તું કેમ ભાઈબંધી રાખતો નથી કહી ત્રણ જણાએ યુવકને માર માર્યો

અમદાવાદ: શહેરમાં સામાન્ય બાબતોમાં બોલાચાલીના બનાવો બને છે. કોઈ જગ્યાએ પાણી ઢોળવા, વાહન અથડાવવા વગેરે બાબતોમાં મારામારી થાય છે પરંતુ માધવપુરા વિસ્તારમાં મિત્રતા ન રાખતા ત્રણ શખસોએ એક યુવકને માર માર્યો હોવાનો કિસ્સો સામે અાવ્યો છે.
તું કેમ ભાઈબંધી રાખતો નથી ઓએનજીસીમાં નોકરી કરે છે એટલે તારી જાતને મોટો સાહેબ સમજે છે. કહી યુવકને ઢોર માર માર્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. અા અંગે માધવપુરા પોલીસે ત્રણેય શખસ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દૂધેશ્વર રોડ પર સરકારી લિથો પ્રેસ સામે અાવેલી ગલાજીની ચાલી નં.૩માં પરેશકુમાર સૂરજમલ ધોબી (ઉં.વ.૨૫) રહે છે. પરેશકુમાર ઓએનજીસીમાં નોકરી કરે છે. બે દિવસ અગાઉ રાત્રે પરેશકુમાર તેમની ચાલી પાસે ઊભા હતા તે દરમિયાનમાં ચાલીમાં જ રહેતો દિનેશ ઉર્ફે દિનો ખોડાભાઈ, દશરથ ઉર્ફે દશો ખોડાભાઈ અને દૂધિયો નામના ત્રણ શખસ અાવ્યા હતા અને તું અમારી સાથે ભાઈબંધી રાખતો નથી.

એએનજીસીમાં નોકરી કરે છે એટલે તારી જાતને મોટો સાહેબ સમજે છે કહી બિભત્સ ગાળો અાપી હતી. ગાળો અાપવાની પરેશકુમારે ના પાડતાં ત્રણેયે ગડદાપાટુંનો અને લાકડીથી માર મારતા યુવકને હાથમાં ઈજા થઈ હતી. અા અંગે તેણે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોધી ત્રણેયની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

You might also like