શાયોના ગ્રૂપના યોગેશ પટેલની ધરપકડઃ રિમાન્ડ છતાં રાત્રે લોકઅપમાંથી ગાયબ!

અમદાવાદ: એચ.એન. સફલ ગ્રૂપના બિલ્ડર ધીરેન વોરા ઉપર ગત ૧૨ જાન્યુઅારીના રોજ કર્ણાવતી ક્લબ નજીકની શેલ્બી હોસ્પિટલ પાસે થયેલા હુમલામાં સેટેલાઈટ પોલીસે શાયોના ગ્રૂપના બિલ્ડર યોગેશ પટેલ સહિત ચાર અારોપીઅોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે યોગેશ પટેલને એક દિવસના રિમાન્ડ અાપ્યા હતા. જ્યારે અન્ય ત્રણ અારોપી ગણેશ પ્રતાપભાઇ ચૌહાણ, ઉત્તમસિંગ બહાદુરસિંગ રાજપૂત અને સંજય ઉર્ફે ચીકુ ચંદ્રપાલ યાદવને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા.

જો કે નવાઈની વાત અે છે કે યોગેશ પટેલ ગઈ કાલે ગુરુવાર રાતે અને અાજે શુક્રવારે સવારે પણ સેટેલાઈટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં ન હતા. સેટેલાઈટ પોલીસે વીઅાઈપી ટ્રિટમેન્ટના ભાગરૂપે યોગેશ પટેલને રાત્રે અારામદાયક સ્થળે જવાની છૂટ અાપી હોવાનું પણ જણાય છે.

દૂધેશ્વરમાં મહેશ્વરી મિલની જમીનના વિવાદમાં ન હતા. ૧૨મી જાન્યુઅારીના રોજ સફલ ગ્રૂપના બિલ્ડર ધીરેન વોરા અને ચાર્ટર એકાઉન્ટન્ટ અાર.કે. પટેલ અોડી કારમાં ડ્રાઈવર અશોકભાઈ પટેલ સાથે સાત વાગ્યે નીકળ્યા હતા. તેઅો એસજી હાઈવે પર અાવેલી સાઈટ પર જતા હતા. ત્યારે મર્સિડીઝ કારમાં અાવેલા શાયોના ગ્રૂપના બિલ્ડર યોગેશ પટેલ સહિત ચાર શખસોએ બેઝબોલ અને સ્ટિકથી હુમલો કરી દીધો હતો. જેના કારણે અશોકભાઈને કારનો કાચ વાગ્યો હતો. અાર.કે. પટેલના માથામાં બેઝ બોલની સ્ટિક મારી દીધી હતી.

સેટેલાઈટ પોલીસે હત્યાની કોશિષ સહિતના કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ગઇ કાલે યોગેશ પટેલ અને તેના સાથીદારો પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. પોલીસે ધરપકડ કરીને મીરજાપુર ખાતે આવેલી ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા. હુમલામાં વપરાયેલા બેઝબોલની સ્ટિક કબજે કરવા તથા પૂછપરછ માટે કોર્ટે યોગેશ પટેલને એક દિવસના રિમાન્ડ અાપ્યા હતા. આખી ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે હાલ બિલ્ડર યોગેશ પટેલ એક દિવસના રિમાન્ડ ઉપર છે સેટેલાઇટ પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે ત્યારે મોડી રાતે બિલ્ડર યોગેશ પટેલ લોકઅપમાં હોવા જોઇએ પરંતુ તેઓ લોકઅપમાં હતા જ નહીં. જ્યારે તપાસનીશ અધિકારીને પૂછપરછ કરવાની હોય ત્યારે તેને લોકઅપમાંથી બહાર કાઢવામાં આવે છે.

ગુરુવારે મોડી રાતે ‘સમભાવ મેટ્રો’ના પ્રતિનિધિઅે રાત્રે બે વાગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી ત્યારે લોકઅપ ખાલી હતું. પોલીસ સ્ટેશનમાં હાજર પીઅેસઅો અર્જુન ખરાડીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે કોઈ અારોપી લોકઅપમાં નથી. યોગેશ પટેલ અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે મને કંઈ ખબર નથી. અાજે સવારે ૯.૩૦ કલાકે ડ્યુટી પર હાજર પીએસઅો દીનાભાઈઅે જણાવ્યું હતું લોકઅપમાં અત્યારે કોઈ અારોપી નથી.

પીઅાઈનો પાંગળો બચાવ!
સવારે ૧૦ વાગ્યે સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.યુ. મસીનો સંપર્ક થઇ શક્યો હતો. યોગેશ પટેલ રાત્રે લોકઅપમાં ન હતા તે અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે રાત્રે પૂછપરછ માટે લઇ ગયા હતા. આજે સવારે પણ યોગેશ પટેલ લોકઅપમાં કેમ નથી? તેવા પ્રશ્નના ઉત્તરમાં મસીએ જણાવ્યું કે યોગેશ પટેલને તબીબી ચેકઅપ માટે વીએસ કે સોલા સિવિલ હોસ્પિટલ લઇ ગયા હશે. દરમિયાનમાં યોગેશ પટેલને રાત્રે બે વાગે તપાસ માટે પોલીસ બહાર લઈ જાય તે વાત ગળે ઊતરે તેવી નથી. પોલીસ યોગેશ પટેલને રાત્રે બે વાગે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા લઈ ગઈ હતી.

ઈન્કવાયરી કરાશેઃ ડીસીપી
ઝોન 7 ના ડીસીપી ‌િવ‌િધ ચૌધરીએ જણાવ્યું છે કે યોગેશ પટેલની ધરપકડ કરી હોય તો તે સેટેલાઇટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં હોવા જોઇએ. આ મુદ્દે તમે પીઆઇને પૂછી લો અને જો આરોપી લોકઅપમાં નહીં હોય તો ઇન્કવાયરી કરવામાં આવશે.

You might also like