યુવરાજ અને રોબીન ‘નાઉ એંગેજ્ડઃ’ યુવરાજે ખુશીમાં એરપોર્ટ પર ભાંગડા કર્યા

નવી દિલ્હી: ઇન્ડોનેશિયાના બાલીમાં બોલિવૂડ અભિનેત્રી હેઝલ કિચ સાથે સગાઇ બાદ યુવરાજસિંહ મુંબઇ પરત આવી ગયો છે. હેઝલ સાથેની સગાઇથી ખુશખુશાલ યુવરાજે એરપોર્ટ પર મીડિયાકર્મીઓ સામે ભાંગડા કર્યા હતા. ત્યાર બાદ યુવરાજ હેઝલ સાથે કારમાં બેસીને ચાલ્યો ગયો હતો. યુવરાજ લાંબા સમયથી હેઝલ સાથે ડેટિંગ કરી રહ્યો હતો.

દરમિયાન ક્રિકેટર રો‌િબન ઉથ્થપાએ પણ પોતાની ગર્લફ્રેન્ડ શીતલ ગૌતમ સાથે સગાઇ કરી લીધી છે. તેણે પણ પોતાની સગાઇના ફોટા ટ્વિટર પર પોસ્ટ કર્યા છે. આ બંને પોતાની એંગેજમેન્ટ રિંગ દર્શાવતા ફોટામાં નજરે પડે છે. મીડિયા રિપોર્ટ અનુસાર રો‌‌િબન અને શીતલ છેલ્લાં સાત વર્ષથી ડેટિંગ કરી રહ્યાં હતાં. શીતલ ક્રિકેટ મેચ જોવા સ્ટેડિયમમાં ખૂબ જ ઓછી દેખાય છે, પરંતુ મીડિયા ઇન્ટરવ્યૂમાં રો‌િબનને ખુલ્લેઆમ સપોર્ટ કરે છે. રો‌િબને પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે આઇ એમ નાઉ એંગેજ્ડ ઇટસ નાઉ ઓફિશિયલ. રો‌િબને વધુમાં લખ્યું હતું કે હવે હું મારી આખી જિંદગી આ બ્યુટીફૂલ લેડી સાથે વિતાવનાર છું.

યુવરાજ અને હેઝલનાં લગ્ન નવા વર્ષમાં યોજાશે. બાલીમાં તો માત્ર હજુ રોકાની વિધિ જ કરવામાં આવી છે. ત્યાર બાદ ફતેહગઢના હંસાલીવાલા ગુરુદ્વારામાં સંપૂર્ણ રીતરીવાજ સાથે તેનાં લગ્ન થશે. યુવરાજ પોતાના નિકટના મિત્રો અને સ્નેહીઓને ચંડીગઢમાં એક શાનદાર પાર્ટી પણ આપશે. જ્યારે મિત્રો અને સગાં-સંબંધીઓ માટે એક રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. એવા સમાચાર હતા કે યુવરાજ પોતાના ૩૪મા બર્થડેના બીજા દિવસે એટલે કે ૧૩ ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાઇ જશે, જોકે એક સંબંધીના અવસાનના કારણે યુવરાજે લગ્નની તારીખ પાછી ઠેલી છે.

યુવરાજની વાગ્દત્તા હેઝલ કિચ બ્રિટિશ મૂળની ભારતીય અભિનેત્રી છે. ‘આ આંટે અમલાપુરમ્’ જેવા હિટ આઇટમ નંબરથી હેઝલ લોકપ્રિય થઇ હતી. સલમાન ખાન અને કરીના કપૂરની ફિલ્મ બો‌ડીગાર્ડમાં પણ હેઝલ નજરે પડી હતી. ફિલ્મમાં તે કરીના કપૂરની ફ્રેન્ડની ભૂમિકામાં હતી. તાજેતરમાં જ યુવરાજ અને હેઝલ લંડન એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં, જ્યાં બંને વેકેશન મનાવવા ગયાં હતાં.

You might also like