જાણો કેવું રહેશે તમારું વાર્ષિક રાશિભવિષ્ય

દિવાળીના સપરમા દિવસો સાથે વર્ષ સંપન્ન થઈ રહ્યું છે અને દિવાળીના બીજા દિવસથી વિક્રમ સંવત ૨૦૭૨નું નવું વર્ષ આરંભ થઈ રહ્યું છે. નવું વર્ષ તમારા માટે શું લઈ આવ્યું છે, સમૃદ્ધિ અને નિરાંત કે પછી કસોટીનો કાળ? નવા વર્ષમાં આરોગ્ય, નાણાં, વિવાહ અને લગ્ન માટે કેવા સંજોગો સર્જાવાના છે એ જાણવાની બધાને એકસરખી જિજ્ઞાસા હોય છે. જો આવનાર સંજોગોની આગોતરી જાણ હોય તો એનો સામનો કરવાની તૈયારી કરી શકાય. ‘અભિયાન’ના વાચકો માટે જ્યોતિષાચાર્ય રવિશંકર રામકૃષ્ણ મુખ્યાજી જ્યોતિષની અટપટી ગણતરીઓ પાર પાડીને રાશિવાર ફળકથન લઈ આવ્યા છે.

મેષ: સંવત ૨૦૭૨ના નૂતન વર્ષના સુપ્રભાતે આપનો રાશિ અધિપતિ મંગળ છઠ્ઠા ભાવે કન્યા રાશિથી પોતાનું ભ્રમણ શરૂ કરે છે અને વર્ષના અંતે ધન રાશિમાં ભાગ્યજીવનમાં જોવા મળે છે, જ્યારે ધનેશ શુક્ર વર્ષારંભે કન્યા રાશિથી પોતાનું ભ્રમણ શરૂ કરે છે અને રાશિ ચક્ર પૂર્ણ કરી વર્ષના અંતે આઠમાભાવે વૃશ્ચિક રાશિમાં જોવા મળે છે. તુલા રાશિમાં રહેલા સૂર્ય-બુધ વર્ષાન્તે ફરી સપ્તમભાવે તુલા રાશિમાં જોવા મળે છે. ચંદ્ર રાશિચક્રનાં અનેક ચક્કરો કાપીને વર્ષાન્તે ૭મા ભાવે તુલા રાશિમાં જ જોવા મળે છે. ભાગ્યેશ ગુરુ મહારાજ પંચમભાવે સિંહ રાશિથી આગળ વધી વર્ષાંતે એકભાવ બદલીને છઠ્ઠાભાવે કન્યા રાશિમાં જોવા મળે છે. કર્મેશ અને લાભેશ શનિ મહારાજ વર્ષ દરમિયાન રાશિ કે ભાવ બદલ્યા વિના વૃશ્ચિક રાશિમાં આઠમા ભાવમાં જ જોવા મળે છે. વર્ષના આરંભે કન્યા રાશિમાં રહેલ રાહુ અને મીન રાશિમાં રહેલ કેતુ વક્ર ગતિથી વર્ષના અંતે રાહુ સિંહ રાશિમા પાંચમે તથા કેતુ કુંભ રાશિમાં અગિયારમા ભાવે જોવા મળે છે.

આરોગ્યની દ્રષ્ટિએ: મેષ રાશિના જાતકો માટે વર્ષ આરોગ્યની દ્રષ્ટિએ શરૂઆતમાં થોડું કષ્ટદાયક રહેશે. આરંભમાં રાહુ મહારાજ છઠ્ઠા ભાવે અને શનિ મહારાજ અષ્ટમ ભાવે હોવાની કુટુંબના સભ્યોમાં પ્રશ્નો ઉદ્ભવતા જોવા મળશે. આર્થિક સ્થિતિમાં થોડી પરેશાની, ધંધામાં નુકસાનના પ્રશ્નો આવવાથી શારીરિક રીતે હેરાન થવું પડી શકે.

આર્થિક દ્રષ્ટિએ: વર્ષના આરંભમાં થોડી રાહત રહેશે, પરંતુ ફેબ્રુઆરીથી નાણાંની ખેંચનો યોગ છે. નોકરી ઈચ્છનારને વર્ષ દરમિયાન નોકરી મળવાના સંપૂર્ણ યોગ છે. વર્ષના આરંભમાં ગુરુ મહારાજ સારું પરિણામ આપી શકે. વ્યાપાર, બિઝનેસ તથા ઉત્પાદન ક્ષેત્રના જાતકોએ પણ ખૂબ જ સાવધાની રાખવી પડશે. વર્ષના આરંભમાં મોટું નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું. ફેબ્રુઆરીનો મહિનો વ્યાપાર બિઝનેસ માટે થોડો સારો જશે. ૧૪ માર્ચથી ૧૪ એપ્રિલનો ગાળો સાવચેત રહેવા સૂચવી જાય છે.

વિવાહ + લગ્ન યોગની દ્રષ્ટિએ: વિવાહ લગ્નની દ્રષ્ટિએ વર્ષ સુખદ નથી જણાતું. જન્મકુંડળીમાં પ્રબળ યોગ હશે તો જ તમને સામાચાર મળી શકશે. વિવાહ-(સગાઈ)ની આશા તથા જીવનસાથીની તલાશમાં છે તેઓ માટે અંત ભાગમાં થોડો યોગ છે. સંતાનો વિવાહ + લગ્નની રાહ જોઈ રહ્યાં છે તો આ વર્ષ કંઈક રાહત આપતું જણાય છે. પ્રેમમાં હશે અને વિવાહ + લગ્ન કરવા માંગતા હશે તેમણે સાવચેતી રાખવી. દગો થાય તેવો સંપૂર્ણ યોગ છે.

