યેચુરી ઉવાચઃ વૃંદા માટે તો ખુરશી નહીં જ છોડું

પશ્ચિમ બંગાળમાં સાડા ત્રણ દાયકા સુધી શાસન કરનાર સીપીએમને આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ૨૨ બેઠકો જ મળી એથી પક્ષમાં તેને માટે મહામંત્રી સીતારામ યેચુરીને જવાબદાર ગણીને તેમના પર પદ છોડવા માટે દબાણ થઈ રહ્યું છે. પ્રકાશ કરાતનું જૂથ યેચુરીથી બહુ નારાજ છે. કરાતને મનાવવાનો એક પ્રયાસ ખુદ યેચુરીએ કર્યો. તેમણે કરાતની નિકટની વ્યક્તિ સાથે વાત કરીને દિલ્હીમાં પક્ષના કાર્યાલયમાં કરાત સાથે ‘વન-ટુ-વન’ બેઠક ગોઠવી. યેચુરી નક્કી કરેલા સમયે પહોંચી ગયા, પરંતુ બે કલાક પસાર થવા છતાં કરાત આવ્યા નહીં. એટલે યેચુરીએ ફોન કર્યો તો કરાતે દિલગીરી વ્યક્ત કરતા કહી દીધું કે તમે પોલીટ બ્યૂરોના સભ્ય કોમરેડ બાલકૃષ્ણ પિલ્લાઈ સાથે વાત કરી લો.

યેચુરીએ વાતને સ્વીકારી પિલ્લાઈને ફોન લગાવ્યો તો પિલ્લાઈએ તેમને તાકીદ કરી કે તમે સ્વેચ્છાએ પક્ષનો હોદ્દો છોડી દો, અન્યથા પોલીટ બ્યૂરોની આગામી બેઠકમાં તમારું રાજીનામું માગવામાં આવશે. સામ્યવાદી પક્ષોમાં પોલીટ બ્યૂરો સર્વોચ્ચ નીતિ-નિર્ધારક એકમ ગણાય છે અને મહામંત્રી પક્ષના સર્વોચ્ચ નેતા ગણાય છે.

યેચુરીને ગંધ તો આવી જ ગઈ હતી કે કરાત જૂથ તેમનું પદ છોડાવવા ઇચ્છે છે, પરંતુ તેમનો વાંધો તેમના સ્થાને પ્રકાશ કરાતનાં પત્ની વૃંદા કરાતને મહામંત્રી બનાવવા સામે છે. યેચુરીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કમસેકમ વૃંદા કરાત માટે તો ખુરશી ખાલી નહીં જ કરે. પક્ષે તેના બદલે અન્ય કોઈ તટસ્થ વ્યક્તિને પસંદ કરવી જોઈએ. મતલબ સાફ છે. પશ્ચિમ બંગાળના પરાજયના બહાને પક્ષમાં વર્ચસ્વ સ્થાપિત કરવાનો જંગ સીપીએમમાં પરાકાષ્ઠા તરફ જઈ રહ્યો છે.

You might also like