યોગેશ્વરનો બ્રોન્ઝ હવે સિલ્વરમાં બદલાશે

નવી દિલ્હીઃ ચાર વર્ષ પહેલાં લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારાે યોગેશ્વર દત્ત ભલે રિયો ઓલિમ્પિકમાં કોઈ મેડલ ના જીતી શક્યો હોય, પરંતુ હવે ફરી એક વાર તેનું નસીબ ચમકવાનું છે, કારણ કે લંડન ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારો રશિયન પહેલવાન બેસિક કુદુખોવ ડોપિંગમાં દોષી ઠર્યો છે અને તેનો મેડલ છીનવી લેવાશે એ નક્કી છે. જોકે ભારતીય કુસ્તી સંઘના અધિકારીએ કહ્યું કે જ્યાં સુધી યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ અને લંડન ઓલિમ્પિક આયોજન સમિતિ તરફથી અમારી પાસે લેખિતમાં કોઈ સૂચના ના મળે ત્યાં સુધી અમે સત્તાવાર રીતે કંઈ કહી શકીએ નહીં.

યોગેશ્વર લંડન ઓલિમ્પિકમાં ૬૦ કિલોગ્રામ વર્ગની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં કુદુખોવ સામે હારી ગયો હતો, પરંતુ કુદુખોવ ફાઇનલમાં પહોંચી જતા યોગેશ્વરને રેપચેઝ દ્વાર વધુ એક તક મળી. યોગેશ્વરે રેપચેઝના પહેલા રાઉન્ડમાં પ્યુટોરિકોના ફ્રેન્કલિન ગોમેઝ, બીજા રાઉન્ડમાં મસૂદ ઇસમાઇપોરને અને બ્રોન્ઝ મેડલના મુકાબલામાં ઉત્તર કોરિયાના રી જોંગ મયૂંગને હરાવી દીધા હતા. ત્યાર બાદ કુદુખોવ ડોપ ટેસ્ટમાં ફસાઈ ગયો હતો. મામલો અંતે ખેલ પંચાટ સમક્ષ પહોંચ્યો, પરંતુ આ બધા વચ્ચે ચાર વાર વિશ્વ ચેમ્પિયન બનેલા અને ૨૦૦૮ના ઓલિમ્પિકમાં પણ બ્રોન્ઝ મેડલ વિજેતા ૨૭ વર્ષીય કુદુખોવનું બે વર્ષ પહેલાં દક્ષિણ રશિયામાં સર્જાયેલી એક કાર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.

ભારતીય કુસ્તી સંઘના અધિકારીએ કહ્યું કે, ”ખેલ પંચાટની સુનાવણીમાં કુદુખોવના વકીલે કહ્યું હતું કે હવે પહેલવાનનું મૃત્યુ થઈ ચૂક્યું છે આથી આ સુનાવણીને બંધ કરી દેવી જોઈએ, પરંતુ લગભગ અઢી મહિના પહેલાં જ ખેલ પંચાટે ચુકાદો અનામત રાખ્યો હતો. કદાચ રિયો ઓલિમ્પિકને કારણે એ સમયે ચુકાદો અપાયો નહોતો. એક-બે દિવસમાં આ ચુકાદાની સત્તાવાર જાહેરાત કરાય તેવી શક્યતા છે.

જ્યાં સુધી કોઈ સત્તાવાર જાહેરાત ના થાય ત્યાં સુધી અમે કંઈ કહી શકીએ એમ નથી.” આ ઉપરાંત યોગેશ્વર સામે હારનારા કોરિયન પહેલવાનને પણ બ્રોન્ઝ મેડલ મળી જશે. યોગેશ્વર ઉપરાંત સુશીલકુમારે કુસ્તીમાં બીજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ અને લંડન ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

You might also like