સાક્ષી અને સુલતાનથી પ્રેરાયા યુવાનો

સામાન્ય પરિવારની સાક્ષીને રિયો ઓલિમ્પિક પહેલાં કદાચ કોઇ ઓળખતું પણ ન હતું. પણ એેક બસ કન્ડક્ટર સુખબીર મલિકની પુત્રી સાક્ષી કે જે પહેલવાન છે, જેણે રિયો ઓલિમ્પિકમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવીને દેશ અને દુનિયામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. પહેલવાની માત્ર પુરુષો જ કરી શકે તેવું નથી. સ્ત્રીઓ પણ સારી પહેલવાન હોય છે આ વાતને ફિલ્મ ‘સુલતાન’માં ખૂબ જ સરસ રીતે રજૂ કરવામાં આવી છે. ત્યારે સલમાન ખાન અને સાક્ષી બંને યુવાનો માટે પ્રેરણા રૂપ બની રહ્યાં છે. આપણા શહેરમાં પણ એવા કેટલાક દેશી અખાડાઓ છે જ્યાં આઝાદી પહેલાંના સમયથી લંગોટ પહેરીને પહેલવાનો કુસ્તીના દાવ અજમાવે છે.

દેશી કુસ્તી અને અખાડાના સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઘણા ફાયદા રહેલા છે. દેશી કસરતો કરનાર વ્યક્તિને ઘડપણ મોડું આવે છે. તેની ઉંમર ક્યારેય વધુ લાગતી નથી. અમદાવાદ શહેરના ઘાટલોડિયા, રાયપુર, કાલુપુર, પાંચકૂવા, સરસપુર, રખિયાલ, દરિયાપુર, શાહપુરમાં આવા અખાડા આવેલા છે.

આ અખાડામાં તાલીમ લઇને યુવાનો દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રામાં પણ અંગકસરતના દાવ બતાવીને લોકોનું મનોરંજન કરતા હોય છે. આ અખાડામાં લંગોટ પહેરીને પાંચ વર્ષના બાળકથી માંડીને પચાસ વર્ષની ઉંમરના પહેલવાનો સાથે કસરત કરતા હોય છે. તેઓેનાં દેહસૌષ્ઠવ, બોડી લેંગ્વેજ, લંગોટ સાથેનો ગેટઅપ આજે પણ તેટલો જ અપીલિંગ છે.

અખાડામાં પહેલવાનો જે જગ્યાએ કુસ્તી કરે છે તે માટી એકદમ નરમ હોય છે. તેને ગૂંદીને તેમાં રાઈનું તેલ અને હળદરનો પાઉડર પણ નાખવામાં આવે છે. ત્યારબાદ પહેલવાનો તે શરીરે લગાડીને તેમાં કુસ્તી કરે છે. આ પહેલવાનો ખાસ સરસિયાનું તેલ શરીર પર લગાવે છે.

વર્ષોથી અખાડામાં જતા વિજય ડાભી કહે છે કે, “અમારા પરિવારમાં કુલ ચાર ભાઇઓ છે અને મારા પિતા પણ આ જ અખાડામાં કસરત કરીને મોટા થયા છે. બાળપણથી હું રાયપુરના અખાડામાં જાઉં છું. મારા ભાઇઓ પણ આ અખાડામાં કસરત કરીને પહેલવાન બન્યા હતા. મારો ભાઇ મિલિન્દ મિસ્ટર ગુજરાત સ્પર્ધામાં પણ અખાડામાં જ બોડી બનાવીને પહોંચ્યો હતો. અમારા પરિવારમાં કુલ ચાર ભાઇઓ છે. બોડી બિલ્ડિંગ અમારા પરિવારમાં બધાને બહુ પસંદ છે. મારા હાથ નીચે અત્યાર સુધીમાં ૨૦થી વધુ પહેલવાનો તૈયાર થયા છે. જેમાંથી કેટલાક પ્રોફેશનલ રેસલર બનીને મેડલ જીતી ચૂક્યા છે.”

સરસપુરમાં રહેતો હાર્દિક વ્યાસ કહે છે, “મને નાનપણથી જ પહેલવાન બનવાનો શોખ હતો. કુસ્તી કરતા પહેલવાનોને જોવાની ને તેમને અખાડામાં ફેંકવાની મને ખૂબ મઝા આવે છે. હું અખાડામાં નિયમિત સવાર-સાંજ દંડ-બેઠક, દોડ જેવી કસરત કરું છું. ”

કૃપા મહેતા

You might also like