વૃષભ: સંવત ૨૦૭રના નૂતન વર્ષના સુપ્રભાતે આપનો રાશિ અધિપતિ શુક્ર કન્યા રાશિ અને પાંચમા ભાવેથી આગળ વધી વર્ષના અંતે રાશિ ચક્ર પૂર્ણ કરી આગળ વધતાં વૃશ્ચિક રાશિ અને સપ્તમના ભાવે જોવા મળે છે, ધનેશ બુધ, પરાક્રમેશ ચંદ્ર અને સુખેશ સૂર્ય વર્ષના આરંભે તુલા રાશિ અને છઠ્ઠા ભાવેથી મુસાફરી શરૂ કરે છે. સૂર્ય અને બુધ રાશિચક્ર પૂર્ણ કરી વર્ષને અંતે ફરીથી તે જ સ્થાને, તે જ રાશિમાં જોવા મળે છે. ચંદ્ર રાશિચક્રનાં અનેક ચક્કર કાપીને ફરીથી તુલા રાશિમાં જ છઠ્ઠા ભાવે જોવા મળે છે, સપ્તમેશ મંગળ વર્ષારંભે કન્યા રાશિ અને પંચમ ભાવેથી ભ્રમણ શરૂ કરી વર્ષાન્તે ધન રાશિમાં અષ્ટમ ભાવે જોવા મળે છે.  અષ્ટમેશ ગુરુ મહારાજ વર્ષના આરંભે સિંહ રાશિ અને ચોથા ભાવેથી વર્ષના અંતે પંચમ ભાવે કન્યા રાશિમાં જોવા મળે છે, ભાગ્યેશ અને કર્મેશ શનિ મહારાજ રાશિ કે ભાવ બદલ્યા વિના સપ્તમ ભાવે વૃશ્ચિક રાશિમાં જ જોવા મળે છે. પંચમ રાશિમાં રહેલ રાહુ તથા અગિયારમે લાભ સ્થાને કેતુ એક ભાવ બદલીને રાહુ ચોથા ભાવે સિંહ રાશિમાં અને કેતુ દશમ ભાવે કુંભ રાશિમાં વર્ષના અંતે જોવા મળે છે.

આરોગ્યની દ્રષ્ટિએ: આરોગ્યની દ્રષ્ટિએ આ વર્ષ વૃષભ રાશિના જાતકો માટે કોઈ મોટો પ્રશ્ન ઉદ્ભવતો નથી જણાતો. માતાના આરોગ્યનો તથા જીવનસાથીના આરોગ્યનો પ્રશ્ન ઉદ્ભવી શકે છે. જાન્યુઆરીના મધ્ય ભાગ બાદથી અંત ભાગનો સમય હૃદયની બીમારીવાળા જાતકોએ ખાસ કાળજી લેવી પડશે. સંતાનો ફેબ્રુઆરી સુધી માનસિક તનાવ ઊભો કરી શકે તેમ છે.

આર્થિક દ્રષ્ટિએ: નવા વર્ષમાં આવકમાં ઘટાડો થતો જોવા મળશે. સામે ખર્ચ વધુ પડતો જોવા મળશે. નોકરિયાત વર્ગ માટે આરંભમાં નોકરીની તકો સર્જાતી જોવા મળશે. સરકારી કે અર્ધ સરકારી ક્ષેત્રમાં નૈતિકતા તથા ઈમાનદારીથી કામ કરવું પડશે, નહીં તો ક્યાંક ફસાઈ જવાનો યોગ છે.

વેપાર, વ્યવસાય કે ઉત્પાદન ક્ષેત્ર સાથે સંકળાયેલાને જાન્યુઆરી મહિના સુધી વાંધો નથી, પરંતુ ચોથા ભાવે રાહુનું ભ્રમણ થોડું પીડાકારી રહેશે.  માલનો બગાડ, ઓર્ડર કેન્સલ થવા, માલનું વધુ પડતું ઉત્પાદન, સ્ટાફથી હેરાનગતિ થવાનો યોગ છે. ખર્ચની દ્રષ્ટિએ પરેશાની થાય.

વિવાહ + લગ્ન યોગની દ્રષ્ટિએ: વિવાહ લગ્ન યોગની દ્રષ્ટિએ વૃષભ રાશિના જાતકો માટે આવનારું નવું વર્ષ થોડું ઘણું સુખદ જણાય છે. આ વર્ષના આરંભમાં તમારી ઇચ્છાઓ ફળીભૂત થતી જણાય છે જે જાતકોના વિવાહ થઈ ગયા છે અને તેઓ માટે વર્ષના આરંભનો સમય ખૂબ જ સારો રહેશે. લવમેરેજ કરવા માગતા જાતકોએ પણ ખૂબ જ સાવધાની રાખવી પડશે. ઉતાવળમાં લીધેલું પગલું તમારા માટે પસ્તાવાજનક સાબિત થઈ શકે તેમ છે.

મિથુન: સંવત ૨૦૭૨ના નવા વર્ષના સુપ્રભાતે આપનો રાશિ અધિપતિ બુધ તથા ધનેશ ચંદ્ર અને પરાક્રમેશ સૂર્ય વર્ષના આરંભે તુલા રાશિમાં પંચમ ભાવેથી પોતાની ગતિ અનુસાર મુસાફરી આગળ વધારે છે. જેમાં સૂર્ય અને બુધ રાશિ ચક્ર પૂર્ણ કરી વર્ષાન્તે ફરીથી તુલા રાશિમાં જ પંચમ ભાવે જોવા મળે છે, ધનેશ ચંદ્ર રાશિ ચક્રનાં અનેક ચક્કરો કાપીને ફરીથી તે જ રાશિમાં (તુલા) જોવા મળે છે, સુખેશ શુક્ર વર્ષના આરંભે કન્યા રાશિમાં ચોથા ભાવેથી જ સંપૂર્ણ રાશિ ચક્ર પૂર્ણ કરી વર્ષાન્તે વૃશ્ચિક રાશિમાં છઠ્ઠા ભાવે જોવા મળે છે, લાભેશ મંગળ વર્ષના આરંભે ચોથા ભાવેથી અને કન્યા રાશિથી ભ્રમણ શરૂ કરી વર્ષાન્તે સપ્તમ ભાવે ધન રાશિમાં જોવા મળે છે,  ધનેશ ચંદ્ર રાશિ ચક્રનાં અનેક ચક્કરો કાપીને ફરીથી તે જ રાશિમાં (તુલા) જોવા મળે છે. સુખેશ શુક્ર વર્ષના આરંભે કન્યા રાશિમાં ચોથા ભાવેથી સંપૂર્ણ રાશિ ચક્ર પૂર્ણ કરી વર્ષાન્તે વૃશ્ચિક રાશિમાં છઠ્ઠા ભાવે જોવા મળે છે, લાભેશ મંગળ વર્ષના આરંભે ચોથા ભાવેથી અને કન્યા રાશિથી ભ્રમણ શરૂ કરી વર્ષાન્તે સપ્તમ ભાવે ધન રાશિમાં જોવા મળે છે. કર્મેશ ગુરુ મહારાજ વર્ષના આરંભે ત્રીજા ભાવે અને સિંહ રાશિથી વર્ષના અંતે એક ભાવ બદલી ચોથા ભાવે કન્યા રાશિમાં જોવા મળે છે, ભાગ્યેશ શનિ મહારાજ વર્ષ દરમિયાન વૃશ્ચિક રાશિમાં જ રહે છે. કન્યા રાશિમાં ચોથા ભાવે રહેમ રાહુ તથા મીન રાશિમાં દશમા ભાવે રહેલ કેતુ વર્ષાન્તે રાહુ સિંહ રાશિમાં ત્રીજા ભાવે તથા કેતુ કુંભ રાશિમાં ભાગ્ય ભાવે જોવા મળે છે.

