અયોધ્યા વિવાદ: સુપ્રીમની પહેલને તમામે આવકારવી જોઈએ

અયોધ્યાનો વિવાદ સમાધાનથી ઉકેલવા આખરે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીની નિમણૂક કરી છે. આ પહેલને તમામ પક્ષકારોએ આવકારવી જોઇએ. આ મામલો શાંતિપૂર્વક અને સમાધાનથી ઉકેલાય તે દેશ અને દેશવાસીઓના હિતમાં છે.

સુપ્રીમ કોર્ટે રામજન્મભૂમિ અંગેની સુનાવણીમાં તમામ પક્ષને કહ્યું કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઉકેલ સમાધાનથી થવો જોઇએ. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે આ માત્ર જમીનનો પ્રશ્ન નથી પણ ધાર્મિક ભાવના સાથે જોડાયેલો સંવેદનશીલ મુદ્દો પણ છે. વિવાદ ઉકેલવાની સાથે દિલ અને દિમાગમાં બનેલી ખાઇને પૂરવાનું પણ એટલું જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે ર૦૧૦માં અલ્હાબાદ હાઇકોર્ટે રામજન્મભૂમિની વિવાદી જમીન ત્રણ ભાગમાં વહેંચવાનો આદેશ આપ્યો હતો, જોકે આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. એક રીતે જોઇએ તો આ ટાઇટલ સૂટ એટલે કે જમીનની માલિકીના હકથી જોડાયેલો મામલો પણ છે.

તેથી સ્વાભાવિક છે કે કોર્ટ આદેશ આપે તો એક પક્ષ જીતે અને સામેનો પક્ષ હારે. કાનૂની રીતે તે યોગ્ય હોય તો પણ સમાજ પર તેની ગાઢ અસર પડે તેમ છે. તેનાથી દેશભરમાં કોમી વૈમનસ્ય વધવાની અને બધા રાજકીય પક્ષો ચુકાદાનો પોતાના લાભ માટે ઉપયોગ કરે તેમાં પણ કોઇ બેમત નથી.

કોર્ટ જમીનની માલિકીનો કોઇ ફેંસલો આપે તો સ્વાભાવિક રીતે હારનાર પક્ષ નારાજ થાય, તેની દેશના કોમી એખલાસ પર ગંભીર અસર પડે, જે દેશના હિતમાં નથી. અલ્હાબાદ હાઇકોર્ટે પણ આ કેસમાં જોડાયેલી ભાવનાને ધ્યાનમાં રાખીને જમીનના ત્રણ ભાગ કરવાનો આદેશ આપ્યો હતો.

આ આદેશ એવો હતો કે જેમાં કોઇની સીધી હાર ન હતી કે કોઇની જીત. સુપ્રીમ કોર્ટે પણ એટલા માટે એવો ઉપાય સૂચવ્યો છે કે થોડી ઘણી નારાજગી છતાં એકંદરે તમામને માન્ય હોય તેવો કોઇ રસ્તો નીકળે, જોકે તેના માટે બંને પક્ષોએ અક્કડ વલણ છોડીને થોડું ઘણું જતું કરવાની ભાવના સાથે આગળ આવવું પડશે. સમાધાનથી અયોધ્યા વિવાદ ઉકેલાય તો ઐતિહાસિક હશે અને તેનાથી કોમી એકતા વધુ મજબૂત બનશે.

આ મામલે થતી રાજનીતિનો પણ અંત આવશે. અયોધ્યા વિવાદ આપસી સહમતીથી ઉકેલવાની વાત ઘણાં વર્ષથી રાજનેતાઓ, ધર્મગુરુઓ તથા જાણીતી હસ્તીઓ કરતી આવી છે, પરંતુ સમાધાનના રસ્તે આગળ વધવાની સહમતી જ બનતી ન હતી.

આ વખતે હકારાત્મક બાબત એ છે કે બે મુખ્ય પક્ષકાર નિર્મોહી અખાડા અને સુન્ની વકફ બોર્ડને મધ્યસ્થી મંજૂર છે, જોકે રામલલ્લા બિરાજમાન પક્ષનું કહેવું છે કે મધ્યસ્થીથી આ મામલાનો હલ નીકળી શકે તેમ નથી. હિંદુ મહાસભાને પણ વાંધો છે, જોકે તેમણે પોતાના તરફથી મધ્યસ્થી કરનારનાં નામ જરૂર આપ્યાં છે.

અત્યારે તો એવું લાગે છે કે થોડા ઘણા વાંધા છતાં તમામ પક્ષકારો સમાધાનથી ઉકેલ માટે સંમત થઇ જશે. અયોધ્યા મામલે અવારનવાર નિવેદનબાજી ચાલતી રહે છે અને તેના કારણે દેશભરમાં તણાવ ઊભો થાય છે, જેનો ફાયદો સમાજવિરોધી તત્ત્વો ઉઠાવે છે.

હવે જ્યારે દેશની સર્વોચ્ચ અદાલતે આ પ્રસ્તાવ મૂક્યો છે ત્યારે બધાંએ તેને સ્વીકારવાની તૈયારી રાખવી જોઇએ. સુપ્રીમની દેખરેખમાં ત્રણ નામાંકિત મધ્યસ્થી જે પ્રસ્તાવ મૂકે તેના આધારે સમાધાન કરવું જોઇએ. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીઓને તમામ સાથે વાત કરીને તેમનો રિપોર્ટ આઠ સપ્તાહમાં આપવાનો આદેશ કર્યો છે તેમજ સમગ્ર બાબત ગોપનીય રાખવાનો તેમજ મીડિયાને આ અંગે કોઇ રિપોર્ટિંગ નહીં કરવાનો પણ આદેશ આપ્યો છે, જે સારી બાબત છે, કેમ કે મીડિયા દ્વારા પક્ષકારોની રજૂઆત કે અન્ય કોઇ સાચી-ખોટી માહિતી આપવાથી માહોલ બગડી શકે છે.

તેના આધારે રાજકીય પક્ષો પણ રાજનીતિ કરી શકે છે. પરિણામે સમાધાનના પ્રયાસોને ગંભીર ફટકો પડી શકે છે. સુપ્રીમ કોર્ટે ખુદ મધ્યસ્થી તરીકે સુપ્રીમના જ પૂર્વ જજ કલીફુલ્લા, આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર તેમજ સિનિયર એડ્વોકેટ શ્રીરામ પાંચુની નિમણૂક કરી છે ત્યારે કોઇને પણ શંકા રાખવાનો અવકાશ રહેતો નથી.

You might also like