યુવા ખેલાડીઓ ખુદને સાબિત કરેઃ કોચ બાંગર

નવી દિલ્હીઃ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમના કોચ તરીકે નિમાયેલા સંજય બાંગરે કહ્યું કે નબળી મનાતી ટીમ સામે વન ડે શ્રેણીમાં ભારતના યુવા ક્રિકેટરો માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ક્ષમતા સાબિત કરવાની સારી તક છે. ભારતીય ટીમ ૧૧ જૂનથી શરૂ થઈ રહેલી ત્રણ વન ડે અને ત્રણ ટી-૨૦ મેચ રમવાની છે. પસંદગીકારોએ મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ઝિમ્બાબ્વે પ્રવાસ માટે મોટા ભાગના બિનઅનુભવી ખેલાડીઓની ટીમ પસંદ કરી છે.

બાંગરે કહ્યું, ”હું બહુ જ રોમાંચિત છું અને આ મોટા સન્માન માટે બીસીસીઆઇનો આભાર માનું છું. આ યુવા ખેલાડીઓ માટે બહુ જ મહત્ત્વપૂર્ણ પ્રવાસ છે. આ તક આંતરરાષ્ટ્રીય સ્તર પર ખુદને સાબિત કરવાનો આદર્શ મોકો આપશે. આ નવી સિઝનની શરૂઆત છે. ભારતે ૨૦૧૩ અને ૨૦૧૫ના પોતાના બંને પ્રવાસ દરમિયાન ઝિમ્બાબ્વે ટીમનો વ્હાઇટવોશ કર્યો હતો, જેમાં મોટા ભાગના યુવા ખેલાડીઓ હતા.”

બાંગરે વધુમાં જણાવ્યું, ”ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન ઘણી ચીજો મહત્ત્વપૂર્ણ સાબિત થશે. વ્યક્તિગત ખેલાડીઓના મજબૂત પક્ષની જાણકારી, તેઓ કયા ક્રમે રમશે એ ઉપરાંત ટીમ કોમ્બિનેશનને પારખવાની પણ તક મળશે. હાલની ટીમમાં ઘણા ખેલાડીઓ એવા છે, જેઓ ક્યારેય ઝિમ્બાબ્વેમાં રમ્યા નથી.”

You might also like