મોડી રાતે શોર્ટસર્કિટથી ચાંદલોડિયામાં ફાસ્ટ ફૂડની દુકાનમાં અાગ લાગતાં યુવકનું મોત

અમદાવાદ: ચાંદલોડિયા વિસ્તારમાં અાવેલી કર્ણાવતી દાબેલીની દુકાનમાં ગત મોડી રાતે શોર્ટસર્કિટથી અાગ લાગતાં દુકાનમાં સૂઈ રહેલા યુવકનું અાગમાં બળી જવાથી મોત નીપજ્યું છે.

શોર્ટસર્કિટથી અાગ લાગતાં યુવક બહાર નીકળવામાં અસફળ રહ્યો હતો અને દુકાનમાં નીચે પડી જતાં અાગની જ્વાળામાં લપેટાઈ જતાં તેનું મોત નીપજ્યું હતું. સોલા પોલીસે અા અંગે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.

અા અંગેની વિગત એવી છે કે ન્યૂ રાણીપ વિસ્તારમાં અાવેલી તુલસી રે‌િસડન્સીમાં ભવરલાલ કલાલ તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમનાં પત્ની અને ત્રણ પુત્ર છે. ભવરલાલ ચાંદલોડિયા સિલ્વર સ્ટાર પાસે અાવેલા કીર્તિ કોમ્પ્લેક્સમાં કર્ણાવતી દાબેલી નામની દુકાન ચલાવે છે.

ગઈ કાલે સાંજે ભવરલાલ નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરી ઘરે ગયા હતા. બે કારીગર વિશાલ અને નરેશ તેમજ ભવરલાલનો મોટો પુત્ર રાહુલ (ઉ.વ. ૧૮) મોડી રાતે દુકાનમાં સૂઈ ગયા હતા. દરમિયાનમાં રાતના ૨.૩૦ વાગ્યાની અાસપાસ દુકાનમાં શોર્ટસર્કિટથી અાગ લાગી હતી.

અાગ લાગતાં વિશાલ અને નરેશ ઊભા થઈને દુકાનની બહાર દોડી ગયા હતા, જ્યારે રાહુલને તેઅોઅે બૂમાબૂમ કરી બહાર નીકળવા જણાવ્યું હતું. રાહુલ ઊભો થઈ દુકાનની બહાર નીકળવા જઈ રહ્યો હતો, પરંતુ બહાર નીકળવા જતાં તે નીચે પડ્યો હતો અને અાગની જ્વાળામાં લપેટાઈ ગયો હતો.

ઘટના અંગે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતાં ત્રણ ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં અાવ્યાં હતાં. ફાયરની ટીમે અાગને કાબૂમાં લઈ રાહુલની લાશને પીએમ માટે મોકલી અાપી હતી. અાગમાં બળી જવાના કારણે રાહુલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

સોલા પોલીસને જાણ કરાતાં પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ અાગ શોર્ટસર્કિટથી લાગી હતી. પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like