પતંજલિનો ફૂડ પાર્ક UPમાં જ રહેશે : CM યોગીએ રામદેવ સાથે કરી વાત

લખનૌ: ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં બનનારા પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્કને શિફ્ટ કરવાની તેમજ તે માટે ફાળવેલ જમીનનો કરાર રદ કરવાના સમાચારો બાદ બાબા રામદેવે ઉત્તર પ્રદેશ સરકારને નિશાન બનાવી હતી અને ત્યાર બાદ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે બાબા રામદેવ સાથે ફોન પર વાતચીત કરી હતી. યોગીએ બાબા રામદેવને ખાતરી આપી હતી કે યુપીની બહાર પાર્ક શિફ્ટ થશે નહીં.

યુપી સરકારના ઉચ્ચ સત્તાધારી સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે આ મામલાનો જલદી ઉકેલ લાવવામાં આવશે. આ અગાઉ પતંજલિ કંપનીના એમ.ડી. આચાર્ય બાલકૃષ્ણએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્ક યુપીની બહાર શિફ્ટ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે શ્રી રામ અને કૃષ્ણની પવિત્ર ભૂમિના ખેડૂતોનાં જીવનમાં સમૃદ્ધિ લાવવાનો સંકલ્પ રાજ્ય સરકારની ઉદાસીનતાને કારણે અધૂરો રહીં ગયો.

બાલકૃષ્ણએ ત્યાર બાદ ‘આજતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે યુપીમાં માત્ર ધિંગામસ્તી ચાલી રહી છે. કામ થઈ રહ્યું નથી. અમારી ફાઈલ ક્યાં છે તેની તપાસ કરો. યોગી સરકાર તરફથી પતંજલિને જમીનના ટાઈટલ સૂટ સોંપવામાં આવ્યા નથી અને તેના કારણે મુશ્કેલી પડી છે. આ પ્રોજેક્ટ રૂ. ૧૬૬૬.૮૦ કરોડનો હતો અને તે ૪૫૫ એકરમાં બનવાનો હતો.

બાબા રામદેવે પણ જણાવ્યું હતું કે યોગી સરકારે આ પાર્ક પ્રત્યે સંપૂર્ણ ઉદાસીનતા દાખવી છે અને તેને રદ કર્યો છે. જોકે ઉત્તર પ્રદેશ સરકારે ગ્રેટર નોઈડામાં બનનારા પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્કને રદ કરવાની વાતને નકારી કાઢી છે.

ઔદ્યોગિક વિકાસ કમિશનર અનુપચંદ્ર પાંડેયના જણાવ્યા પ્રમાણે યમુના એક્સપ્રેસ વેમાં પતંજલિ આયુર્વેદમાં ફાળવવામાં આવેલ જમીન રદ કરવામાં આવી નથી. જમીન રદ થવાના સમાચારને કારણે ઉત્તર પ્રદેશની રાજકીય લોબીઓમાં હડકંપ મચી ગયો હતો અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે બાલકૃષ્ણ સાથે વાતચીત કરીને જણાવ્યું હતું કે જે કોઈ ટેકનિકલ સમસ્યા છે તે હલ કરવામાં આવશે.

You might also like