પાટણના ધારુસણ ગામનો બનાવ: યુવકની હત્યા કરી લાશ જમીનમાં દાટી દેવાઈ

728_90

અમદાવાદ: પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ધારુસણ ગામે ગુમ થયેલા ર૦ વર્ષીય યુવકની હત્યા કરાયેલી લાશ જમીનમાં દાટેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. ગામલોકો અને પરિવારે માટી દૂર કરતાં માટીમાં દટાયેલો તેનો હાથ જોવા મળતાં આ મામલે પોલીસને જાણ કરતાં વાગડોદ પોલીસ સ‌િહત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પહોંચી તપાસ હાથ ધરી હતી.

યુવકને કોઇ અજાણ્યા શખસો સાથે કોઇ કારણોસર બોલાચાલી થઇ હતી જેના પગલે તેની હત્યા કરી લાશને દાટી દેવાઇ હોવાની શંકાને લઇ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના ધારુસણ ગામનો યુવક ધવલ રાજુભાઈ જોશી (ઉં.વ.ર૦) ગઈ કાલ બપોર પછી બહાર ગયા બાદ ગુમ થયો હતો. ઘરે પરત ન ફરતાં તેની શોધખોળ કરવામાં આવી હતી. દરમ્યાનમાં ગૌચર વિસ્તારમાં સુજલામ સુફલામ નામે તાજી પુરાયેલી માટી દૂર કરતાં એકાદ ફૂટ નીચે એક હાથ જોવા મળ્યો હતો.

ગામલોકો અને તેનાં પરિવારજનોને જાણ થતાં તેઓ તાતકાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. માટી ખસેડી મૃતદેહ બહાર કાઢવામાં આવતાં ધવલનો મૃતદેહ હોવાનું બહાર આવ્યું હતું. કોઈ અજાણી વ્યક્તિઓ સાથે તેને માથાકૂટ થઇ હતી, જેની અદાવતમાં હત્યા કરી જમીનમાં દાટી દીધો હોય તેવી આશંકા વ્યક્ત થઈ હતી.

ઘટના અંગે વાગડોદ પોલીસે ગામમાં પહોંચી પ્રારંભિક કામગીરી હાથ ધરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી લાશને પીએમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે.

You might also like
728_90