તમે લગ્ન કરેલાં છે? તમારા બંનેના ઘરે મોબાઈલ પર વાત કરાવો

અમદાવાદ: શહેરના છેવાડે આવેલી નર્મદા કેનાલ તેમજ સૂમસામ જગ્યાઓએ એકલદોકલ બેઠેલા કપલને પોલીસ તરીકેની ઓળખ આપી છરી બતાવી લૂંટ ચલાવતી ગેંગની અડાલજ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે નવ મોબાઇલ, ત્રણ બાઇક કબજે કર્યાં છે.

પોલીસના જણાવ્યાનુસાર આરોપીઓ દારૂ પીવા ટેવાયેલા છે. મોજશોખ તેમજ દારૂ પીવા માટે લૂટ ચલાવતા હતા. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી તજવીજ હાથ ધરી છે.  પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર શહેરના છેવાડાના વિસ્તારોમાં આવેલ સૂમસામ જગ્યાઓ તેમજ નર્મદા કેનાલ પર યુવક યુવતીઓ એકાંત માણવાં બેઠેલાં હોય છે ત્યારે આવાં એકલદોકલ કપલને પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવાય છે તેવી બાતમી અડાલજ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે તમામ માહિતી એકત્ર કરી આ ગેંગના ચાર લોકોની ધરપકડ કરી છે.

પોલીસે સંજય કનુ પરમાર (રહે. વીરમાયા નગરનાં છાપરાં, ચાંદખેડા), મહેન્દ્રસિંહ ઉર્ફે મેકસ, ચંદ્રભાણસિંહ ઠાકોર (રહે. કાળીગામ), તુષાર ઉર્ફે રોકી (રહે. ચેનપુર) અને સુશીલ રામકિશન ચૌહાણ (રહે. ચાંદખેડા)ને ઝડપી લઇ લૂંટ ચલાવાયેલા મોંઘાદાટ નવ જેટલા મોબાઇલ ફોન અને લૂંટ માટે વપરાયેલ બે બાઇક અને એક એક્ટિવા કબજે કરાયાં હતાં.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ ડી કેબિનમાં વલ્લભપાર્ક પાસે આવેલા કાળીગામના ગાર્ડનમાં ભેગા થતા હતા બાદમાં દારૂની મહેફીલ માણી નર્મદા કેનાલ, વૈશ્નોદેવી રિંગરોડ તેમજ સુઘડ કેનાલ તરફ જતા હતા. આ વિસ્તારમાં જો કોઇ એકલદોકલ કપલ દેખાય તો તેઓને પોતે પોલીસ હોવાની ઓળખ આપી તમે લગ્ન કરેલાં છે ? તારા ઘરે વાત કરાવ તેમ કહી મોબાઇલ ફોન લઇ લેતા અને બાદમાં છરી બતાવી પૈસા અને મોબાઇલની લૂંટ ચલાવી ફરાર થઇ જતા હતા. આરોપીઓ ઝડપાતાં અડાલજ પોલીસ સ્ટેશનના ત્રણ, સાબરમતી અને સેટેલાઇટના એક તેમજ અન્ય ત્રણ પોલીસ સ્ટેશનના મળી કુલ સાત જેટલી લૂંટના ભેદ ઉકેલાયા છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ આરોપીઓ ન્યૂસન્સ છે અને દારૂ પી ચાલુ બાઇકે સ્ટંટ પણ કરતા હોય છે. હાલમાં તમામની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઇ છે.

You might also like