યુવાઓ સ્વાવલંબન તરફ વળી રહ્યાં છે

આજનો યુવાન હવે વધારે સ્વાભિમાની બન્યો છે. હવે પૈસા માતાપિતા કે પછી અન્ય કોઈ વડીલ પાસે માગવા પડે તે તેના માટે માથાના ઘા સમાન છે. જેના કારણે સ્વનિર્ભર અને પગભર થવા માટે તે નોકરી અથવા તો ધંધા તરફ વળે છે. જો કે અભ્યાસ ચાલુ હોવાના કારણે નોકરીની શક્યતાઓ નહીંવત્ થઈ જાય છે. ઉપરાંત નોકરીમાં પણ ઘણી વખત સ્વાભિમાન ગુમાવવાનો વારો આવતો હોવા ઉપરાંત પાર્ટટાઇમ નોકરીમાં ખાસ કાંઈ વળતર પણ ન મળતું હોવાના કારણે તે ધંધો કરવા માટે પ્રેરાય છે.

આર્થિક રીતે સુખી પરિવારના યુવાનોને સામાન્ય રીતે મહેણું મારવામાં આવતું હોય છે કે તારે ક્યાં ચિંતા છે, તારે તો તારાં મા-બાપ છે જને. જો કે આજના યુવાનો સમાજનો તે ભ્રમ ભાંગવા અને પોતે આત્મનિર્ભર થવા માટે સ્વખર્ચે ધંધાની શરૂઆત કરતા હોય છે. જો કે આ યુવાનોને પોતાની આ યાત્રા દરમિયાન ઘણું શીખવા પણ મળે છે સાથે સાથે ઘણું સહન પણ કરવું પડતું હોય છે. જે યુવાને ક્યારેય પોતાની જાતે પાણીનો ગ્લાસ પણ ન ઉપાડ્યો હોય તેને ગ્રાહકોના ઈશારે નાચવું પડતું હોય છે. ગ્રાહકોનાં કડવાં વાક્યો સાંભળવા છતાં હસતાં મોઢે ખડેપગે રહેવું પડતું હોય છે.

આ અંગે જણાવતાં સુવૃત્તિ સિંહ જણાવે છે કે, “મને નાનપણથી જ અવનવી વાનગીઓ બનાવવાનો શોખ હતો. હું મારા શોખને જ મારું પ્રોફેશન બનાવું તે હેતુથી મારાં માબાપે મને ગ્રેજ્યુએશન પછી મેકિંગ ઓફ ચોકલેટ અને બેકિંગ આર્ટ શીખવા માટે ફ્રાન્સ મોકલી. ફ્રાન્સથી શિક્ષણ મેળવીને આવ્યા બાદ મેં મારી બહેન સાથે બેકરી શોપ ખોલી. ”

આ અંગે વાત કરતાં રેજિના દાગા કહે છે કે, “હું આર્થિક રીતે સધ્ધર કહી શકાય તેવા પરિવારમાંથી આવું છું. જો કે હું કૉલેજમાં આવી ત્યારથી જ મારું સપનું હતું કે હું મારું કૅફે ખોલું. જો કે આ વિચારને અમલમાં મૂકવો મારા માટે ખૂબ મોટો પડકાર હતો. મેં કદી ઘરે ગેસ પણ ચાલુ નહીં કરેલો અને મેં કેૅફે ચાલુ કર્યું ત્યારે ગ્રાહક પાસેથી ઓર્ડર લેવાથી માંડીને સર્વ કરવા સુધીની તમામ જવાબદારી મારા
પર રહેતી હતી. ”

સૌથી મહત્ત્વની વાત એ છે કે આ કામમાં પરિવારની મદદ. જ્યારે યુવા ધંધા અંગેની વાત પોતાના ઘરમાં કરે ત્યારે જ પરિવાર દ્વારા તેને ટોકવામાં આવતો હોય છે. હજી તારી ભણવાની ઉંમર છે અથવા તો પોતાનું સંતાન પૈસા ડુબાડી દેશે તેવા ભયથી વાલીઓ સંતાન પર વિશ્વાસ કરતા ખચકાતા હોય છે. આવી વિપરીત પરિસ્થિતિમાં પણ વિચારને અમલમાં મૂકવો ખૂબ જ કાઠું કામ છે.

જો કે વિચારને અમલમાં મૂક્યા બાદ તેનું સંચાલન કરવું અને વ્યવસાયને સફળ બનાવવો તે એક મોટો પડકાર હોય છે. વ્યવસાય સફળ જ થશે તેની કોઈ ગેરંટી હોતી નથી. ઘણી વખત યુવાન આ સ્થિતિમાં ડિપ્રેસ થઈ જતો હોય છે અને આડુઅવળું પગલું ભરવાથી માંડીને અવળા રવાડે ચડી જવા સુધીનાં પરિણામો પણ આવતાં હોય છે. જો કે કહેવત છે કે ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’. તેવી રીતે સાહસ વગર ક્યારેય સિદ્ધિ મળવી શક્ય નથી.

કૃતાર્થ જોશી

You might also like