યુવક-યુવતીના સંબંધમાં અકારણ સંકોચ

તારી નિર્દોષતામાં મને સો ટકા વિશ્વાસ છે

  • ભૂપત વડોદરિયા

વર્ષો સુધી દોસ્તી નિભાવનારા બે મિત્રો હંમેશાં એવું ગૌરવ લેતા કે, અમારી દોસ્તીને કદી આંચ આવી શકે નહીં. ઘણા લોકો અમારા ગાઢ સંબંધની ઈર્ષ્યા કરે છે, પણ અમે બંને મક્કમ છીએ. અમારા જીવનમાં કોઈ તિરાડ પાડી શકે તેમ નથી. તે એક હકીકત છે કે, કોઈ સારી વસ્તુ માટે આપણે વાજબીપણે અભિમાન લઈએ. પણ અભિમાનની વાણીમાં કશુંક એવું છે કે, અભિમાનની લાગણી બંને મિત્રો વચ્ચે તિરાડ પાડવામાં કારણભૂત બની જાય.

બે મિત્રોને એમના ઘર જેવા સંબંધોનું વાજબી અભિમાન હતું, પણ કોઈક કારણ હોય કે ના હોય, પણ તેમની વચ્ચેના આવા સંબંધો બીજા કેટલાકથી જોવાતા નથી. એક કિસ્સામાં એવું બન્યું કે, ત્રીજી વ્યક્તિએ એવી વાત ચલાવી કે, એ બે મિત્રો વચ્ચે આટલો ગાઢ સંબંધ છે એનું રહસ્ય હું જાણું છું. આ વાત સંબંધકર્તા મિત્રોના કાને આવી. એક મિત્રે બીજા મિત્રને કહ્યું, ‘આપણા ગાઢ સંબંધ વિશે કેટલાક લોકો અનાબ-શનાબ વાતો કરે છે.’ આ વાત સાંભળનાર એક મિત્રને પ્રશ્ન થયો કે, એવી તો શી વાતો ચાલે છે ? કોઈ બીજી વ્યક્તિએ કહ્યું, ‘તમને કોઈ મોઢે કશું કહેશે નહીં, પણ વાત એમ ચાલે છે કે, તમારા મિત્રની યુવાન પુત્રી સાથે તમે કંઈ વધુ પડતી છૂટ લો છો. કેટલાકને એમ લાગે છે કે, દાળમાં કશું કાળું છે! સ્ત્રી-પુરુષના નાજુક સંબંધો બાબતમાં નિંદા કરનારાઓ ગમે તેવી વાત કરે. આ વાત એટલી હદે વણસી કે, એક મિત્રે પોતાની પુત્રીને કહ્યું કે, આપણા સંબંધો વર્ષો જૂના છે, પણ આ સંબંધમાં કશુંક અયોગ્ય છે એવું કેટલાક માને છે. એટલે એ મિત્રે પોતાની પુત્રીને કહ્યું કે, આપણા બે કુટુંબો વચ્ચે સંબંધો અત્યંત પ્રેમ અને સદભાવનાભર્યા છે, પણ નિંદા કરનારની જીભ આવા સંબંધોમાં ઝેરનું એક ટીપું બની જાય છે. એટલે બેય, તારા વિશે મારા મનમાં કોઈ શંકા નથી, પણ તારે મારા એ મિત્રના પરિવાર સાથેના સંબંધોમાં તારે થોડું સાવધાન રહેવું પડશે.’ આઘાત સાથે એ યુવતીએ કહ્યું, ‘પિતાજી, એ લોકોના વર્તનમાં મને તો કશું વાંધાજનક લાગ્યું નથી.’ પિતાએ પુત્રીને કહ્યું, ‘હું જાણું છું કે, તું નિર્દોષ છું પણ આપણા સમાજમાં સ્ત્રી-પુરુષના સંબંધો વિશે વાત કરવામાં કોઈ સાવધાની રાખતું નથી.’ આઘાત સાથે યુવતીએ કહ્યું, ‘પપ્પા, એવું તો કશું બન્યું નથી. તમારા એ મિત્રના પુરુષસભ્યો કોઈ અયોગ્ય વહેવાર કરતા હોય કે કશી વાંધાજનક છૂટ લેતા હોય એવું મને તો કદી લાગ્યું નથી.’ પિતાએ પુત્રીને કહ્યું, ‘દીકરી, તું આ દુનિયાને બરાબર ઓળખતી નથી. તારા પેટમાં કશું પાપ નથી એટલે બીજાને જે વર્તન ખરાબ લાગે તેમાં તને કશું ખરાબ ના લાગે.’ આઘાત સાથે પુત્રીએ કહ્યું, ‘પિતાજી, મને તો કશો ખ્યાલ આવતો નથી. એવું કશું બન્યું હોય એવી વાત કોઈએ તમને કહી હોય તો તમે મને કહો. હું સાવધાન બની જાઉં.’ કન્યાના પિતાએ કહ્યું, ‘મને તારા ઉપર કશી શંકા નથી, પણ લોકોની નજરમાં પાપ હોય છે. મારા મિત્રના યુવાન પુત્રે તારા કપાળે ચુંબન કરેલું?’

