વેલડન સુમિત્રાજી….આપે અનામત બાબતે અપ્રિય પણ કરી વાત સાચી….

અનામત અંગે જ્યારે ચોમેરથી બેફામ નિવેદનબાજી થઇ રહી છે ત્યારે લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજને અનામત અંગે લોકોને અપ્રિય અને કડવી લાગે, પરંતુ વાસ્તવિક વાત કરી છે. અનામત તરફીઓ કે સમર્થકોને આ વાત કદાચ પસંદ નહીં પડેે, પરંતુ સુમિત્રાજીએ જે વાત કરી છે તે ખરા અર્થમાં અનામતની જરૂરિયાત અને વ્યવહારુતા પર પ્રકાશ ફેંકે છે.

તેમણે જણાવ્યું છે કે ભારતના સંવિધાન નિર્માતા બાબાસાહેબ આંબેડકરે સ્વયં એવું કહ્યું હતું કે અનામતની જરૂર માત્ર ૧૦ વર્ષ માટે જ છે. તેમણે ૧૦ વર્ષની અંદર સમતા મુલક સમાજની કલ્પના કરી હતી, પરંતુ આવું થઇ શક્યું નહીંં અને આપણે સતત અનામત લંબાવતા રહ્યા.

સુમિત્રાજીએ સાચું જ જણાવ્યું છે કે અનામતથી સમાજને શું ફાયદો થયો છે? તેનાથી સમાજમાં કેટલા ભાગલા પડ્યા છે? એ જાણવું જરૂરી છે કે શું શિક્ષણ અને નોકરીઓમાં અનામત જારી રાખવાથી દેશની પ્રગતિ થશે ખરી?

દેશના ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં અનામતની માગ ઊઠી છે. મહારાષ્ટ્રમાં મરાઠા, ગુજરાતમાં પાટીદાર અને ઠાકોર તેમજ રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં જાટ અનામત આંદોલન ચાલી રહ્યાં છે. આ આંદોલનોને નાથવા દરેક રાજ્ય સરકારને આંખમાં પાણી આવી ગયાં છે. અનામતનું ભૂત વારંવાર ધુણવા લાગતાં દેશના રાજકારણમાં ગરમાવો આવી જાય છે.

તાજેતરમાં લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજને અનામતને લઈને કરેલા એક નિવેદન બાદ દેશભરમાં ખૂબ જ હોબાળો મચી ગયો હતો, પરંતુ પોતાની મતબેન્કના ભોગે પણ આવું નિવેદન આપવા માટે ખરેખર હિંમત જોઈએ.

મહાજને જણાવ્યું હતું કે દલિતોના મસીહા ગણાતા બાબાસાહેબ આંબેડકરે માત્ર દસ વર્ષ માટે જ અનામતની તરફેણ કરી હતી, પરંતુ આપણે દર દસ વર્ષે આ મુદત વધારતાં ગયાં છીએ. શું નોકરી અને શિક્ષણમાં અનામત દ્વારા સમાજમાં એકરસતા જળવાઈ રહી છે? તેવો સવાલ કરતાં તેમણે કહ્યું હતું કે દેશ અને સમાજમાં એકસમાનતા જળવાઈ રહે એ માટે બાબાસાહેબના નિર્દેશ પ્રમાણે ચાલવું જોઈએ.

સુમિત્રા મહાજનનું આ વિધાન અત્યારે એટલા માટે મહત્ત્વનું છે, કેમ કે આવનારા દિવસોમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ચૂંટણી યોજાવાની છે. બંને રાજ્યમાં ભાજપની સરકાર છે. રાજસ્થાનમાં અનામતનો પ્રશ્ન સૌથી મોટો છે. આવનારા દિવસોમાં અનામતને લઈ આંદોલનોથી માંડીને તોફાનો થઇ શકે છે.

આ સંજોગોમાં સુમિત્રા મહાજનના આ નિવેદનની અસર ખૂબ મોટી પડી શકે તેમ છે, પરંતુ મહાજને પોતાના પક્ષની મતબેન્કની પરવા કર્યા વિના જે રીતે પોતાની વાત કહી એ ખૂબ જ કાબિલેદાદ પગલું છે. દેશના મોટા ભાગના યુવાનો અનામતની વિરુદ્ધ છે.

અનામતે દેશને કંઈ જ આપ્યું નથી, ઊલટાના દેશમાં જાતિવાદી- કોમવાદી વાડા ઊભા કર્યા છે. એ વાત આપણે સૌ જાણીએ જ છીએ. અનામતની આગમાં અનેક સારી કારકિર્દીઓ ખાખ થઈ ગઈ છે તો અનામતનો લાભ લઇ અનેક લોકો ટોચે પહોંચી ગયા છે.

માત્ર જાતિના આધારે કોઈ વિદ્યાર્થી ઓછા માર્ક્સ લાવ્યો હોય તો પણ વધુ માર્ક્સ મેળવનાર કરતાં પહેલાં કોલેજ પ્રવેશ મેળવી લે અને જે વિદ્યાર્થી લાયકાત ધરાવતો હોય તે રહી જાય ત્યારે આ અનામતનો ભોગ બનેલા વિદ્યાર્થીના મનમાં અનામત અને દેશના કાયદા માટે રોષ ભભૂકી ઊઠે છે.

અનામત માત્ર એક પેઢી સુધી જ મર્યાદિત હોવી જોઈએ, કેમ કે અનામત હેઠળ આવતા પરિવારના કોઈ એક સભ્ય આઈપીએસ-આઈએસ કે આવા બીજા કોઈ મોટા પદ પર પહોંચી ગયા પછી પણ તેમના પરિવારને અનામતની જરૂર હોય ખરી? એટલા માટે જ બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરે માત્ર દસ વર્ષ માટે અનામતની રજૂઆત કરી હતી.

શું ભારતમાં હજુ પણ લોકો પછાત છે ખરા? જાતિ કરતાં આર્થિક બાબત અનામત માટે વધુ જરૂરી નથી લાગતી? આજે તો રાજકીય નેતાઓ અનામતની આગમાં પોતાના રોટલા શેકવા તૈયાર જ હોય છે. જો સમગ્ર દેશની પ્રજાનો મત અનામતના મુદ્દે લેવામાં આવે તો મોટા ભાગના લોકો આ પ્રથાનો વિરોધ કરશે તે નક્કી છે. સુમિત્રા મહાજન જેવી હિંમત બીજા કોઇ રાજકીય નેતાઓ દેખાડી શકશે ખરા? એવાે પ્રશ્ન સૌના મનમાં થઇ રહ્યાે છે.

You might also like