આરોગ્યની દ્રષ્ટિએ: મિથુન રાશિના જાતકો માટે નવું વર્ષ આરોગ્યની દ્રષ્ટિએ કોઈ પ્રશ્ન ઊભું નથી કરતું. ગોચરના ગ્રહો કોઈ ગંભીર બીમારી કે વાઢકાપના યોગ નથી બનાવતા. તમારી થોડી માનસિક સ્થિતિ નબળી રહેશે. પેટને લગતી નાની નાની તકલીફ રહેશે.

આર્થિક દ્રષ્ટિએ: નોકરિયાત વર્ગ માટે વર્ષ ખૂબ જ યશસ્વી છે. બદલી, બઢતી કે સ્થાન ફેરની રાહ જોઈ રહ્યા છે તેઓએ ઓગસ્ટ મહિના સુધી રાહ જોવી પડશે. કામની તલાશમાં છે તેમના માટે વર્ષ સુખદ રહેશે. ગત વર્ષથી નોકરીની શોધમાં હશે તથા શૈક્ષણિક લાયકાત મેળવી નોકરીની ઇચ્છા રાખી રહ્યા હશે તેમને યોગ્યતા અનુસાર નોકરી મળશે.  વ્યાપાર, વ્યવસાય કે ઉત્પાદન ક્ષેત્રના જાતકો માટે ગુરુ મહારાજનું શુભ ભ્રમણ કાર્ય ક્ષેત્રમાં પ્રગતિનો યોગ દર્શાવે છે. સટ્ટાકીય કાર્ય સાથે સંકળાયેલા છે તેમણે ફેબ્રુઆરી-માર્ચ તથા મે-જૂન મહિનામાં સંભાળીને કામ કરવું.  સતત કામ કરતા જાતકો માટે પણ વર્ષ સુખદ સાબિત થશે. વર્ષના મધ્ય બાદ ભરાઈ ગયેલાં નાણાં પણ પરત મળતા આર્થિક સદ્ધરતા મળે.

વિવાહ + લગ્ન યોગની દ્રષ્ટિએ: વિવાહ લગ્ન યોગની દ્રષ્ટિએ જીવનસાથીની તલાશમાં છે તેમને યોગ્ય પાત્ર મળી રહેશે. સગાઈના પ્રશ્નનું સમાધાન થઈ જશે તથા સગાઈ થઈ ગઈ છે અને લગ્નના બંધનમાં બંધાવા માંગતા હશે તો વર્ષના મધ્ય ભાગ બાદ ઓગસ્ટથી ગુરુનું ચતુર્થ ભુવનમાં ભ્રમણ થશે. ત્યાર બાદ યોગ્ય મુહૂર્તમાં તમારા લગ્ન થઈ જશે.

કર્ક: સંવત ૨૦૭૨ના નૂતન વર્ષના સુપ્રભાતે આપનો રાશિ અધિપતિ ચંદ્ર ચતુર્થ ભાવે તુલા રાશિથી પોતાનું ભ્રમણ શરૂ કરે છે અને રાશિ ચક્રનાં અનેક ચક્કરો કાપીને વર્ષના અંતે ફરીથી ચતુર્થ ભાવે તુલા રાશિમાં જ જોવા મળે છે, ધનેશ સૂર્ય અને પરાક્રમેશ બુધ પણ ચતુર્થ ભાવે અને તુુલા રાશિથી મુસાફરી શરૂ કરી રાશિ ચક્ર પૂર્ણ કરી વર્ષના અંતે ફરીથી તે જ ભાવે અને તુલા રાશિમાં જોવા મળે છે, પંચમેશ મંગળ વર્ષના આરંભમાં ત્રીજા ભાવે અને કન્યા રાશિથી ભ્રમણ શરૂ કરી વૃશ્ચિક રાશિમાં પંચમ ભાવે જોવા મળે છે, સુખેશ શુક્ર વર્ષના આરંભે કન્યા રાશિ અને ત્રીજા ભાવેથી આગળ વધારતા સંપૂર્ણ રાશિ ચક્ર પૂર્ણ કરીને વર્ષના અંતે વૃશ્ચિક રાશિમાં પંચમ ભાવે જોવા મળે છે. ભાગ્યેશ ગુરુ મહારાજ વર્ષ આરંભે ધનસ્થાન અને સિંહ રાશિથી આગળ વધતા એક જ રાશિ બદલીને કન્યા રાશિમાં અને ત્રીજા ભાવે વર્ષના અંતે જોવા મળે છે, સપ્તમેશ શનિ મહારાજ વર્ષ દરમિયાન રાશિ કે ભાવ બદલ્યા વિના સંપૂર્ણ વર્ષ દરમિયાન વૃશ્ચિક રાશિમાં જ પંચમ ભાવે જોવા મળે છે. વર્ષના આરંભે કન્યા રાશિમાં ત્રીજા ભાવે રહેલ રાહુ અને ભાગ્ય ભાવે મીન રાશિમાં રહેલ કેતુ વક્રગતિથી આગળ વધતાં વર્ષાંતે રાહુ સિંહ રાશિમાં બીજા ભાવે, કેતુ કુંભ રાશિમાં અષ્ટમ ભાવે જોવા મળે છે.

