ગૌપૂજક પીએમ મોદી અને હિંદુઓથી ભારતને આઝાદ કરાવીશુંઃ ઝાકિર મુસા

નવી દિલ્હી: બકરી ઈદના એક દિવસ પહેલાં આતંકવાદી સંગઠન અંસાર ગજાવત-ઉલ-હિંદ (અલ-કાયદાની કાશ્મીર શાખા)ના સૂત્રધાર અને આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના પૂર્વ કમાન્ડર અને આતંકવાદી ઝાકિર મુસાએ એક ૧૦ મિનિટનો ઓડિયો સંદેશ જારી કરીને ભારતને ગૌપૂજા કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને હિંદુઓથી આઝાદ કરાવવાની ધમકી આપી છે. ઝાકિર મુસાએ ભારત સરકારને જમ્મુમાં રોહિગ્યા મુસ્લિમોને વસાવવાને લઈને પણ ધમકી આપી છે. મુસાએ આ ઓડિયો સંદેશો પોતાના સંગઠનના યુ ટ્યૂબ એકાઉન્ટ પર શેર કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઝાકિર મુસા અલ-કાયદામાં જોડાતાં પહેલાં આંતકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો સભ્ય હતો. મુસા અગાઉ પણ આતંકવાદને ભડકાવનાર અનેક વીડિયો શેર કરી ચૂક્યો છે. મુસાએ ધમકીભર્યા અંદાજમાં જણાવ્યું છે કે ગૌપૂજક નરેન્દ્ર મોદી પોતાની રાજનીતિ અને મુત્સદીગીરી દ્વારા કેટલાય લોકોને સંગઠિત કરી શકે છે, પરંતુ મોદી અમને રોકી શકશે નહીં. અમે લોકો ભારતમાં ઈસ્લામી ઝંડો ફરકાવીને જંપીશું.

મુસાએ જમ્મુમાં વસતા રોહિગ્યા મુસ્લિમોના સંભવિત પુનર્વસન પર પણ કેન્દ્રને ચેતવણી આપી છે. ગત સપ્તાહે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે દેશમાં મોજુદ ૪૦,૦૦૦ રોહિગ્યા મુસ્લિમોના પુનર્વસનની એક યોજના બનાવવામાં આવી રહી છે. તેમાંથી ૬,૦૦૦ જેટલા રોહિગ્યા મુસ્લિમો હાલ જમ્મુમાં રહે છે.

મુસાએ ઓડિયોમાં પાકિસ્તાની સેના અને સરકાર પર પણ કાશ્મીરી જેહાદીઓ સાથે દગો કરવાનો આક્ષેપ કર્યો છે. મુસાએ એવો દાવો કર્યો છે કે પાકિસ્તાન અમેરિકાની મદદ માટે મુજહિદ્દીનો વિરુદ્ધ યુદ્ધ કરી રહ્યું છે. મુસાએ એવો દાવો કર્યો છે કે પાકિસ્તાને આતંકીઓને તાલીમ આપતા કેમ્પ બંધ કરી દીધા છે. મુસાએ તાજેતરમાં તેના સંગઠને કાશ્મીરમાં કેટલાંય સ્થળોએ અલ્લાહ કી મરજી સે એવાં પોસ્ટરો લગાવ્યાં હતાં. જેમાં લખ્યું હતું કે અલ્લાહની ઈચ્છા હવે જલદી પૂરી થશે. તેણે જણાવ્યું છે કે કાશ્મીરની આઝાદીની લડાઈ અમે અમારા લોહીની તાકાત પર ચાલુ રાખી છે. આ માટે અમારે કોઈ દેશ(પાકિસ્તાન)ની જરૂર નથી.

You might also like