છેડતીથી બચવા દોડેલી મહિલા કાર સાથે અથડાઇ : છેડતી કરનાર યુવક બ્રિજ પરથી કુદ્યો

અમદાવાદ : અમદાવાદનાં ખોખરા નજીક આવેલા ગુરૂજી ઓવરબ્રિજ પર આજે એક વિચિત્ર અને ઘૃણાસ્પદ ઘટનાં બની હતી તેમ કહી શકાય. ધોળા દિવસે પોતાનાં બાળકને જઇ રહેલી મહિલાની એક વિકૃત વ્યક્તિ દ્વારા છેડતી કરવામાં આવી હતી. જો કે આ યુવકથી બચવા માટે મહિલાએ રોડ પર દોટ દેતા એક ગાડીની અડફેટે આવી ગઇ હતી. ઘટનાં સ્થળે ટોળુ એકત્ર થઇ જતા ટોળાથી બચવા માટે વિકૃત યુવકે બ્રિજ પરથી જ નીચે કુદ્યો હતો. હાલ તો મહિલા અને તેનાં બાળક ઉપરાંત બ્રિજ પરથી કુદેલા યુવક ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.
આ અંગે મળતી માહિતી અનુસાર યુવકે બ્રિજપરથી પસાર થઇ રહેલી મહિલાની છેડતી કરી હતી. જેથી ગભરાઇ ગયેલી મહિલા આસપાસ જોયા વગર જ રોડ ક્રોસ કરી જવા માટે ભાગી હતી. બ્રિજ પર જઇ રહેલી ગાડીઓમાં અચાનક મહિલા વચ્ચે આવી જતા એક ગાડી સાથે તેની ટક્કર થઇ હતી. જો કે આ ટક્કર સામાન્ય હતી. પરંતુ એકત્ર થયેલા ટોળાએ મહિલાએ અચાનક આ રીતે દોડવાનું કારણ પુછતા મહિલાએ યુવક દ્વારા છેડતીની વાત કરી હતી. જેથી ટોળું ઉશ્કેરાઇ ગયું હતું.
લોકો જ્યારે તે યુવકને પકડવા માટે દોડ્યા ત્યારે ગભરાયેલા યુવકે બ્રિજ પરથી જ કુદકો માર્યો હતો. જેનાં કારણે તે નીચે રેલ્વે ટ્રેક નજીક પટકાયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મહિલા અને તેની બાળકીની સારવાર વી.એસ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે હાલ તો પોલીસે છેડતીનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો યુવકની સારવાર ચાલી રહી છે.

You might also like