કેજરીવાલ સહિત આપ નેતાઓએ જુઠ્ઠાણું ચલાવ્યું છે : અરુણ જેટલી

નવી દિલ્હી : નાણા પ્રધાન અરુણ જેટલીએ દિલ્હી એન્ડ ડિસ્ટ્રિકટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ) પ્રકરણમાં દિલ્હીનાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ તથા તેમના પક્ષ આમ આદમી પાર્ટી (આપ)નાં પાંચ અન્ય નેતાઓ વિરુદ્ઘ ગુનાઇત બદનક્ષીની ફરિયાદ અંગે આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં નિવેદન નોંધાવ્યું. તેમણે આક્ષેપ કર્યો કે કેજરીવાલ સહિતનાં આપ નેતાઓએ તેમના તથા તેમના પરિવાર વિરુદ્ઘ જુઠ્ઠા નિવેદનો આપ્યાં છે.

મુખ્ય મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ સંજય ખનગવાલ સમક્ષ નિવેદન નોંધાવતાં જેટલીએ કહ્યું કે આ નિવેદન એટલા માટે આપવામાં આવ્યા કે જેથી કેજરીવાલ સાથે કામ કરનાર એક ખાસ વ્યકિત વિરુદ્ઘ સીબીઆઈ તપાસને ગેરમાર્ગે દોરી શકાય. નોંધનીય છે કે જેટલીએ ગત ૨૧મી ડિસેમ્બરનાં રોજ કેજરીવાલ સહિત ૬ આપ નેતાઓ કુમાર વિશ્વાસ, આશુતોષ, સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા તથા દીપક વાજપેયીનો સમાવેશ થાય છે. જેટલીએ તમામ વિરુદ્ઘ કેસ ખટલો ચલાવવાનો અનુરોધ કર્યો છે.

કાયદામાં આ ગુનાઓ બદલ બે વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.જેટલીએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે મુખ્યપ્રધાન તથા આપનાં નેતાઓને સંયુકત ઇરાદા હેઠળ રાજકીય લાભ લેવા માટે ૧૫મી ડિસેમ્બરથી તેમના અને તેમના પરિવારનાં સભ્યો વિરુદ્ઘ એક જુઠ્ઠાણાપૂર્ણ, દ્વેષપૂર્ણ તથા અપમાનજનક ઝુંબેશ ચલાવી કે જેનાથી તેમને અપૂરણીય હાનિ પહોંચી છે.

You might also like