જીકા વાયરસને અટકાવવા માટે વિદેશીઓની એરપોર્ટ પર તપાસ થશે

ગાંધીનગર: સમગ્ર વિશ્વમાં જીકા વાયરસએ ખળભળાટ મચાવી દીધો છે. ખાસ કરીને અમેરિકા ખંડના આરોગ્ય નિષ્ણાતો જીકા વાયરસથી ચિંતાતુર બન્યા છે. સદનસીબે આપણા દેશમાં કે રાજ્યમાં જીકા વાયરસનો કોઇ કેસ નોંધાયો નથી. જોકે રાજ્ય સરકાર દ્વારા જીકા વાયરસને ગુજરાતમાં પ્રવેશતો અટકાવવા વિદેશથી આવતા ઉતારૂઓની એરપોર્ટ પર તપાસ કરાવાશે.

બ્રાઝિલની એક મહિલાએ ગત ઓક્ટોબરમાં એક બાળકીને જન્મ આપ્યો હતો. તે વખતે બાળકીનું માથું સામાન્ય કરતા નાનું હોવાથી જીકા વાયરસ ચર્ચામાં આવ્યો હતો. બ્રાઝિલમાં દર વર્ષે આશરે ૩૦ લાખ બાળકો જન્મતા હોઇ દોઢસો બાળકો જીકા વાયરસની અસરનું નિદાન થઇ ચુકયું છે.

જીકા વાયરસનો સંબંધ યલો ફીવર સાથે પણ છે. તેમજ મચ્છરો દ્વારા આ વાઇરલ ફેલાય છે. જોકે જીકા વાઇરસના ચેપના પ્રારંભિક લક્ષણો હોતા નથી અથવા તો સામે આવ્યા નથી. જેના કારણે તેનો ઉપચાર અઘરો બન્યો છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જીકા વાયરસ સામે અટકાયતી પગલાંની જાહેરાત કરાઇ છે. આરોગ્ય વિભાગના ઉચ્ચ વર્તુળોના જણાવ્યા મુજબ જીકા વાયરસને લઇને સરકાર ચિંતિત છે. આ વાયરલ ગુજરાતમાં પ્રવેશે નહીં તે માટેના પગલાં નક્કી કરાયા છે. જે મુજબ વિદેશથી આવતા લોકોનું એરપોર્ટ પર સ્ક્રિનિંગ કરાશે. એરપોર્ટ પરના સ્ક્રિનિંગ દરમ્યાન જીકા વાયરસ અંગેની સહેજ પણ શક્યતા ધરાવતા ઉતારુને તત્કાળ સારવાર આપવી તેવી આરોગ્ય વિભાગ દ્વારા ગાઇડલાઇન બહાર પડાશે.

નવજાત શિશુના મગજ પર જીકા વાયરસ ત્રાટકતા હોઇ રાજ્ય સરકાર
વિશેષરૂપથી સાવધાન બની છે. આ ઉપરાંત શિયાળાની કડકડતી ઠંડીની અસર ઓછી થઇ હોવા છતાં સમગ્ર ગુજરાતમાં સ્વાઇન ફલૂનો કહેર ફેલાયો છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ સહિત રાજ્યભરમાં સ્વાઇન ફલૂના કેસ સતત વધતા જતાં હોઇ આરોગ્ય વિભાગ સાબદું બન્યું છે. જામનગરમાં આગામી ૧૫ દિવસમાં સ્વાઇન ફલૂના પરીક્ષણ માટેની નવી લેબોરેટરી શરૂ કરાશે તેમ પણ જાણવા મળ્યું છે.

You might also like