આરોગ્યની દ્રષ્ટિએ: સંવત ૨૦૭૨નું નૂતન વર્ષ કર્ક રાશિના જાતકો વર્ષ દરમિયાન ગોચરના ગ્રહો સાનુકૂળ રહેશે. હૃદયરોગના દર્દીઓએ ૧૪ ફેબ્રુઆરીથી ૧૪ માર્ચ સુધી વિશેષ કાળજી રાખવી પડશે. ફેબ્રુઆરી- માર્ચ વાહન ચલાવતાં જાતકોને ખૂબ જ કાળજી રાખવી પડશે.

આર્થિક દ્રષ્ટિએ: વર્ષ આર્થિક દ્રષ્ટિએ કર્ક રાશિના વ્યાપાર, ઉત્પાદન ક્ષેત્રના જાતકો માટે થોડી તકલીફનો સમય છે. નોકરિયાત વર્ગને થોડી ઘણી રાહતો મળતી જણાશે.જે ગત વર્ષ દરમિયાન પોતાની યોગ્યતા સાબિત કરી ચૂક્યા છે અથવા જેમની નોકરી ચાલી ગઈ છે તેમના માટે આરંભમાં નોકરીની તકો સર્જાતી દેખાય છે, પરંતુ બદલી, બઢતી કે પ્રમોશન કે સ્થાન ફેર માટે રાહ જોઈ રહ્યા છે તેઓ માટે ઓગસ્ટ બાદનો સમય સારો રહેશે.  વ્યાપાર વ્યવસાય કે ઉત્પાદન કે શેરસટ્ટાથી સંકડાયેલા જાતકોએ ખૂબ જ સાવધાની રાખવી પડશે. વધુ પડતો આત્મવિશ્વાસ દગો કરાવી શકે તેમ છે. પૈસાની ખૂબ જ હાડમારી  રહે તેવું લાગે છે. આ સમય દરમિયાન ગમે તેટલી મહેનત કરશો તો પણ પરિણામ શૂન્ય રહે તેવું જણાય છે. સૌથી વધુ સાવધાની આ વર્ષે સટ્ટાકીય કાર્ય કરતા જાતકોએ રાખવી પડશે. નુકસાનનો વધુ યોગ જણાય છે.

વિવાહ + લગ્ન યોગની દ્રષ્ટિએ: વિવાહ-લગ્ન યોગની દ્રષ્ટિએ વર્ષના મધ્ય ભાગ સુધીનો સમય વિપરીત છે. જે જાતકો યોગ્ય જીવનસાથીની તપાસમાં છે તેમણે ઓગસ્ટ ૨૦૧૬ સુધી રાહ જોવી પડશે. જે જાતકોની સગાઈ થઈ ગઈ છે અને લગ્નના બંધનમાં બંધાવા માંગતા હશે તો તેમણે હજુ ૧ વર્ષ સુધી રાહ જોવી પડશે, કારણ કે આ વર્ષ દરમિયાન કોઈ યોગ નથી બનતો તથા જે જાતકોનાં સંતાનો સગાઈ કે લગ્ન યોગ્ય હશે તેમના માટે વર્ષના આરંભનો જાન્યુઆરી-૨૮ સુધી યોગ જણાય છે.

સિંહ: સંવત ૨૦૭૨ના નૂતન વર્ષના સુપ્રભાતે આપનો રાશિ અધિપતિ સૂર્ય તથા ધનાધિપતિ બુધ તથા વ્યયેશ ચંદ્ર ત્રીજા ભાવે તુલા રાશિથી પોતાનું ભ્રમણ શરૂ કરે છે. સૂર્ય અને બુધ બંને પોતાની આગવી ગતિથી આગળ વધતા રાશિ ચક્ર પૂર્ણ કરીને વર્ષાન્તે ફરીથી તુલા રાશિમાં જ ત્રીજા ભાવે જોવા મળે છે, ચંદ્ર પોતાની તે જ ગતિથી આગળ વધતા વર્ષ દરમિયાન અનેક વખત રાશિ ચક્ર પૂર્ણ કરી ફરી તે જ ભાવે તુલા રાશિમાં જોવા મળે છે, પરાક્રમેશ શુક્ર બીજા ભાવે કન્યા રાશિથી પોતાની મુસાફરી આગળ ધપાવતા તે પણ રાશિ ચક્ર પૂર્ણ કરી આગળ વધતા વર્ષાન્તે વૃશ્ચિક રાશિમાં ચોથા ભાવે જોવા મળે છે.  સુખેશ મંગળ વર્ષના આરંભે કન્યા રાશિમાં અને બીજા ભાવેથી પોતાની ગતિ અનુસાર આગળ વધતા વર્ષાન્તે ધન રાશિમાં પંચમ ભાવે જોવા મળે છે.

પંચમેશ ગુરુ મહારાજ વર્ષના આરંભે દેહભવનથી અને પહેલા ભાવેથી પોતાની મંદગતિથી મુસાફરી શરૂ કરે છે અને આગળ વધતા વર્ષાન્તે કન્યા રાશિમાં ધનસ્થાને જોવા મળે છે, સપ્તમેશ શનિ મહારાજ વર્ષ દરમિયાન રાશિ કે ભાવ બદલ્યા વિના ચોથા ભાવે વૃશ્ચિક રાશિમાં જ જોવા મળે છે. વર્ષના આરંભે કન્યા રાશિમાં રહેલા રાહુ તથા મીન રાશિમાં રહેલા કેતુ વક્રગતિથી આગળ વધતા વર્ષાન્તે રાહુ દેહભાવે સિંહ રાશિમાં તથા કેતુ સપ્તમ ભાવે કુંભ રાશિમાં જોવા મળે છે.

