ નજીક હિટ એન્ડ રન: ખાનગી કંપનીના જનરલ મેનેજરનું મૃત્યુ

અમદાવાદ: શહેરના ચાંદખેડા નજીક આવેલા ઝુંડાલ સર્કલ પાસે સરદાર પટેલ રિંગ રોડ પરથી બાઇક લઇને પસાર થતા ખાનગી કંપનીના જનરલ મેનેજરનું અજાણ્યા વાહનની ટક્કરે મોત નીપજ્યું છે. મોડી રાત્રે તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે આ બનાવ બન્યો હતો. અડાલજ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મૂળ કેરાલાના અને હાલ ચાંદખેડાના ન્યૂ સી.જી. રોડ પર આવેલી શ્રી હરિ રેસિડન્સી ખાતે શ્રુતિબહેન અરુણસાગર ચિન્ના મરાઠણ (ઉ.વ. ૩૮) તેમના પતિ અરુણસાગર સાથે રહે છે. શ્રુતિબહેન ન્યૂ સી.જી. રોડ પર આવેલી સાકાર ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં ટીચર તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમના પતિ અરુણસાગર પ્રહલાદનગર ખાતે આવેલી ડેટાલિસ્ટ સ્માર્ટ ડેટા સર્વિસમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરતા હતા.

ગઇ કાલે અરુણસાગર પોતાનું પલ્સર બાઇક લઇ વૈષ્ણોદેવીથી ઝુંડાલ સર્કલ તરફ રિંગ રોડ પરથી આવી રહ્યા હતા. તે દરમ્યાન કોઇ અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતાં તેઓ નીચે પટકાયા હતા અને શરીરના ભાગે ગંભીર ઇજા થતાં તેઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અંગે શ્રુતિબહેનને જાણ કરાતાં તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયાં હતાં. અડાલજ પોલીસે આ અંગે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like