યુવાનો હવે બ્રોડમાઇન્ડેડ બન્યા છે

પહેલાંના સમયમાં જ્યારે યુવાનો કોઇ ટેન્શન કે ડિપ્રેશનમાં હોય તો એક ખૂણામાં બેસી રહેતા અથવા તો પોતાના રૃમમાં ભરાઇ રહેતા પરંતુ આજકાલના યુવાનોની વાત જ કંઈક અલગ છે. હવે યુવાનો બ્રોડમાઇન્ડેડ બન્યા છે. પોતાની તકલીફો છુપાવવાને બદલે મિત્રવર્તુળમાં ચર્ચા કરતા થયા છે.

કોઇ પણ વાતને લઇને ડિપ્રેશનમાં આવી જવું એ જાણે કે હવે સ્વાભાવિક બની ગયું છે. આજના યુવાનો નાનીનાની વાતોનું ટેન્શન લઇને બેસી જતા હોય છે અને ધીમેધીમે ડિપ્રેશનમાં સરકી પડતા હોય છે પરંતુ હવે ડિપ્રેશનમાં રહેતા યુવાનો પણ સોશિયલ મીડિયાની મદદથી પોતાની વાત મિત્રો સમક્ષ મૂકતા હોય છે. ફેસબુક, વોટ્સ એપ., ટ્વિટર જેવાં અનેક સોશિયલ માધ્યમો છે જેના દ્વારા યુવાનો પોતાની અંગત વાતો શૅર કરતા થયા છે. આજના યુવાનો પણ આ જ રીતે પોતાની મુશ્કેલી-તકલીફો વહેંચતા થયા છે.

આજનો યુગ એટલો બધો ફાસ્ટ છે કે આંગળીનાં ટેરવે જિંદગી રમાતી થઇ ગઇ છે. કોઇ યુવાનને કૉલેજનું ટેેન્શન તો કોઇને નોકરીનું ટેન્શન તો વળી કોઇને ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડનું ટેન્શન. આમ, નાનાંનાનાં ટેન્શનોને રાઈનો પહાડ બનાવતા યુવાનો ડિપ્રેશનમાં ઢળી પડે છે. આવા સમયે તેમને જરૃર હોય છે હૂંફની જે આજનાં માધ્યમો દ્વારા તેમને મળતી થઇ છે. પોતાની ચિંતા ખુલ્લા દિલથી લખતા થયા છે. કહેતાં થયા છે કે જેના કારણે કોઇ ને કોઇ આ મુશ્કેલીનું સમાધાન લઇને તેમના માટે આવી જ જાય છે અને અંતે ડિપ્રેશનમાં ગયેલા યુવાનો ધીમેધીમે બહાર આવે છે અને ફરી પહેલાંની જેમ જ હસતાં, બોલતાં અને ફરતાં થઇ જાય છે.

આ સંદર્ભે વાત કરતા ૨૩ વર્ષીય કેતન શાહ કહે છે કે, “બેંકમાં નોકરી કરતો હોવાથી જાણે ટેન્શન તો ઘર જ કરી ગયું છે. એમાં પણ ટાર્ગેટ પૂરો કરવાની લાયમાં જાણે જીવન બેબાકળું બની જાય છે. પહેલાં હું નાનીનાની વાતોનું ટેન્શન લઇ લેતો અને સાવ શાંત બની જતો. સ્વભાવે મજાકિયો હોવાથી આ વાત મને બિલકુલ સેટ થતી નહોતી. ધીમેધીમે હું ડિપ્રેશનમાં જવા લાગ્યો પરંતુ થેંક્સ ટુ ફેસબુક કે ત્યાં મારા મિત્રોએ મારી મુશ્કેલી દૂર કરી. મેં મારી સમસ્યા ફેસબુક પર લખી અને પછી તો એટલાં બધાં સોલ્યુશન આવ્યાં કે મારું ટેન્શન જ દૂર થઇ ગયું. સોશિયલ મીડિયા પર પોતાની સમસ્યા શૅર કરવાથી મને ઘણું સારું લાગે છે.”

બી.એસસીમાં અભ્યાસ કરતી ઈશા કહે છે કે, “ડિપ્રેશનમાં આવી હાલત બનાવવા કરતાં કોઈ પણ વાત ઓપનલી કહેવી સારી. એવું નથી કે હું ક્યારેય ડિપ્રેશનમાં નથી આવી, પરંતુ હવે તકલીફો અને ડિપ્રેશનની દવા શોધી લીધી છે. તે છે મિત્રો, પરિવાર અને સોશિયલ મીડિયાનો સાથ. મારી કોઇ પણ સમસ્યાને શૅર કરવામાં માનું છું. આમ તો ફેસબુક પર બે હજારથી પણ વધારે મારા ફ્રેન્ડ છે પરંતુ હું દરેક વાત ફેસબુક પર શૅર નથી કરતી. તેમાં ઘણી વાર મુશ્કેલી પણ થઇ જાય છે માટે હું આવા સમયે વોટ્સ એપ.નો ઉપયોગ વધુ કરું છું. મારી વોટ્સ એપ. ડિક્શનરીમાં ૩૦૦થી વધુ કૉન્ટેકટ છે. માટે મારી સમસ્યાનો દરેક દૃષ્ટિકોણથી ઉકેલ મળે છે. યુવાનોએ હવે બ્રોડમાઇન્ડનો કૉન્સેપ્ટ અપનાવ્યો છે.”

You might also like