આરોગ્યની દ્રષ્ટિએ: સિંહ રાશિના જાતકો માટે વર્ષ થોડું માનસિક તનાવ આપનારું લાગી રહ્યું છે. વર્ષ દરમિયાન તમે નાની પનોતીમાંથી પસાર થઈ રહ્યા છો અને રાહુનું ભ્રમણ ગુરુ સાથે શરૂ થતાં તમારા સ્વાસ્થ્ય ઉપર અસર વધુ દેખાશે. નકારાત્મક વિચારોનું સામ્રાજ્ય તમારા મન ઉપર ઊભું થતું જોવા મળશે. તેમાંય ફેબ્રુઆરી-માર્ચનો સમય વધુ તકલીફ આપનારો હશે. વ્યવસાય-વ્યાપાર કરતાં જાતકોને મે-જૂન મહિનો કામ ન થવાથી માનસિક સ્થિતિ ડામાડોળ થતી જણાશે. ખૂબ જ સાવચેતી રાખવી પડશે.

આર્થિક દ્રષ્ટિએ: આર્થિક દ્રષ્ટિએ વર્ષ સિંહ રાશિના જાતકો માટે એકદંરે તો સારું જ કહેવાય. જાન્યુઆરી મહિનો થોડો તકલીફવાળો હશે. નોકરિયાત વર્ગ માટે આ વર્ષ ખૂબ જ લાભ કર્તા રહે તેવું લાગી રહ્યું છે. નોકરીમાં પ્રોબ્લેમ થયા છે અથવા છૂટી ગઈ હશે તો તેમને કંઈ ને કંઈ નોકરી મળી શકશે. નોકરીમાં બદલી, બઢતી કે સ્થાન ફેરની રાહ જોતાં હશો તેમને ઓગસ્ટ – ૨૦૧૬ બાદનો સમય ખૂબ જ લાભકર્તા સાબિત થાય. વેપાર-ઉત્પાદન સાથે સંકળાયેલા માટે પણ વર્ષ ખૂબ જ સારું રહેશે. મહેનત વધુ કરવી પડશે, તેનો લાભ પણ મળતો જણાશે. સટ્ટાકીય કામો કરનાર માટે સમય થોડો સારો રહેશે, લાંબા ગાળાની ગણતરી કરી રોકાણ કરશો. ખર્ચની દ્રષ્ટિએ ધ્યાન આપવું પડશે, આવકનો સ્ત્રોત તો છે, સાથે ખર્ચની શક્યતા પણ વધુ જોવા મળે છે.

વિવાહ + લગ્ન યોગની દ્રષ્ટિએ: લગ્ન વિવાહ યોગની દ્રષ્ટિએ વર્ષ સિંહ રાશિના જાતકો માટે શુભ સંકેતો આપનાર છે. જે જાતકો વિવાહ યોગ્ય છે અને યોગ્ય પાત્રની શોધ કરી રહ્યા છે તેમના માટે આ વર્ષે શોધનો અંત આવી રહ્યો છે. જે જાતકો પ્રેમ લગ્ન કરવા માંગતા હશે તો તેમની ઇચ્છાઓની પૂર્તિનો આ યોગ્ય સમય દેખાઈ રહ્યો છે. પરિણીત જાતકો જીવનસાથી સાથે ઘર્ષણથી દૂર રહેવાનું પણ આ વર્ષ સૂચવી જાય છે. લગ્ન વિચ્છેદ, કોર્ટ કચેરીની પણ શક્યતા રહેલી છે.

કન્યા: સંવત ૨૦૭૨માં નૂતન વર્ષના સુપ્રભાતે આપનો રાશિ પતિ બુધ તથા વ્યયેશ સૂર્ય બંને ગ્રહો ધન ભાવે તુલા રાશિથી પોતાની મુસાફરી આગળ ધપાવે છે. જે બંને પોતાની ગતિ અનુસાર આગળ વધતા વર્ષના અંતે ફરીથી બીજા ભાવે તુલા રાશિમાં જ જોવા મળે છે. તેઓ રાશિ ચક્ર પૂર્ણ કરે છે, લાભેશ ચંદ્ર પણ બીજા ભાવેથી અને તુલા રાશિથી પોતાની તે જ ગતિથી મુસાફરી શરૂ કરે છે અને રાશિ ચક્રનાં અનેક ચક્કરો કાપીને ફરીથી તુલા રાશિમાં બીજા ભાવે જ જોવા મળે છે, ધન સ્થાનનો સ્વામી શુક્ર વર્ષના આરંભે દેહભુવન અને કન્યા રાશિથી ભ્રમણ શરૂ કરી આગળ વધતા રાશિ ચક્ર પૂર્ણ કરીને વર્ષના અંતે વૃશ્ચિક રાશિમાં ત્રીજા ભાવે જોવા મળે છે, પરાક્રમેશ મંગળ વર્ષના આરંભે દેહભાવે અને કન્યા રાશિથી પોતાનું ભ્રમણ શરૂ કરી વર્ષાન્તે ધન રાશિમાં ચોથા ભાવે જોવા મળે છે. સુખેશ ગુરુ મહારાજ વર્ષના આરંભે વ્યય ભાવે અને સિંહ રાશિથી પોતાનું ભ્રમણ શરૂ કરે છે અને ધીમી ગતિથી આગળ વધતા વર્ષના અંતે એક ભાવ બદલી કન્યા રાશિમાં દેહભાવે જોવા મળે છે. પંચમેશ શનિ મહારાજ વર્ષના આરંભથી કે અંત સુધી રાશિ કે ભાવ બદલ્યા વિના ત્રીજા ભાવે વૃશ્ચિક રાશિમાં જ જોવા મળે છે. વર્ષના આરંભે કન્યા રાશિમાં રહેલ રાહુ અને મીન રાશિમાં રહેલ કેતુ પોતાની વક્રગતિથી આગળ વધતા વર્ષના અંતે રાહુ સિંહ રાશિમાં જ્યારે કેતુ કુંભ રાશિમાં અનુક્રમે બારમે તથા છઠ્ઠે જોવા મળે છે.

