શહેરના પૂર્વ વિસ્તારમાં ‘ભાઈઅો’ના અાતંક સામે પોલીસ મૂક પ્રેક્ષક

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તાર એ‍વા ખોખરામાં કુખ્યાત ગુનેગાર કરમણ ઉર્ફે કમા રબારી અને તેના અન્ય ભાઈઓના શારીરિક માનસિક ત્રાસથી રવિવારે રાત્રે મણિનગરનાં એક યુવાન વેપારીએ આપઘાત કરી લીધો હતો. પેરોલ જમ્પના માથાભારે આરોપીના ત્રાસથી આપઘાત કરનાર મૃતક વેપારીના પિતાએ આ અંગે ત્રણેય ભાઈ વિરુદ્ધ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જોકે આવા કુખ્યાત ગુનેગાર હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. મૃતક રવિ શાહે પોતાની અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે ‘બે હાથ જોડીને મદદ માગું છું કમો અને કમાના ગુંડાથી મારા ઘરવાળાને બચાવજો, ન્યાય અપાવજો.’ આટલું જ નહીં તેણે મુખ્યપ્રધાન તેમજ વડા પ્રધાનનો પણ ઉલ્લેખ કરી અને આવાં માથાભારે તત્ત્વોથી બચાવવા કહ્યું હતું.

પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ ખોખરા, અમરાઈવાડી વિસ્તારમાં કમા રબારી અને તેના ભાઈઓનો આતંક છે તેની મારામારી, હત્યા જેવા ગુનાઓમાં સંડોવણી બહાર આવી છે. સ્થાનિક લોકો કરમણ રબારીના નામથી જ ફફડી ઊઠે છે અને તેના લુખ્ખા ગુંડાઓ સાથે કોઈ સામે પડતું નથી અને એક અવાજ ન ઉઠાવતાં આજે એક યુવાન વેપારીએ પોતાની જિંદગી ટૂંકાવી દીધી હતી.
આરોપી કરમણ અને તેના ભાઈઓ મૃતક રવિ પાસેથી રૂ. ૧.૪૫ લાખ અને એક્ટિવા પણ લઈ ગયા હતા. ત્રણેક મહિનાથી માથાભારે શખસો મૃતક રવિ શાહનો ખોટાં કામો કરાવવા ઉપયોગ કરતો હોવાનો તેઓ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે. પોલીસ આવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કરમણ અને તેના ભાઈઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાતાં હાલમાં ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનું પોલીસે જણાવ્યું છે.

અેસીપી અાર. વી. નંદાસણાઅે જણાવ્યું હતું કે અારોપી કમાને ઝડપવા માટે પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે અને પ્રજાને તેના ત્રાસથી મુક્ત કરાવવા પોલીસ દ્વારા સતત પ્રયત્ન કરવામાં અાવે છે.

પોલીસે કમાને પહેલાં જ ઝડપી લીધો હોત તો કદાચ રવિ શાહને જીવ ન ગુમાવવો પડત

કુખ્યાત આરોપી કરમણ ઉર્ફે કમો રબારીની થોડા સમય અગાઉ ખોખરા ફિઝિકલ ગ્રાઉન્ડ ખાતે મોતીભાઈ રબારીની હત્યામાં સંડોવાણી બહાર આવી હતી અને આ હત્યાનાં ગુનામાં તેને જેલ થતાં તે પેરોલ પર બહાર આવ્યો છે. પેરોલ પૂર્ણ થતાં જેલમાં હાજર થવાની જગ્યાએ કમો પેરોલ જમ્પ કરી તેના જ વિસ્તારમાં ખુલ્લેઆમ ફરતો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે અને પોલીસ આ આરોપી કરમણ વિશે તમામ હકીકત જાણતી હોવા છતાં તેની સામે કોઈ પગલાં કે ન તેની ધરપકડ કરે છે. પોલીસે કમાની ધરપકડ કરી લીધી હોત તો કદાચ રવિ શાહને જીવ ન ગુમાવવો પડત. આરોપી કરમણ ઉર્ફે કમો રબારી, મહેશ રબારી તેમજ જયરામ રબારી ઉપરાંત તેના ત્રણ અન્ય ભાઈ છે. માથાભારે ભાઈઓના ત્રાસથી ખોખરા, અમરાઈવાડી, મણિનગર અને હાટકેશ્વરની પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. કરમણ અને તેના ભાઈઓનું નામ પડતાં જ કોઈ વ્યક્તિ તેમની સામે પડતું નથી. સ્થાનિક સૂત્રોનાં જણાવ્યા મુજબ થોડા સમય અગાઉ મણિનગર વિસ્તારમાં આવેલા દક્ષિણી બ્રિજ નજીક મોડી રાત્રે કેટલાંક લુખ્ખાં તત્ત્વોએ આંતક મચાવ્યો હતો. જેમાં એક રિક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું. આ આતંકમાં તેનાે ભાઈ સંજય રબારી પણ હોવાનું બહાર આવ્યું હતું. આટલો આતંક છતાં ખોખરા અને અમરાઈવાડી પોલીસ તેમની સામે કોઈ પગલાં ભરતી નથી.

You might also like