પનામા પેપર્સમાં ઝાકિર નાઈકની સંડોવણી અંગે ઈડી તપાસ કરશે

મુંબઈઃ વિવાદાસ્પદ મુસ્લિમ ઉપદેશક ઝાકિર નાઈકની પનામા પેપર લીકસમાં સંડોવણી છે કે કેમ તે અંગે ઈડી તેની સંસ્થા ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન (આઈઆરએફ)ને મળેલા 200 કરોડ અંગેની તપાસ કરી રહી છે. ઈડીના અધિકારીઓ પનામા પેપર્સના ખુલાસામાં ફસાયેલા વાહિદના ગ્રુપ સાથે ઝાકિર નાઈકના સંબંધોની તપાસ કરી રહ્યા છે.

ઈન્ડિયા ટુડેના સૂત્રોએ દાવો કર્યો છે કે ઈડીને ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનના ખાતામાં 200 કરોડ રૂપિયા જમા થયાના પુરાવા મળ્યા છે. તેમાંથી 70 કરોડ હાર્મની મીડિયા નામની પ્રોડકશન કંપનીના નામે જમા થયા છે. જ્યારે બાકીની રકમ ઝાકિર નાઈકે જમા કરાવી છે. જોકે આ મામલે બંને કંપનીઓએ 2009થી 2015 દરમિયાન કોઈ કમાણી દર્શાવી ન હતી. વાહિદના કંપનીને અલ્તાફ અને અરશદ નામના બે ભાઈ ચલાવે છે. અરશદનું નામ પનામા પેપર્સમાં સામેલ છે. તેમાંથી અલ્તાફનું નિવેદન ઈડીના અધિકારીઓએ દાખલ કરી લીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બાંદરામાં પાડવામાં આવેલા દરોડામાં એજન્સીને કેટલાંક એવા પુરાવા મળ્યા છે કે જેના આધારે ઝાકિર સામે તપાસનો દાયરો વધારી શકે તેમ છે.

ઝાકિર હાલ સાઉદી અરબમાં છે. થોડા સમય પહેલા ઈડીએ તેને ત્રીજી વખત સમન્સ પાઠવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બે વખત સમન્સ બજાવવા છતાંં ઝાકિર તપાસથી દૂર ભાગી રહ્યો છે. તેથી તેને આ ત્રીજી વખત સમન્સ પાઠવવામાં આવ્યું છે તેમાં સમન્સની એક નકલ તેના મોટાભાઈ મહંમદ નાઈકને આપવામાં આવી છે. અને નાઈકને મેઈલથી સમન્સ મોકલવામાં આવ્યું છે. ઝાકિર નાઈક સામે અત્યાર સુધીમાં દાખલ થયેલા મની લોન્ડરિંગ કેસમાં પાંચથી છ લોકોની પૂછપરછ કરવામાં આવી છે.
http://sambhaavnews.com/

You might also like