હિન્દુ રાષ્ટ્રનો માર્ગ જ યોગ્ય છેઃ યોગી આદિત્યનાથ

લખનૌ: યુપીમાં મુખ્યપ્રધાન તરીકે શાસન સંભાળ્યા બાદ આદિત્યનાથે પ્રથમ વાર એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમને તેમનો વિરોધ કરનારાની કોઈ પરવા નથી, તેમનું કામ જ બોલશે. તેમણે હિન્દુ રાષ્ટ્રથી જ લોકોનું જીવન સુધરે છે તેમ જણાવી હિન્દુ રાષ્ટ્રનો માર્ગ જ યોગ્ય છે તેમ જણાવ્યું હતું. તેમણે યુપીની ખાંડની મિલના માલિકોને 15 દિવસમાં કિસાનોને શેરડીની રકમ ચૂકવી દેવા આદેશ આપ્યો છે.

યોગી આદિત્યનાથે વધુમાં જણાવ્યું હતું કે કોણ શું કહે છે તેની સાથે મારે કોઈ લેવાદેવા નથી, મારે જે કરવું છે તે રાજ્યના હિતને ધ્યાનમાં રાખીને કરીશ, કેન્દ્રમાં મોદી સરકાર જે પગલાં લઈ રહી છે તે મુજબ હું યુપીમાં કામ કરવા માગું છું અને તેથી હિન્દુ રાષ્ટ્રનો માર્ગ ખોટો નથી. આ માર્ગને અપનાવવામાં કંઈ જ ખોટું નથી. દેશમાં મોદી જેવા યોગી સત્તા સંભાળે છે તેથી દેશવાસીઓમાં વિશ્વાસ જાગ્યો છે. તેમનું જીવન યોગી-સંન્યાસીથી ઓછું નથી. મોદી આદર્શ છે. રાજસત્તા યોગીઓ માટે છે, ભોગીઓ માટે નહિ. તેમણે કિસાનોના હિત અંગે વાત કરતાં જણાવ્યું હતું કે કિસાનોની આવક બેવડી કરવાની રાજ્ય સરકારની જવાબદારી છે અને અમે આ લક્ષ્યને 2019-20 સુધીમાં પ્રાપ્ત કરી લઈશું. કિસાનો આપણા અન્નદાતા છે, તેમની ખુશી આપણી ખુશી છે. તેમણે રાજ્યના શેરડી પકવતા કિસાનોને 15 દિવસમાં તેમની રકમ મળી જાય તેવી વ્યવસ્થા ખાંડ મિલના માલિકોને કરવા આદેશ આપ્યો છે.

પ્રધાનોને શનિ-રવિની રજા નહિ રાખવા અપીલ
યોગી આદિત્યનાથે તેમના પ્રધાનોને અપીલ કરતાં જણાવ્યું હતું કે યુપી સરકારને અન્ય રાજ્ય કરતાં અલગ સરકાર બનાવવાની હોવાથી અને આમ જનતાની અપેક્ષા પૂરી કરવાની હોઈ તેઓ હવે શનિ અને રવિવારે રજા રાખવાના બદલે રજા ભૂલી જઈને ઈમાનદારીથી તેમની કામગીરી કરે. સરકારે પણ લોકોના વિશ્વાસ પર ખરા ઊતરવાનું હોવાથી પ્રધાનોએ હવે શનિ અને રવિવારની રજા ભૂલી જવી પડશે. દર છ મહિને સરકારના જે તે વિભાગ સાથે તેમના પ્રધાનોની કાર્યક્ષમતા અંગે સમીક્ષા કરવામાં આવશે. જો તેમાં જો કોઈ પ્રધાન પાસ નહિ થાય તો તેમને બીજા વિભાગનો હવાલો આપી દેવામાં આવશે.

યુપીની શાળાઓમાં વિદેશી ભાષા ભણાવાશે
યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે સરકાર ઉદ્યોગપતિઓને તમામ પ્રકારની સુવિધા પૂરી પાડશે, પરંતુ તેમણે રાજ્યના 90 ટકા યુવાનોને નોકરી આપવી પડશે. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે તમામ સરકારી શાળાઓમાં હવે 11 અને 12મા ધોરણમાં એક વિદેશી ભાષા ભણાવવામાં આવશે, જેમાં રાજયના વિદ્યાર્થીઓને રિસર્ચ શરૂ કરતાં પહેલાં કોઈ વિદેશી યુનિવર્સિટીમાં ત્રણ મહિના જવાની જરૂર નહિ પડે.
http://sambhaavnews.com/

You might also like