આરોગ્યની દ્રષ્ટિએ:  આરોગ્યની દ્રષ્ટિએ કન્યા રાશિના જાતકોએ થોડું સાચવવું પડે તેમ લાગે છે. બારમે ગુરુનું ભ્રમણ અને દેહભાવે રહેલા રાહુનું ભ્રમણ થોડી પરેશાની આપી શકે તેમ છે. વર્ષના આરંભમાં જ દેહભાવે રાહુ તથા મંગળ ભેગા થવાથી લોહીના વિકારો (બગાડ) થવા સંભવી શકે તેમ છે. એપ્રિલથી જૂન મહિનાનો સમય તમારા વ્યવસાયમાં તકલીફવાળો હોવાથી તમારી તબિયત બગડી શકે તેમ છે.  તમારી જન્મ કુંડળી બળવાન હશે તો તમે આવી તકલીફમાંથી બચી શકશો.

આર્થિક દ્રષ્ટિએ: સંવત ૨૦૭૨નું નવું વર્ષ કન્યા રાશિમાં જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ મધ્યમ રહેશે. આવક અને ખર્ચ બંને દ્રષ્ટિએ સરખું લાગી રહ્યું છે. નોકરિયાત વર્ગ માટે પણ આ વર્ષ કંઈ નવું નથી સૂચવતું. જે સ્થિતિ હશે તે બની રહેશે. જે જાતકોની નોકરી ચાલુ છે તેમના માટે નવું કંઈ બનતું નથી. આ વર્ષ દરમિયાન બદલી, બઢતી કે પ્રમોશનનો યોગ નથી જણાતો. જે જાતકો હાલમાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી નોકરીની તલાશમાં હશે તો તેમને પણ બાંધ્યા પગારથી નોકરી તો મળી જ જશે.

વ્યાપાર-વ્યવસાય કે ઉત્પાદન ક્ષેત્રના જાતકો માટે આ વર્ષ કઠિન તો છે જ, પરંતુ નાના મોટા કામ થવાથી થોડી ઘણી રાહત તો મળતી રહેશે. શેર સટ્ટાકીય કાર્ય સાથે સંકળાયેલા જાતકોએ થોડી સાવધાની રાખવી પડશે. મિલકતોની લે-વેચના વ્યવસાય કરતા જાતકો માટે આ વર્ષમાં જાન્યુઆરીથી ઓગસ્ટનો સમય ખૂબ જ ફાયદાકારક બનશે. આ વર્ષ દરમિયાન ખર્ચની દ્રષ્ટિએ સમય કઠિન છે. સામાજિક, ધાર્મિક, યાત્રા-પ્રવાસ, શૈક્ષણિક ખર્ચ વધુ રહેશે.

વિવાહ + લગ્ન યોગની દ્રષ્ટિએ: વિવાહ લગ્ન યોગની દ્રષ્ટિએ કન્યા રાશિના જાતકો માટે આવનારું નવું વર્ષ તમારી ઇચ્છાઓની પૂર્તિ આપનારું છે. જે જાતકો વિવાહ યોગ્ય છે તેમને યોગ્ય પાત્ર મળવાનો યોગ ઓગસ્ટ મહિના પછી જણાય છે. જે જાતકોની ગત વર્ષે સગાઈ થઈ ગઈ છે અને લગ્નના બંધનમાં બંધાવા માંગતા હશે તો યોગ્ય મુહૂર્ત જો હશે તો તમે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી શકશો. જે જાતકો પ્રેમવિવાહ કરવા માંગતા હશે તો તેમણે પોતાની જન્મપત્રિકા ઉપર વિશેષ આધાર રાખવો પડશે, કારણ કે ઉતાવળિયું પગલું તમારા માટે પસ્તાવાજનક બની શકે તેમ છે.

તુલા: સંવત ૨૦૭૨ના નૂતન વર્ષના સુપ્રભાતે આપનો રાશિ અધિપતિ શુક્ર કન્યા રાશિમાં અને બારમા ભાવેથી પોતાનું ભ્રમણ શરૂ કરે છે અને પોતાની ગતિથી રાશિચક્ર પૂર્ણ કરી વર્ષના અંતે

વૃશ્ચિક રાશિમાં બીજા ભાવે જોવા મળે છે, જ્યારે ધન સ્થાનનો માલિક મંગળ વર્ષારંભે વ્યય ભાવે કન્યા રાશિથી પોતાની ગતિ અનુસાર મુસાફરી શરૂ કરી વર્ષાન્તે ધન રાશિમાં ત્રીજા ભાવે જોવા મળે છે, જ્યારે પરાક્રમેશ ગુરુ મહારાજ વર્ષના આરંભે લાભ ભાવે અને સિંહ રાશિથી મંદ ગતિથી આગળ વધતા વર્ષના અંતે કન્યા રાશિમાં બારમા ભાવે જોવા મળે છે.

જ્યારે સુખેશ શનિ મહારાજ વર્ષ દરમિયાન વૃશ્ચિક રાશિમાં જ બીજા ભાવે સમગ્ર વર્ષ દરમિયાન જ જોવા મળે છે જ્યારે ભાગ્યેશ બુધ, કર્મેશ ચંદ્ર અને લાભેશ સૂર્ય આ વર્ષના આરંભમાં તુલા રાશિમાં દેહભાવેથી પોતાની મુસાફરી શરૂ કરે છે. બુધ અને સૂર્ય પોતાની ગતિથી આગળ વધતા રાશિ ચક્ર પૂર્ણ કરી ફરીથી તુલા રાશિમાં દેહભાવે જ વર્ષના અંતે જોવા મળે છે, જ્યારે ચંદ્ર તે જ ગતિથી ભ્રમણ શરૂ કરી અનેક વાર રાશિ ચક્ર પૂર્ણ કરી ફરીથી તુલા રાશિમાં જ વર્ષના અંતે જોવા મળે છે.  જ્યારે વર્ષના આરંભે કન્યા રાશિમાં રહેલ રાહુ અને મીન રાશિમાં રહેલ કેતુ પોતાની વક્રગતિથી મુસાફરી આગળ વધારી વર્ષાંતે રાહુ સિંહ રાશિમાં લાભ ભાવે જ્યારે કેતુ કુંભ રાશિમાં પંચમ ભાવે જોવા મળે છે.