પુત્રીએ કહ્યું, ‘હા, પણ અમારા બેમાંથી કોઈના મનમાં વાંધાજનક ગણાય એવું કશું હતું નહીં.’ પિતાએ કહ્યું, ‘આપણો સમાજ રૂઢિચુસ્ત છે. કેટલાક વાણીવર્તન પશ્ચિમના સમાજમાં દોષરહિત દેખાતા હોય એ જ વસ્તુ આપણે ત્યાં ચાલતી નથી.’ પુત્રીએ કહ્યું, ‘પપ્પા, મને સ્પષ્ટ કહો, મને લાગે છે કે, તમારા મનમાં કંઈક વાત છે.’ પિતાએ કહ્યું, ‘બે દિવસ પહેલાં એક જ પલંગમાં એ પરિવારના યુવાન સભ્ય સાથે બપોરે તું આડી પડી હતી?’ પુત્રીએ કહ્યું, ‘એમની પત્ની પણ અમારી સાથે સૂતાં હતાં. માત્ર બે-ચાર મિનિટ માટે જ. એ કશુંક લેવા ગયાં ત્યારે એ યુવાન અરધી-પરધી ઊંઘમાં હતા. એ તંદ્રાવસ્થા જેવી સ્થિતિમાં એમનો હાથ મારી છાતી પર પડ્યો, પણ હું માનતી નથી કે એમના મનમાં કશુંક વાંધાજનક હતું.’ પિતાએ કહ્યું, ‘કોઈ પણ સમાજમાં યુવાન સ્ત્રીઓ ગમે તેટલી મોટી ઉંમરના પુરુષોને પણ વિચલિત કરી દે છે. એટલે બેટા, તારી નિર્દોષતામાં મને સો ટકા વિશ્વાસ છે, પણ જુદા જુદા લોકોની નજરમાં જુદા જુદા ભાવ હોય છે. એટલે હું એવું માનું છું કે, આજના જમાનાને આપણે ગમે તેટલો અર્વાચીન ગણતા હોઈએ તો પણ સંસારનું આ સનાતન સત્ય છે કે, યુવાન સ્ત્રી-પુરુષોએ ઝાઝી વાર એકાંતમાં રહેવું નહીં. આ વાત તને જુનવાણી લાગશે, પણ સૈકાઓથી દરેક સમાજે સ્વીકાર્યું છે કે દારૂ અને દેવતાને કદી ભેગાં ન થવા દેવાં.’

પુત્રી સમજી ગઈ અને એના વર્તનમાં આવેલા બદલાવને જોઈને એના પિતાને સંતોષ થયો. બીજી બાજુનું ચિત્ર જોઈએ તો મિત્ર કુટુંબના પેલા યુવાને પોતાના વર્તુળમાં એવી વાત ચલાવી કે અનેક યુવતીઓ મારી દોસ્તી અને સંગાથ ઇચ્છે છે, પણ હું એટલું કહું કે એ યુવતીના પિતાનું વર્તન વધુ પડતું જુનવાણી કહેવાય અને એ જ કારણે બંને પક્ષમાં બિનજરૂરી સાવધાનીની લાગણી પેદા થાય છે.

You might also like