યેદિયુરપ્પાએ વિશ્વાસપૂર્વક કહ્યુંઃ આવતી કાલે હું શપથ લઈશ

બેંગલુરુ: કર્ણાટકમાં સત્તા માટે ભાજપ અને જનતા દળ (એસ)-કોંગ્રેસ દ્વારા મરણિયા પ્રયાસો શરૂ થઈ ગયા છે. આજે ત્રણેય પક્ષોએ પોતપોતાના વિધાનસભા પક્ષની બેઠકો બોલાવી હતી. ભાજપના વિધાનસભા પક્ષની બેઠકમાં બી.એસ. યેદિયુરપ્પાને ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. યેદિયુરપ્પા નેતા તરીકે ચૂંટાયા બાદ ભાજપના ૧૦૪ ધારાસભ્ય સાથે રાજ્યના રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવા ગયા હતા અને સરકાર રચવાનો દાવો કર્યો હતો.

યેદિયુરપ્પા સાથે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર પણ રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા હતા. યેદિયુરપ્પાએ રાજ્યપાલ સમક્ષ તમામ ધારાસભ્યોની ઓળખ પરેડ કરાવીને સરકાર રચવાનો દાવો કર્યો હતો. આ અગાઉ પણ ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં નેતા તરીકે ચૂંટાયા બાદ યેદિયુરપ્પાએ વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે હું આવતી કાલે મુખ્યપ્રધાન તરીકે શપથ લઈશ.

દરમિયાન કોંગ્રેસના ચાર ધારાસભ્યો વિધાનસભા પક્ષની બેઠકમાં હાજર નહીં રહેતા અનેક તર્કવિતર્કો વહેતા થયા હતા. એવી અફવાઓ વહેતી થઈ હતી કે આ ગેરહાજર રહેલા ચાર ધારાસભ્ય ભાજપની પાટલીમાં બેસી ગયા છે. જોકે કોંગ્રેસે એવો દાવો કર્યો હતો કે આ ચાર ધારાસભ્ય અન્ય કોઈ પક્ષના સંપર્કમાં નથી અને પક્ષ તેમને લેવા માટે બીદર અને કલબુર્ગીમાં હેલિકોપ્ટર મોકલશે.

ત્યાર બાદ એવા પણ અહેવાલો મળ્યા છે કે જનતાદળ (એસ) વિધાનસભા પક્ષની બેઠકમાં પણ બે ધારાસભ્ય લાપત્તા બન્યા છે. યેદિયુરપ્પા ૧૦૪ ધારાસભ્ય સાથે રાજ્યપાલને મળ્યા બાદ રાજ્યપાલ વજુભાઈ વાળા સૌ પ્રથમ યેદિયુરપ્પાને સરકાર રચવા આમંત્રણ આપશે.

You might also like