આરોગ્યની દ્રષ્ટિએ: આરોગ્યની દ્રષ્ટિએ તુલા રાશિના જાતકો માટે વર્ષના આરંભનો મહિનો થોડું ધ્યાન રાખવા જેવો છે. બાદમાં તકલીફનો યોગ ઓછો છે. ફેબ્રુઆરીના મધ્ય ભાગથી માર્ચના મધ્ય ભાગ સુધી સટ્ટાકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતકોએ ધ્યાન આપવું પડશે. નુકસાન થતા આઘાત લાગવાનો ભય રહેલો છે. જે જાતકો હૃદયરોગના દર્દથી પીડાય છે તેમણે ઓગસ્ટ-સપ્ટેમ્બરનો મહિના સાચવવો પડશે. જીવનસાથીને પણ જાન્યુઆરી પછી કંઈક ને કંઈક નાની નાની તકલીફ રહેશે.

આર્થિક દ્રષ્ટિએ:  આર્થિક દ્રષ્ટિએ તુલા રાશિના જાતકો માટે આવક અને જાવકની દ્રષ્ટિએ સરખું જણાય છે. આવકની બાબતમાં તમારી મહેનત પ્રમાણે તમે આવક પ્રાપ્ત કરી શકશો, પરંતુ ખર્ચનું ધ્યાન રાખવું પડશે.

નોકરિયાત વર્ગ માટે વર્ષ લાભકર્તા છે. નોકરી ઇચ્છુક જાતકોને પોતાની યોેગ્યતા અનુસાર નોકરી મળી જશે, પરંતુ થોેડું મહેનતવાળંુ કામ હશે. નોકરીમાં બદલી બઢતી કે સ્થાન ફેર ઇચ્છી રહ્યા છે તેમને માટે બદલીનો યોગ છે. પોતાનાં સંતાનો તથા જીવનસાથી માટે સારી નોકરીની ઇચ્છા રાખે છે તેમના માટે પણ વર્ષ શુભ રહેશે. ભાઈભાંડુ તરફથી સહકાર મળતો જણાય છે.

વ્યાપાર-ઉત્પાદન ક્ષેત્રના જાતકો માટે મધ્યમ સમય છે. શેર સટ્ટાકીય સાથે સંકળાયેલા જાતકો માટે  વર્ષ લાભકર્તા સાબિત થશે. તમારા નાણાં વધતા જશે તથા લાંબા ગાળાના થયેલા રોકાણ ફાયદો કરાવી જશે. ઓગસ્ટ માસ બાદ મિલકતોમાં થયેલું રોકાણ છૂટું થતું જણાશે.

વર્ષ દરમિયાન વિશેષ પ્રમાણમાં ખર્ચ થતો જોવા મળશે. ભાગીદારી સાથે સંકળાયેલા જાતકો માટે ભાગીદારી છૂટી થતાં પૈસા ચૂકવવાનો યોગ છે. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં સરકારી ગૂંચ ઊભી થતાં નાણાકીય વ્યય જોવા મળશે. આવકના સ્ત્રોત જળવાઈ રહેશે તો ખર્ચને પહોંચી વળાશે.

વિવાહ + લગ્ન યોગની દ્રષ્ટિએ: તુલા રાશિના જાતકો માટે વિવાહ + લગ્ન યોગની દ્રષ્ટિએ વર્ષ ખૂબ જ રાહત આપનારું જણાય છે. ગુરુ મહારાજનું લાભ ભાવે ભ્રમણ હોવાથી તેમની શુભ દ્રષ્ટિ સપ્તમ ભાવે હોવાથી તમારી ઇચ્છા પૂર્તિનો યોગ બને છે. યોગ્ય પાત્રની શોધમાં હોય તેમને પાત્ર મળતાં વિવાહના બંધનના બંધાઈ જશે તથા જે જાતકોના વિવાહ થઈ ગયા છે તેમના માટે ઓગસ્ટ બાદનો સમય યોગ્ય છે. પોતાનાં સંતાનો માટે યોગ્ય પાત્રની શોધમાં હશે તો તેઓ માટે આ સમય ખૂબ જ સુખદ રહેશે.

વૃષિક: સંવત ૨૦૭૨માં નૂતન વર્ષના સુપ્રભાતે આપનો રાશિ અધિપતિ મંગળ કન્યા રાશિ અને લાભ ભાવેથી પોતાનું ભ્રમણ શરૂ કરે છે અને પોતાની ગતિ અનુસાર આગળ વધતા વર્ષાન્તે ધન રાશિ અને બીજા ભાવે જોવા મળે છે, ધન સ્થાનનો માલિક ગુરુ મહારાજ વર્ષના આરંભે દશમ ભાવે અને સિંહ રાશિથી ધીમી ધીમી ગતિથી આગળ વધતા વર્ષના અંતે લાભ ભાવે કન્યા રાશિમાં જોવા મળે છે, સુખેશ શનિ મહારાજ સમગ્ર વર્ષ દરમિયાન દેહભાવે વૃશ્ચિક રાશિમાં જ જોવા મળે છે જ્યારે સપ્તમેશ અને વ્યયેશ શુક્ર વર્ષના આરંભે કન્યા રાશિ અને લાભ સ્થાનેથી પોતાનું ભ્રમણ શરૂ કરે છે અને વર્ષાંતે રાશિ ચક્ર પૂર્ણ કરીને વૃશ્ચિક રાશિમાં દેહભાવે જોવા મળે છે. અષ્ટમેશ બુધ, ભાગ્યેશ ચંદ્ર અને કર્મેશ સૂર્ય વર્ષના આરંભે વ્યય ભાવે તુલા રાશિથી પોતાનું ભ્રમણ શરૂ કરે છે. તેમાં બુધ-સૂર્ય તે જ ગતિથી આગળ વધી રાશિચક્ર પૂર્ણ કરી તે જ સ્થાને તુલા રાશિમાં જોવા મળે છે, જ્યારે ચંદ્ર રાશિ શુક્રનાં અનેક ચક્કરો કાપીને ફરીથી તે જ સ્થાને તુલા રાશિમાં જોવા મળે છે.

