તાજની સુંદરતા પર ઝિદાન ફિદા થઈ ગયો

આગ્રાઃ પોતાની રમતથી પ્રશંસકોના દિલ પર રાજ કરનારા અને ત્રણ વાર ફિફા વર્લ્ડ પ્લેયર તરીકે પસંદ થયેલા ફ્રાંસના સ્ટાર ફૂટબોલર જિનેદિન ઝિદાન ગઈ કાલે તાજની સુંદરતા પર ફિદા થઈ ગયો હતો. તાજમહાલ ખાતે લગભગ દોઢ કલાક સુધી પત્ની વેરોનિકા ફર્નાન્ડીઝ સાથે રોકાયેલાે ઝિદાન ઘણો ખુશખુશાલ નજરે પડ્યો હતો.

ફ્રાંસને ૧૯૯૮ના વિશ્વકપની ફાઇનલમાં બે ગોલ કરીને વિશ્વ વિજેતા અને વર્ષ ૨૦૦૦માં યુએફા ચેમ્પિયન્સ લીગમાં જીત અપાવનારાે ઝિદાન ગઈ કાલે સવારે લગભગ ૯.૦૦ વાગ્યે વ્હાઇટ શર્ટ અને કેપ પહેરીને તાજમહાલ ખાતે પહોંચ્યો હતો. વીડિયો પ્લેટફોર્મ પર પહોંચતાં જ તેણે પ્રેમની અણમોલ નિશાની એવા તાજ ખાતે તસવીરો ખેંચાવી હતી. આ દરમિયાન કેટલાક ફૂટબોલ પ્રેમીઓએ તેને ઓળખી લીધો હતો અને તેની નજીક જવાની કોશિશ કરી હતી, પરંતુ સાથે રહેલા સુરક્ષાકર્મીઓએ તેમને રોકી લીધા હતા.

ફિફા વર્લ્ડ કપ-૨૦૨૨નો બ્રાન્ડ એમ્બેસેડર છે
ઝિદાન ફ્રાંસની ૧૯૯૮ની જીતનો હીરો રહ્યો હતો. મેનેજરના રૂપમાં પોતાની પહેલી જ સિઝનમાં ઝિદાને રિયલ મેડ્રિડને ચેમ્પિયન્સ લીગમાં ખિતાબી જીત અપાવી હતી. ઝિદાન વર્ષ ૨૦૨૨માં કતારમાં યોજાનારા ફિફા વર્લ્ડકપનો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

You might also like