યુવકે પોતાના જન્મદિવસે જ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરતા ચકચાર મચી

અમદાવાદ: શહેરના અમરાઇવાડી વિસ્તારમાં રહેતા એક યુવકે તેના જન્મદિવસે જ પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. ધંધામાં ખોટ જતાં અને મા-બાપ સાથે બોલતાં ન હોઇ લાગી આવતાં પગલું ભર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. અમરાઇવાડી પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ અમરાઇવાડી વિસ્તારમાં જવાહરનગર પાસે આવેલા હરિઓમ એપાર્ટમેન્ટમાં કિરીટભાઇ ચાવડા (ઉંં.વ.૩૩) પત્ની અને બાળકો સાથે રહેતા હતા.

તેમનાં માતા-પિતા અને ભાઇ અમદાવાદમાં અન્ય જગ્યાએ અલગ રહે છે. કિરીટભાઇ અગાઉ એન્જિનિયરિંગ કંપનીમાં નોકરી કરતા હતા, પરંતુ કોઇક કારણસર તેઓએ નોકરી છોડી દીધી હતી. હાલમાં તેઓ ઘરે બેસી ઓટો એન્જિનિયરિંગનો ધંધો કરતા હતા.

મંગળવારે કિરીટભાઇનો જન્મદિવસ હોઇ બપોરે બહાર જમવા જવાનું છે તેવું પત્ની અને બાળકોને તેમણે કહ્યું હતું. પત્ની અને બાળકોને બહાર મોકલીને તેઓએ ઘરમાં જ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. તેમનાં પત્ની બહારથી ઘરે પરત ફર્યા ત્યારે તેમણે કિરીટભાઇને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયા હતા. અમરાઇવાડી પોલીસને આ અંગે જાણ કરાતાં પોલીસ દોડી આવી હતી.

ઓટો એન્જિનિયરિંગનો ધંધો બરાબર ચાલતો ન હોઇ કિરીટભાઇ ટેન્શનમાં રહેતા હતા તેમજ તેઓનાં માતા-પિતા પણ તેમની સાથે છેલ્લાં બે વર્ષથી બોલતાં ન હોઇ મનમાં લાગી આવતાં આ પગલું ભર્યું હોવાનું તેમનાં પરિવારજનોઅે પોલીસને જણાવ્યું હતું.

You might also like