બહેનના પ્રેમી પર છરીના ઘા ઝીંકી ભાઈએ જાહેરમાં જ હત્યા કરી

અમદાવાદ: શહેરના દાણીલીમડા વિસ્તારમાં ચાર વર્ષથી ગળાડૂબ પ્રેમમાં પડેલા યુવકને યુવતીના ભાઇએ ધોળા દિવસે છરીના ઘા ઝીંકીને મોતને દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પોલીસે બહેનના પ્રેમીની હત્યા કરનાર ભાઇની ધરપકડ કરી છે.

દાણીલીમડામાં આવેલ આઝાદનગરમાં રહેતા શાહરુખ મન્સૂરીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં શકિલ અન્સારી વિરુદ્ધ ફરિયાદ કરી છે. શાહરુખનો ભાઇ ૨૨ વર્ષનો ઇમરાન ઉર્ફે સાયમન્ડ મન્સૂરી દાણીલીમડાના એવન નગરમાં રહેતી એક યુવતીને છેલ્લા ચાર વર્ષથી પ્રેમ કરતો હતો. આ પ્રેમથી યુવતીના ભાઇ શકિલ અન્સારીને વાંધો હતો.

શકિલ અંસારી છેલ્લા ઘણા સમયથી ઇમરાનને તેની બહેનથી દૂર રહેવા માટે ધમકી આપતો હતો. શકિલ અવારનવાર ઇમરાનને મળતો હતો અને તેની બહેનને ભૂલી જવા માટે કહતો હતો. શકિલ અને ઇમરાન વચ્ચે અવારનવાર બોલાચાલી પણ થઇ હતી. ગઇ કાલે બેરલ માર્કેટ પાસે ખજૂરીના ઝાડ પાસે ઇમરાન ઉભો હતો ત્યારે શકિલ તેની પાસે આવ્યો હતો.

શકિલે તેની બહેન સાથે કોઇ સંબંધ નહીં રાખવા ઇમરાનને જણાવ્યું હતું. બન્ને વચ્ચે થયેલી બબાલમાં શકિલ ઉશ્કેરાયો હતો અને પોતાનું બાઇક લઇને જતો રહ્યો હતો. થોડાક સમય બાદ શકિલ પરત આવ્યો હતો અને ઇમરાન કાંઇ બોલે તે પહેલાં તેના પર ઉપરાછાપરી છરીના ધા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. ઇમરાનના પેટમાં ચારથી પાંચ છરીના ધા વાગતાં તે જમીન પર ઢળી પડ્યો હતો જ્યારે શકિલ ફરાર થઇ ગયો હતો.

આ ઘટના જોઇને સ્થાનિકો દોડી આવ્યા હતા અને લોહીથી લથપથ થયેલા ઇમરાનને સારવાર માટે ૧૦૮ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઇમરાન હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાની જાણ દાણીલીમડા પોલીસ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દાણીલીમડા પોલીસે શકિલ વિરુદ્ધમાં હત્યાનો ગુનો નોંધી તેને પકડી પાડ્યો છે.

You might also like