તુમ દિલ્હીવાલે બિચ મેં ક્યોં અાતે હોઃ યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

અમદાવાદ: શહેરના સરખેજ વિસ્તારમાં ફતેવાડી પાસે અાવેલા મતીમ રો હાઉસમાં ગઈ કાલે સાંજે ત્રણ શખસોઅે અગાઉના ઝઘડાની અદાવત રાખી અને યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. અગાઉ થયેલા ઝઘડામાં મૃતક વચ્ચે પડ્યો હતો. તેની અદાવત રાખી તુમ દિલ્હીવાલે બિચ મેં ક્યોં અાતે હો તેમ કહી માર માર્યો હતો અને છરીના ઘા ઝીંકી દીધા હતા.

ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જતાં તેનું મોત નીપજ્યું હતું. વેજલપુર પોલીસે અા અંગે ગુનો નોંધી ત્રણ અારોપીની ધરપકડ કરી છે.

સરખેજના ફતેવાડી વિસ્તારમાં અાવેલા મતીમ રો હાઉસમાં રઈસ અબ્દુલ હકીમ શેખ (ઉ. વ. ૪૨) તેના પરિવાર સાથે રહે છે. થોડા સમય અગાઉ ફતેવાડી ઉરવા પાર્ક સોસાયટીમાં રહેતો અરકાન અારિફભાઈ, ફતેવાડી શોઅેબ પાર્કમાં રહેતા શાહરુખ શકિલા અહમદ શેખ અને ફતેવાડી સાદત પાર્કમાં રહેતા નદિમ ઉર્ફે તિવારી મણિયાર સાથે અગાઉ કોઈ જગ્યાઅે કોઈ વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો.

તેમાં રઇસ શેખના પુત્ર પરવેઝ વચ્ચે છોડાવવા પડ્યો હતો. ઝઘડામાં છોડાવવા રાખવાની અદાવત રાખી ગઈકાલે સાંજે અરકાન, શાહરુખ અને નદિમ ફતેવાડી ખાતે પરવેઝના ઘરે પહોંચ્યા હતા.  ત્રણેય યુવકોઅે પરવેઝ અને તેના પિતાને ‘તુમ દિલ્હીવાલે ક્યોં બિચ મેં અાતે હો’ તેમ કહી અેને માર માર્યો હતો.

બંનેને માર માર્યા બાદ શાહરુખે તેના હાથમાં રહેલી છરી રઇસ શેખની છાતીમાં મારી દીધી હતી. જેના પગલે અાસપાસના લોકો પણ દોડી અાવ્યા હતા. ગંભીર રીતે ઇજા પામેલા રઇસને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં અાવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

બીજી તરફ ઘટનાની જાણ પોલીસને કરાતા વેજલપુર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. અગાઉ કોઈ કારણોસર થયેલા ઝઘડાની અદાવત રાખી અને ત્રણેય શખસ મૃતકના ઘરે પહોંચી જઈ અને બોલાચાલી બાદ તેની હત્યા કરી નાખી હતી. ત્રણ શખસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેઅોને પકડવા માટેની તજવીજ ચાલુ હોવાની પોલીસે જણાવ્યું હતું.

You might also like