પૈસાના ઝઘડામાં યુવકનું અપહરણ

અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા એક વેપારીનું ગત રાત્રે ચાર શખ્સોએ પૈસાની લેતીદેતીના મામલે અપહરણ કર્યું હતું. અપહરણકર્તાઓ વેપારીને મહિન્દ્રા એસયુવી કારમાં એક્સપ્રેસ-વે પર લઈ ગયા હતા, જ્યાં તેમને ગોંધી રાખી ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બીજી તરફ પોલીસને જાણ કરાતાં પોલીસે લોકેશન મેળવી રામોલ અને ખોખરા પોલીસને જાણ કરતાં તેણે બે અપહરણકર્તાઓને શોધી તેમની ધરપકડ કરી વેપારીને મુક્ત કરાવ્યો હતો.

બાપુનગરના ભીડભંજન હનુમાન મંદિર પાસે આવેલી ગંગાનગરની ચાલીમાં વિક્રમસિંહ પૂનમસિંહ સિસોદિયા (ઉં.વ.૩૫) રહે છે. વિક્રમસિંહ સોલાર પ્રોડક્ટનો વેપાર કરે છે. થોડા સમય અગાઉ અમરાઈવાડી વિસ્તારમાં રહેતા જયસિંગ ભભૂ‌િતસિંહ ભદોરિયા પાસેથી રૂ.૧.૩૦ હજાર, રામચંદ્ર માતાપ્રસાદ પાંડે તેમજ બાપુનગરમાં રહેતા દિનેશભાઈ વિઠ્ઠલરામ બહાદુર પાસેથી રૂ.૨૦ હજાર અને જશોદાનગરમાં રહેતા કમલેશ રમેશભાઈ મરાઠી પાસેથી રૂ.૬૦ હજાર મળી કુલ રૂ.૨.૩૦ લાખ ઔડાના મકાન અપાવવાના બહાને પૈસા લીધા હતા. વિક્રમસિંહે પૈસા પરત ન ચૂકવતાં ગત રાત્રે વિક્રમસિંહ તેમના ઘર પાસે હતા ત્યારે આ ચારેય શખ્સો મહિન્દ્રા એસયુવી કારમાં આવ્યા હતા અને વિક્રમસિંહને બળજબરીથી કારમાં બેસાડી એક્સપ્રેસ-વે તરફ લઈ ગયા હતા, જ્યાં આરોપીઓએ વિક્રમસિંહને બીભત્સ ગાળો બોલી, લાકડીથી ઢોર માર મારી ગોંધી રાખ્યો હતો.

બીજી તરફ વિક્રમસિંહનું અપહરણ કરાયાની જાણ પોલીસને કરાતાં પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી અને મોબાઈલ લોકેશનના આધારે શોધખોળ શરૂ કરી હતી. લોકેશન એક્સપ્રેસ-વે પર આવતાં આ બાબતે રામોલ અને ખોખરા પોલીસને જાણ કરાતાં પોલીસની ટીમોએ તાત્કાલિક લોકેશન મેળવી એક્સપ્રેસ-વે પરથી ચારેયને ઝડપી િવક્રમસિંહને મુક્ત કરાવ્યા હતા. બાપુનગર પોલીસે ચારેયની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. અપહરણ કરનાર શખ્સો રિક્ષા ડ્રાઈવરો છે અને પૈસાની લેતીદેતીમાં અપહરણ કર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

You might also like