ઝૂલન ગોસ્વામીએ ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર અને આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં ૨૦૦ વિકેટ ઝડપનારી દુનિયાની પ્રથમ બોલર ઝૂલન ગોસ્વામીએ ટી-૨૦ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ૩૫ વર્ષીય ઝૂલન ગોસ્વામીએ ભારત તરફથી ૬૮ ટી-૨૦ મેચ રમી છે, જેમાં તેણે ૫૬ વિકેટ ઝડપી છે.

ઝૂલને ટી-૨૦ ક્રિકેટમાં વર્ષ ૨૦૦૬માં ઈંગ્લેન્ડ સામેની મેચથી પોતાની કરિયર શરૂ કરી હતી. ૨૩ માર્ચ ૨૦૧૪ના રોજ તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેણે યાદગાર પ્રદર્શન કર્યું હતું. તેણે એ મેચમાં ૩.૫ ઓવરમાં માત્ર ૧૧ રન આપીને ઓસ્ટ્રેલિયની અડધી ટીમને પેવેલિયન ભેગી કરી દીધી હતી.

એ મેચમાં ભારતનો આઠ વિકેટે વિજય થયો હતો. BCCIએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આની જાહેરાત કરી છે. ઝૂલને બીસીસીઆઈ અને ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. ઝૂલને ભારતીય વનડે અને ટેસ્ટ ટીમમાં વર્ષ ૨૦૦૨મા પદાર્પણ કર્યું હતું.

વર્ષ ૨૦૦૭માં તેને આઈસીસીએ વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે જાહેર કરી હતી. અનુભવી ઝૂલન ગોસ્વામીએ ૧૦ ટેસ્ટ મેચ અને ૧૬૯ વન ડે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. વન ડે ક્રિકેટમાં ઝૂલન ૨૦૩ વિકેટ ઝડપીને ટોચ પર યથાવત્ છે.

You might also like