યોગી આદિત્યનાથ આગ્રા પહોંચ્યાઃ વિવાદો વચ્ચે તાજના દિદાર કર્યા

આગ્રા: અયોધ્યા, બુંદેલખંડ, બીજનૌર અને બનારસ બાદ હવે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આજે આગ્રાના પ્રવાસે પહોંચી ગયા છે. તાજમહાલને લઈ ચાલી રહેલા ઘમસાણ વચ્ચે યોગી આજે તાજના દિદાર કરશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ યોગી આદિત્યનાથ નવ વાગ્યાની આસપાસ તાજમહાલ પહોંચી ગયા હતા અને અડધો કલાક તેમણે ત્યાં વિતાવ્યો હતો.

તાજમહાલ સંકુલમાં પ્રવેશીને યોગી આદિત્યનાથે તેના પશ્ચિમ ગેટ પર બનેલા પાર્કિંગમાં ઝાડુ લગાવીને સ્વચ્છ ભારત અભિયાનનો સંદેશ આપ્યો હતો. ઝાડુ લગાવ્યા બાદ મુખ્યપ્રધાન યોગીએ શાહજહાંપાર્કની મુલાકાત લીધી હતી અને ત્યાં પ્રવાસીઓ માટે વોક-વેનો શિલાન્યાસ કર્યો હતો. ત્યારબાદ યોગીએ તાજમહાલ સંકુલમાં પ્રવેશીને તેની સમીક્ષા કરી હતી.

તાજમહાલ અંગે છેલ્લા કેટલાય િદવસોથી ચાલી રહેલા વિવાદ વચ્ચે સી.એમ. યોગીની આજની મુલાકાત પર સૌ કોઈની મીટ છે. તેમની આ મુલાકાતને લઈ રાજકીય નિવેદનબાજી પણ શરૂ થઈ ગઈ છે. ગુરુવારે પૂર્વ સીએમ અખિલેશ યાદવે ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘યે હૈં જમુના કિનારે ખડે તાજ કા કહેના, યે હૈં પ્યાર કા તીર્થ, યહાં ભી આતે રહેના.’ વિવાદની શરૂઆત યુપી ટૂરિઝમના પુસ્તકમાંથી રાજ્યની વિકાસ યોજનાઓની યાદીમાંથી તાજમહાલની બાદબાકીથી થઈ હતી. ત્યારબાદ ભાજપના નેતાઓએ તાજમહાલ અંગે વિવાદી નિવેદનો કર્યાં હતાં.

ભાજપના ધારાસભ્ય સંગીત સોમે તાજમહાલને ભારતીય ઈતિહાસનું કલંક ગણાવ્યું હતું. જ્યારે ભારતના નેતા વિનય કટિયારે એવું જણાવ્યું હતું કે તાજમહાલના સ્થાને પહેલાં શિવ મંદિર હતું.  મુખ્યપ્રધાન યોગી આજે આગ્રામાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા કેટલીય યોજનાઓનો શિલાન્યાસ કરશે. ભાજપના ૫૦૦ કાર્યકરો સાથે મળીને તેમણે સ્વચ્છતા અભિયાન પણ હાથ ધર્યું હતું.

You might also like