યોગી સરકાર યુપીના 12 શહીદ જવાનોના પરિવારને રૂપિયા 25-25 લાખ આપશે

(એજન્સી) લખનૌ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૩૭ જવાનો શરીદ થયા છે. આ ૩૭ જવાનોમાંથી ૧ર જવાનો ઉત્તર પ્રદેશના સપૂત છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આ ૧ર જવાનોના શહીદ પરિવારોને રૂ.રપ-રપ લાખ આપશે અને પરિવારની એક વ્યકિતને રાજ્ય સરકારમાં નોકરી આપવામાં આવશે.

આ ઉપરાંત શહીદ થયેેલા જવાનોના પૈતૃક ગામના સંપર્ક માર્ગનું નામકરણ શહીદ જવાનોના નામથી કરવામાં આવશે. શહીદ જવાનોના અગ્નિ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. જેમાં રાજ્ય સરકારના એક પ્રધાન, કલેકટર તથા વરિષ્ઠ પોલીસ અધિક્ષક/પોલીસ અધિક્ષક અને રાજ્ય સરકારના પ્રતિનિધિ હાજર રહેશે.

દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ ૩૭ જવાનોમાં બે જવાન બિહારના અને ત્રણ જવાનો રાજસ્થાનના પણ છે. ઉત્તર પ્રદેશના જે ૧ર જવાનો શહીદ થયા છે તેમાં ચંદૌલીના અવધેશકુમાર, અલાહાબાદના મહેશકુમાર, શામલીના પ્રદીપ, વારણસીના રમેશ યાદવ, આગ્રાના કૌશલકુમાર યાદવ, ઉન્નાવના અજિતકુમાર, કાનપુરના શ્યામબાબુ, કનૌજના પ્રદીપસિંહનો સમાવેશ થાય છે.

બિહારના બે શહીદ જવાનોમાં પટણાના સંજયકુમાર સિંહા અને ભાગલપુરના રતનકુમાર ઠાકુરનો સમાવેશ થાય છે. જ્યારે રાજસ્થાનના ત્રણ શહીદ સપૂતોમાં કોટાના હેમરાજ મીણા, શાહપુરાના રોહિતાસ લાંબા અને ધોલપુરના ભાગીરથસિંહનો સમાવેશ થાય છે.

You might also like