કર્ણાટકમાં આજે યે‌દિયુરપ્પાનો વિજય કે વિદાય?: લિંગાયત ધારાસભ્ય પલટી શકે છે બાજી

બેંગલુરુ: મુખ્યપ્રધાનપદના શપથ લઇ ચૂકેલા બી.એસ. યે‌દિયુરપ્પાની આજે ખરી અગ્નિકસોટી છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર યે‌દિયુરપ્પાને આજે સાંજે ૪-૦૦ વાગ્યે કર્ણાટક વિધાનસભાગૃહમાં બહુમતી પુરવાર કરવી પડશે. અત્યારે આ લખાઇ રહ્યું છે ત્યારે શંગરિ-લા હોટલમાં ભાજપની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં મુખ્યપ્રધાન યે‌દિયુરપ્પા અને કર્ણાટકના ચૂંટણી પ્રભારી પ્રકાશ જાવડેકર સહિત ભાજપના ધારાસભ્યો હાજર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે યે‌દિયુરપ્પાને હવે માત્ર સાત ધારાસભ્ય ખૂટે છે તેમ છતાં તેઓ ગૃહ સમક્ષ ટેસ્ટમાંથી ૧૦૦ ટકા પાસ થવાનો દાવો કરી રહ્યા છે. બીજી બાજુ હૈદરાબાદથી કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને લઇને આવેલી બસ બેંગલુરુ પહોંચી ગઇ છે. ભાજપ દ્વારા ખરીદ-વેચાણના ડરથી કોંગ્રેસ અને જેડીએસએ પોતાના ધારાસભ્યોને હૈદરાબાદ મોકલી દીધા હતા.

કોંગ્રેસ-જેડીએસએ પણ એવો દાવો કર્યો છે કે શક્તિ પરીક્ષણમાં તેમના ગઠબંધનની જીત થશે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનાં રરર બેઠક પર આવેલાં પરિણામોમાં ભાજપને ૧૦૪ બેઠક મળી છે અને આ સંખ્યા બહુમતીથી સાત ઓછી છે. બીજી બાજુ કોંગ્રેસને ૭૮, જેડીએસને ૩૭, બસપાને એક અને અન્યને બે બેઠક મળી છે. કુમારસ્વામીએ બે બેઠક પર જીત મેળવી હતી. એટલા માટે બહુમતી માટે ભાજપને ૧૧૧ ધારાસભ્યની જરૂર છે. કુમારસ્વામીની એક સીટ અને એક પ્રોટેમ સ્પીકરની સીટ ઘટતાં હવે કુલ રર૦ બેઠક રહી છે.

યેદિયુરપ્પા કઈ રીતે બહુમતી મેળવશે?
જો ૧૧ વિપક્ષી ધારાસભ્ય ગેરહાજર રહે તો રર૦-૧૧ એટલે કે ર૦૯ બેઠક રહેશે અને તેમાં બહુમતી માટે ૧૦પ બેઠકની જરૂર પડશે. ભાજપ-સ્પીકર=૧૦૩+ર અન્ય=૧૦પ મત મેળવીને યે‌િદયુરપ્પા જીતી શકે છે.

વર્તમાન સ્થિતિમાં હાર નિશ્ચિત
બહુમતી માટે જરૂરી ૧૧૧ બેઠક
કોંગ્રેસ ૭૮+જેડીએસ (૩૮-૧ સ્વામી) =૧૧પ
ભાજપ (૧૦૪-સ્પીકર)=૧૦૩

આજે પાંચ સ્થિતિ સર્જાઇ શકે છે
(૧) બહુમતી પરીક્ષણ દરમિયાન ગ્રેસ અને જેડીએસના ઓછામાં ઓછા સાત ધારાસભ્ય યે‌દિયુરપ્પા સરકારની તરફેણમાં વોટિંંગ કરી શકે છે, જોકે આ માટે આ ધારાસભ્યને પક્ષાંતર વિરોધી કાયદાનો સામનો કરવો પડશે.
(ર) કોંગ્રેસ-જેડીએસના ૧૪ ધારાસભ્ય શપથગ્રહણ બાદ તુરત રાજીનામાં આપી દે તો વિધાનસભાની સ્ટ્રેન્થ ર૦૬ થઇ જશે અને ૧૦૪ના આંકડા સાથે યે‌દિયુરપ્પા સરકાર બચાવવામાં સફળ રહેશે.
(૩) બહુમતી સાબિત કરવાની પ્રક્રિયામાં ફલોર પર હંગામો મચી શકે છે અને વિધાનસભાની કાર્યવાહી અવરોધાઇ શકે છે. આ સંજોગોમાં પ્રોટેમ સ્પીકરની ભૂમિકા સામે આવી શકે છે અને પ્રોટેમ સ્પીકર કેટલાક ધારાસભ્યની હકાલપટ્ટી કરી શકે છે અને તો બહુમતીનો આંકડો ઘટી શકે છે.
(૪) કોંગ્રેસ-જેડીએસ પોતાના ધારાસભ્યોને બચાવવામાં સફળ થઇ શકે છે અને છેલ્લે સુધી સાથે રહેશે તો પોસ્ટ પોલ એલાયન્સ ટ્રસ્ટ વોટ જીતી શકે છે.
(પ) યે‌દિયુરપ્પાને બહુમતી પરીક્ષણ પહેલાં ખબર પડી જાય કે તેમની પાસે જરૂરી સંખ્યાબળ નથી તો તેઓ ફલોર ટેસ્ટ પહેલાં જ રાજીનામું આપી શકે છે.

કોંગ્રેસ-જેડીએસના ર૦ લિંગાયત ધારાસભ્ય બાજી પલટી શકે છે
આજે સૌની નજર કોંગ્રેસ-જેડીએસના ર૦ લિંગાયત ધારાસભ્ય પર છે કે જેઓ આજે ફલોર ટેસ્ટ દરમિયાન યેદિયુરપ્પાની તરફેણમાં બાજી પલટી શકે છે. યેદિયુરપ્પા સ્વયં લિંગાયત સમુદાયમાંથી આવે છે અને તેેથી લિંગાયત ધારાસભ્ય પોતાના જ સમુદાયના મુખ્યપ્રધાનને બચાવવા માટે ક્રોસ વોટિંગ કરી શકે છે. આમ, આ ધારાસભ્યો સામે સૌથી મોટો પડકાર એ છે કે જ્યારે ગૃહમાં વિશ્વાસનો મત લેવામાં આવશે ત્યારે તેઓ કઇ છાવણીમાં જશે.

ફલોર ટેસ્ટ દરમિયાન લિંગાયત ધારાસભ્યોના મનમાં એક વાત જરૂર હશે કે તેમના આ નિર્ણય બાદ તેમના રાજકીય ભવિષ્યનું શું થશે? જો આ ધારાસભ્યો યેદિયુરપ્પાને સાથ નહીં આપે તો શકય છે કે લિંગાયત સમુદાય તેમને મોટી સજા કરી શકે છે, કારણ કે યેદિયુરપ્પા લિંગાયત સમુદાયના સૌથી મોટા નેતા છે. તેમના પર એવો દોષનો ટોપલો આવશે કે તેમણે લિંગાયતના સૌથી મોટા નેતાને મુખ્યપ્રધાન બનતાં રોકયા.

You might also like