સફળતા માટે ક્રેઝી હોવું જરૂરીઃ કેટ

બ્રિટનમાં જન્મેલી ઈન્ડિયન બ્યુટી કેટરીના કૈફ આજે એ દરેક યુવતીની આઈડલ છે, જે ખુદને બ્યુટી ક્વીન અને ફિટ રહેવાની દિશામાં આગળ વધારવા ઇચ્છે છે. કેટરીનાની ગણતરી એ અભિનેત્રીઓમાં થાય છે કે જે મેકઅપ વગર પણ સુંદર દેખાય છે, તેથી જ કેટરીનાના સૌંદર્યએ માત્ર પુરુષોને જ નહીં, મહિલાઓને પણ ઘાયલ કરી છે. અભિનયની દુનિયામાં પણ કેટનો ડંકો વાગી રહ્યો છે. તેણે શાહરુખ, સલમાન અને આમિર ત્રણેય ખાન સાથે કામ કર્યું છે. આ ત્રણેય ખાન આ ઉંમરમાં પણ પોતાની એક્ટિંગને લઇને અત્યંત ક્રેઝી હોય છે અને પોતાના રોલને પરફેક્ટ બનાવવા માટે ખૂબ જ મહેનત કરે છે. કેટરીના કહે છે કે એનર્જીથી ભરપૂર ત્રણેય ખાનના ફેન્સની વચ્ચે તેમનો ક્રેઝ સતત વધતો રહેવો સ્વાભાવિક છે.

ખાન બ્રિગેડ સાથે કામ કર્યા બાદ કેટરીનાએ નવા કલાકારો સાથે કામ કરવાને પ્રાથમિકતા આપી છે. તે કહે છે કે સાચું કહું તો હું ક્યારેય કોઇ કલાકારને જોઇને ફિલ્મ સાઇન કરતી નથી. મને ફિલ્મ ગમે તો હું તેમાં કામ કરું છું, પરંતુ મને નવા કલાકારો સાથે કામ કરવામાં વાંધો નથી. આજે કેટરીના ઇન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રીઓમાંથી એક છે. તે કહે છે કે આ મુકામ મેળવવા માટે મેં ઘણી મહેનત કરી છે. કોઇ પણ કલાકાર માટે ૧૪ થી ૧૫ કલાક સેટ પર વિતાવવા સરળ હોતા નથી. આ દરમિયાન ઘણી વાર તો લંચ અને ડિનર માટે બ્રેક પણ મળતો નથી. તમે ફિલ્મ કરવા માટે ક્રેઝી હો તો આ બધું કરી શકો છો અને જ્યાં સુધી તમે ક્રેઝી હો ત્યાં સુધી તમે સફળ છો. •

You might also like