મેં દાયકાઓ સુધી સંઘર્ષ કર્યો છે, ભારતમાં મને કોઈ ઓળખતું નથીઃ યુલિયા

રોમાનિયાની ટીવી એન્કર, મોડલ અને ગાયિકા યુલિયા વંતૂરને સલમાન ખાનની સારી મિત્ર માનવામાં આવે છે. તેણે ફિલ્મ ‘ઓત્તેરી’માં એક આઇટમ સોંગ પણ કર્યું હતું. તાજેતરમાં તેણે મનીષ પાલ સાથે એક સિંગલ આલબમ ‘હરજાઇ’ રજૂ કર્યું. તે કહે છે કે હું ૧૯ વર્ષની હતી ત્યારે ટીવી પ્રેઝન્ટર બની હતી.

મેં સાંભળ્યું હતું કે કોઇ ચેનલ એન્કર શોધી રહી છે. મેં ત્યાં ટ્રાય કર્યો અને કિસ્મતથી મને ત્યાં એન્કરનું કામ મળ્યું. ત્યાર બાદ ૧૫ વર્ષ સુધી મેં ન્યૂઝ એન્કર તરીકે કામ કર્યું. મેં ‘ડાન્સિંગ વિથ ધ સ્ટાર્સ’ નામના શોની આઠ સિઝન હોસ્ટ કરી હતી. તેથી હું ડરતી નથી અને ક્યારેય નેગેટિવિટી પર ધ્યાન આપતી નથી.

યુલિયા વિશે અહીં બહુ ઓછા લોકો જાણે છે. તે કહે છે કે અહીં મને કોઇ ઓળખતું નથી. માત્ર સલમાન ખાનની ફ્રેન્ડ તરીકે મને ઓળખે છે. મને લોકો યુલિયાના બદલે લુલિયા પણ કહે છે. રોમાનિયામાં એક ન્યૂઝ એન્કર તરીકે મને ખૂબ જ સન્માનિત મહિલા માનવામાં આવે છે. અહીંના લોકો મારી જિંદગી અને મારા સફર અંગે બિલકુલ જાણતા નથી.

તેમને ખ્યાલ નથી કે મેં દાયકાઓ સુધી કેટલો સંઘર્ષ અને મહેનત કરી છે. મને લોકો એવી છોકરી તરીકે ઓળખે છે, જે બોલિવૂડ માટે બહુ મોટાં સપનાં જુએ છે, પરંતુ હું તેવી નથી. મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે જિંદગી મને ભારત લઇ આવશે. મેં મારા દિલની વાત સાંભળી અને હવે હું તમારા બધાની સામે છું. •

You might also like