યેદિયુરપ્પાએ લિંગાયત ધારાસભ્યોનાં સમર્થનની આશાએ જુગાર ખેલ્યો

બેંગલુરુ: કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા દ્વારા સરકાર રચવા માટે આમંત્રણ મળ્યા બાદ અને સુપ્રીમ કોર્ટે પણ શપથગ્રહણ સામે રોક લગાવવાનો ઇનકાર કર્યા બાદ યેદિયુરપ્પાએ આજે મુખ્યપ્રધાનપદે શપથગ્રહણ તો કર્યા છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું તેઓ બહુમતી પુરવાર કરી શકશે? અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તમામ ૧૧ર સમર્થક ધારાસભ્યોના સમર્થન પત્રો રજૂ કરી શકશે?

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે યેદિયુરપ્પાએ નારાજ થયેલા લિંગાયત સમુદાયના ધારાસભ્યોને પોતે મનાવી લેશે અને તેમના આધારે શપથગ્રહણ કર્યા છે. ભાજપને એવી આશા છે કે નારાજ લિંગાયત ધારાસભ્યો છેલ્લે યેદિયુરપ્પાને જ સમર્થન આપશે.

ભાજપ પાસે બહુમતી સાબિત કરવા માટે પર્યાપ્ત સંખ્યામાં ધારાસભ્યો નથી. આ સંજોગોમાં ભાજપને વિરોધ પક્ષોના એ ધારાસભ્યો પર મદાર અને આશા છે જેઓ કોંગ્રેસ-જેડીએસના ચૂંટણી પશ્ચાતનાં ગઠબંધનથી નારાજ હોવાનું જાણવા મળે છે. કારણ કે આ ગઠબંધનના વડા તરીકે વોકલિંગા સમુદાયના કુમારસ્વામીને બનાવવામાં આવ્યા છે.

એવું કહેવાય છે કે કોંગ્રેસ-જેડીએસના ડઝન જેટલા લિંગાયત ધારાસભ્યો પોતાના જ સમુદાયમાંથી આવતા સૌથી મોટા નેતા યેદિયુરપ્પાની તરફેણમાં સમર્થન આપી શકે છે. કોંગ્રેસ દ્વારા લઘુમતી સમુદાયનું કાર્ડ ખેલવા છતાં લિંગાયત સમુુદાયે ચૂંટણીમાં મોટા પાયે ભાજપને સાથ આપ્યો હતો. આમ પણ કર્ણાટકમાં વોકલિંગા અને લિંગાયત સમુદાય વચ્ચે ત્યારથી અદાવત ચાલી રહી છે.

You might also like