સાણંદ તાલુકાનાં નવાપુરા ગામે યુવકની કરાઇ હત્યા

અમદાવાદઃ જિલ્લાનાં સાણંદ તાલુકાનાં નવાપુરા ગામે યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરપીણ હત્યા થતાં સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. ચાંગોદર પોલીસે યુવકની હત્યાનું કારણ અને હત્યારાને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

મળતી માહિતી મુજબ સાણંદ તાલુકાના નવાપુરા ગામે રહેતા ખોડાજી ભલાજી ઠાકોર ચાંગોદર ગામમાં રહેતા લાભુભાઈ અમુભાઈ ઠાકોરની લો‌િડંગ બોલેરો ગાડી ચલાવી ડ્રાઈવર તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. સોમવારે જન્માષ્ટમીની રજા હોઈ ખોડાજી ઘરે હતા. સાંજે કોઈ કામથી બહાર જાઉં છું તેમ કહી તેઓ પોતાના નાનાભાઈ રણ‌િજતજીની મોટરસાઈકલ લઈને ઘરેથી નીકળ્યા હતા. મોડી રાત સુધી તેઓ ઘરે પરત ન આવતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો.

પરિવારજનો દ્વારા મોબાઈલ પર સંપર્ક કરાતાં મોબાઈલ બંધ આવતો હતો. બીજા દિવસે સવારે ચાંગોદર નજીક આવેલા સરસ્વતીનગર નવા બિ‌લ્ડિંગની પાછળ ખુલ્લા ખેતરમાંથી તેમની હત્યા કરેલી લાશ મળી આવતાં લોકોનાં ટોળે ટોળાં ઊમટી પડ્યાં હતાં. બનાવની જાણ ચાંગોદર પોલીસને થતાં ઘટનાસ્થળે જઈ લાશને પીએમ માટે મોકલી આપી હતી.

ચાંગોદર પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ખુલ્લા ખેતરની અવાવરું ઓરડીમાં પહેલાં હત્યારા દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા મારી ખોડાજીની હત્યા કરાઈ છે. ત્યારબાદ લાશને ઢસડીને ખુલ્લા ખેતરમાં લઇ જઇ ફેંકી દીધી હોવાની આશંકા છે. બીજી બાજુ મૃતકની મોટરસાઇકલ પણ ઘટનાસ્થળેથી જ મળી આવી છે. અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે હાલ વધુ તપાસ શરૂ કરી છે.

You might also like