સાત મેચમાં ૬૪ રન બનાવનારા યુવરાજની IPL કરિયર ખતમ?

ઇન્દોરઃ ટીમ ઇન્ડિયાને ૨૦૧૧નો વર્લ્ડ અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારાે યુવરાજસિંહ આઇપીએલની ૧૧મી સિઝનમાં રન બનાવવા માટે રીતસર ઝઝૂમી રહ્યો છે. એક સમયે એક જ ઓવરમાં છ છગ્ગા ફટકારનારો આ બેટ્સમેન આઇપીએલની વર્તમાન સિઝનમાં ફક્ત બે જ છગ્ગા ફટકારી શક્યો છે.

યુવીના બેટમાંથી અત્યાર સુધી રમેલી સાત મેચમાં ૯૧.૪૨ના સ્ટ્રાઇક રેટથી ફક્ત ૬૪ રન નીકળ્યા છે અને તેનો સર્વોચ્ચ સ્કોર ૨૦ રનનો રહ્યો છે. આશ્ચર્યનની વાત એ છે કે યુવીએ જે સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે તેના કરતા વધારે ઝડપથી ટેસ્ટ ક્રિકેટમાં રન બની રહ્યા છે.


મુંબઈ સામે બાદ તો સોશિયલ મીડિયા પર યુવરાજની બેટિંગની જોરદાર ટીકા થઈ. એવું માનવામાં આવી રહ્યું છે કે વર્તમાન સિઝન યુવીની અંતિમ આઇપીએલ હોઈ શકે. વર્તમાન આઇપીએલમાં જેટલા પણ બેટ્સમેનો ૫૦થી વધુ બોલ રમી ચૂક્યા છે તેઓમાં યુવીનો સ્ટ્રાઇક રેટ સૌથી ખરાબ છે.

કિંગ્સ ઈલેવન પંજાબે યુવીને તેની રૂપિયા બે કરોડની બેસ પ્રાઇઝમાં ખરીદ્યો હતો, પરંતુ આ સોદામાં પણ યુવરાજ ફ્રેંચાઇઝીને મોંઘો પડી રહ્ો છે, કારણ કે ક્રિસ ગેલને પણ પંજાબે બે કરોડ રૂપિયામાં જ ખરીદ્યો હતો અને તે પોતાના દમ પર બે મેચ જીતાડી ચૂક્યો છે. સૌથી મોટો સવાલ એ છે કે આઇપીએલની બાકીની મેચમાં યુવીને અંતિમ ઈલેવનમાં સ્થાન મળશે કે કેમ?


જો આઇપીએલની દરેક સિઝનની વાત કરવામાં આવે તો જાણવા મળશે કે સૌથી વધુ રન બનાવવાના મામલે યુવી ક્યારેય ટોપ-ટેનમાં રહ્યો નથી. સૌથી વધુ રન બનાવવાના મામલે યુવી ૨૦૧૭માં ૩૪મા, ૨૦૧૬માં ૨૭મા, ૨૦૧૫માં ૩૦મા, ૨૦૧૪માં ૧૫મા, ૨૦૧૩માં ૩૬મા, ૨૦૧૧માં ૨૨મા, ૨૦૧૦માં ૩૧મા, ૨૦૦૯માં ૧૨મા અને ૨૦૦૮માં ૧૯મા સ્થાને રહ્યો છે.

૨૦૧૨માં કેન્સરની બીમારીને કારણે તે આઇપીએલમાં રમ્યો નહોતો. યુવીની આઇપીએલ કરિયર પર નજર કરવામાં આવે તો ૧૧ વર્ષમાં યુવીએ અત્યાર સુધઈ રમેલી ૧૨૭ મેચમાં ૧૨૯.૮૨ના સ્ટ્રાઇક રેટથી કુલ ૨૬૫૧ રન બનાવ્યા છે. તેણે ૩૬ વિકેટ પણ ઝડપી છે.

You might also like