વિસ્ફોટક કાંડથી, યુપીમાં હડકંપઃ NIA-એટીએસ દ્વારા આખી રાત સઘન તપાસ

લખનૌ: ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પીઇટીએન વિસ્ફોટકો મળ્યા બાદ લખનૌનાં રાજકીય વર્તુળોમાં હડકંપ મચી ગયો છે. ખતરનાક વિસ્ફોટકો વિધાનસભાની અંદર કોણે પહોંચાડયાં અને શા માટે પહોંચાડયાં અને તેની પાછળનો શો હેતુ હતો? એવા અનેક સવાલોના જવાબો શોધવા રાષ્ટ્રીય સુુરક્ષા એજન્સી (એનઆઇએ)ની ૧૩ સભ્યની ટીમે અને એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ)એ સંયુકત તપાસ શરૂ કરી દીધી છે.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના આદેશ બાદ એનઆઇએ આ વિસ્ફોટક કાંડની તપાસમાં લાગી ગયું છે. એનઆઇએની સાથે યુપીની એટીએસ સ્કવોડ પણ આ મામલામાં તપાસ કરી રહી છે. બંને ટીમે આખી રાત વિધાનસભા સંકુલના ખૂણે ખૂણામાં તપાસ કરી હતી. બંને ટીમ સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી છે.

ફોરેન્સિક એકસપર્ટની ટીમે પણ સ્થળ પર તપાસ કરવા ઉપરાંત વિધાનસભામાં લાગેલા સીસીટીવી ફૂટેજ પોતાના કબજામાં લઇ લીધા છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે વિસ્ફોટક પાઉડર મળવાની ઘટનાને આતંકી સાજિશ ગણાવી હતી. આ સંદર્ભમાં તેમણે ગઇ કાલે મોડી રાત્રે સુરક્ષા બાબતે એક હાઇલેવલ બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં ગૃહ સચિવ, ડીજીપી એનઆઇએ એટીએસ અને ઇન્ટેલિજન્સ પોલીસના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વિધાનસભાની સુરક્ષાને વધુ જડબેસલાક બનાવવા અંગેની ચર્ચા થઇ હતી.

યોગી જૈશનાં નિશાન પર
વિધાનસભામાં વિસ્ફોટક પાઉડર મળ્યા બાદ યોગી આદિત્યનાથ પર આતંકવાદીઓનો ખતરો હોવાની આશંકા મજબૂત બની છે. વિસ્ફોટક પેન્ટેરિથ્રીટોલ ટેટ્રાનેરેટ્રેટ (પીઇટીએન) મળવાથી એક વાત સ્પષ્ટ થઇ છે કે જૈશ-એ-મોહંમદ દ્વારા યુપીના સીએમ આદિત્યનાથને આપવામાં આવેલી ધમકી માત્ર પોકળ ચેતવણી નહોતી, પરંતુ હવે તેમણે આ ધમકીને લઇને વધુ સતર્ક બનવાની જરૂર છે. તાજેતરમાં જૈશના વડા મસૂદ અઝહરે પીએમ નરેન્દ્ર મોદીની ઇઝરાયલ યાત્રા પર રોષ વ્યકત કરતી વખતે તેણે યુપીના સીએમ યોગી આદિત્યનાથનો પણ ઉલ્લેખ કર્યો હતો અને એક ઓડિયો સંદેશ જારી કર્યો હતો. આમ ધમકીનો સંદેશ આપ્યાના ૩૬ કલાકની અંદર જ યુ‌પી વિધાનસભા સંકુલમાંથી વિસ્ફોટક પાઉડર મળતાં
સ્પષ્ટ થઇ ગયું છે કે યોગી જૈશનાં નિશાન પર છે.
http://sambhaavnews.com/

You might also like