નિરમા યુનિ.માં પીએચડી કરતા યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

અમદાવાદ: નિરમા યુનિવર્સિટીમાં પીએચડી કરી રહેલા એક યુવાને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં ગાંધીનગરમાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. સેકટર-૭ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આગળની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે ગાંધીનગર સેકટર-૪ ખાતે રહેતા અને સચિવાલયમાં સામાન્ય વહીવટી વિભાગમાંં ફરજ બજાવતા પંકજભાઇ રાજપૂતનો રપ વર્ષીય પુત્ર પાર્થ નિરમા યુનિ.માં પીએચડી કરી રહ્યો હતો. પંકજભાઇ કોઇ સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોઇ સપરિવારને જવાનું હતું, પરંતુ પાર્થે લગ્નમાં ન જઇ ઘરે રહેવાનો આગ્રહ રાખ્યો હતો. આથી પંકજભાઇ પાર્થને ઘરે મૂકી લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. મોડી રાત્રે ઘરે પરત ફરતાં પાર્થના મૃતદેહને પંખા સાથે લટકતો જોઇ તેઓ તથા તેમના પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા. આ અંગે જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ સઘન તપાસ શરૂ કરી છે.

પાર્થના મૃતદેહ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે, જેમાં લખ્યું હતું કે હું પીએચડી થઇ શકું તેમ નથી તેથી આત્મહત્યા કરું છું. મારાં માતા-પિતાને દોષી ઠરાવશો નહીં. પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

You might also like