વાહનમાલિકોએ હવે PUC મેળવવા પણ ચૂકવવો પડશે GST, જાણો કેટલાં ટકા?

નવી દિલ્હીઃ રસ્તા પર ચાલતાં તમામ વાહનો માટે પીયુસીની જરૂર હોય છે. હવે વાહનમાલિકોએ પોતાનાં વાહનો માટે પોલ્યૂશન સર્ટિફિકેટ મેળવવા માટે ૧૮ ટકાના દરે જીએસટી ચૂકવવો પડશે. ઓથોરિટી ઓફ એડ્વાન્સ રુલિંગે (એએઆર) એવો આદેશ કર્યો છે કે વાહનમાલિકોને હવે પ્રદૂષણ સર્ટિફિકેટ એટલે કે પીયુસી મેળવવા ૧૮ ટકાના દરે જીએસટી ચૂકવવો પડશે.

એએઆરની ગોવા બેન્ચે વેંકટેશ ઓટોમોબાઇલ્સની અરજી પર આ આદેશ કર્યો છે. વેંકટેશ ઓટોમોબાઇલ્સે અરજી કરીને એવી માહિતી માગી હતી કે રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવતા પોલ્યૂશન કંટ્રોલ સર્ટિફિકેટ પર જીએસટીની છૂટ છે કે કેમ? આ અરજીનાં જવાબમાં ઓથોરિટી ઓફ એડ્વાન્સ રૂલિંગે જણાવ્યું હતું કે અરજદાર દ્વારા વાહનો માટે પોલ્યૂશન કંટ્રોલ સર્ટિફિકેટ જારી કરવું એ સર્વિસ એકાઉન્ટિંગ કોડ ૯૯૯૧ હેઠળ આવતું નથી અને તેથી વાહનમાલિકોએ પીયુસી મેળવતી વખતે ૧૮ ટકાના દરે જીએસટી ચૂકવવો પડશે.

એએઆર દ્વારા વધુમાં જણાવાયું છે કે સરકારે અરજદારને જીએસટીના પેમેન્ટ પર પીયુસી જારી કરવા માટે અધિકૃત કરેલ છે. સર્વિસ ચાર્જના પેમેન્ટ બાદ પોલ્યૂશન તપાસની સેવા આપવામાં આવી રહી છે. આ સંજોગોમાં જીએસટીના નિર્ધારિત દર પ્રમાણે પેમેન્ટ કરવું પડશે.

You might also like