કન્યા રાશિમાં લાભ સ્થાને રહેલા રાહુ તથા મીન રાશિમાં રહેલા કેતુ પોતાની વક્ર ગતિથી આગળ વધતા વર્ષના અંતે રાહુ દશમ ભાવે સિંહ રાશિમાં તથા કેતુ કુંભ રાશિમાં ચોથા ભાવે જોવા મળે છે.

આરોગ્યની દ્રષ્ટિએ: આરોગ્યની દ્રષ્ટિએ વૃશ્ચિક રાશિમાં જાતકો માટે સંવત ૨૦૭૨નું નવું વર્ષ કોઈ મોટી બીમારી કે અકસ્માતના યોગ નથી સૂચવતું, પરંતુ માનસિક તણાવનો વધુ યોગ બતાવે છે. આ વર્ષ દરમિયાન શનિ મહારાજની પનોતીનો બીજો તબક્કો લોખંડના પાયે હોવાથી શારીરિક અને માનસિક શ્રમનો યોગ વધુ બતાવે છે. વર્ષના આરંભે ફેબ્રુઆરી સુધી દરેક કાર્ય વિલંબથી થતાં તમે વધુ થાક અનુભવશો. ફેબ્રુઆરીના મધ્ય ભાગથી માર્ચનો મધ્ય ભાગ તથા ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન નકારાત્મક વિચારો કરતા થઈ શકો. તેમાં ધ્યાન રાખવું. હનુમાન ચાલીસાના પાઠ વધુમાં વધુ કરશો તો લાભ થશે.

આર્થિક દ્રષ્ટિએ: આર્થિક દ્રષ્ટિએ સંવત ૨૦૭૨નું નવું વર્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે એકંદરે સારું કહી શકાય. તમારા કામનું વળતર તમને જરૂરથી મળી શકશે. આ વર્ષ દરમિયાન શનિની પનોતીનો બીજા તબક્કે લોખંડના પાયે હોવાથી કાર્ય વિલંબથી અને પરિશ્રમથી થતું જોવા મળશે.

નોકરિયાત વર્ગ માટે વર્ષ ખૂબ જ સારું રહેશે. નોકરીમાં કાર્યબોજ વધુ રહેશે, પરંતુ કોઈ વાંધો નથી. જે જાતકો નોકરીમાં બદલી, બઢતીની રાહ જોઈ રહ્યા છે તેઓની પણ ઇચ્છા પૂરી થઈ શકે છે. જે જાતકો નોકરીમાં પરીક્ષાઓ આપી વધુ ઊંચી લાયકાત મેળવવા માગતા હશે તેઓની ઇચ્છા પણ પૂર્ણ થતી જોવા મળશે. વેપાર, વ્યવસાય, ઉત્પાદન ક્ષેત્રના જાતકો માટે પણ વર્ષ ધંધાકીય દ્રષ્ટિએ સારું કહી શકાય. નવું કામ કરવા માગતા હશે તો તેમના માટે પણ તકોનું નિર્માણ થતું જણાશે. સટ્ટાકીય કાર્યો કરતા જાતકોએ ફેબ્રુઆરી સુધીનો સમય સાચવવો. પછીથી કોઈ વાંધો આવતો નથી. ગત વર્ષ દરમિયાન રોકાયેલાં નાણાં પણ આ વર્ષે છૂટા થતાં જોવા મળશે. જે જાતકો મિલકતોના-દલાલીનાં કાર્યો સાથે સંકળાયેલા છે તેમના પણ આર્થિક લાભનો સમય છે.

વિવાહ + લગ્ન યોગની દ્રષ્ટિએ: વિવાહ-લગ્ન યોગની દ્રષ્ટિએ વર્ષના આરંભમાં વિવાહ-સગાઈના યોગ થોડા મોડા છે, પરંતુ લગ્ન યોગ તો થવાનો. જે જાતકો પોતાના માટે યોગ્ય જીવનસાથીની તલાશમાં હશે તો વર્ષના મધ્ય ભાગ ઓગસ્ટ સુધી રાહ જોવી પડે તેમ છે.  ઓગસ્ટ બાદ વિવાહ કે સગાઈ થઈ શકશે. જે જાતકોની સગાઈ ગત વર્ષ દરમિયાન થઈ ગઈ છે અને લગ્નના બંધનમાં બંધાવા માટે થનગની રહ્યા છે તો તેમણે લગ્નના મુહૂર્ત પર વિશેષ ધ્યાન આપવું પડશે. પ્રેમ વિવાહ કરનાર જાતકો માટે ફેબ્રુઆરી બાદનો સમય વધુ યોગ્ય જણાય છે.

ધન: સંવત ૨૦૭૨ના નૂતન વર્ષના સુપ્રભાતે આપનો રાશિ અધિપતિ ગુરુ મહારાજ ભાગ્ય ભાવે સિંહ રાશિથી પોતાનું ભ્રમણ શરૂ કરી આગળ વધતા વર્ષના અંતે દશમ ભાવે કન્યા રાશિમાં જોવા મળે છે, ધનેશ અને પરાક્રમેશ શનિ મહારાજ આ વર્ષ દરમિયાન રાશિ કે ભાવ બદલ્યા વિના વૃશ્ચિક રાશિમાં વ્યયસ્થાને જોવા મળે છે, જ્યારે પંચમેશ મંગળ વર્ષના આરંભે કન્યા રાશિ અને દશમભાવેથી પોતાનું ભ્રમણ શરૂ કરી વર્ષના અંતે ધન રાશિમાં દેહભાવે જોવા મળે છે, લાભેશ શુક્ર વર્ષના આરંભે દશમ ભાવે કન્યા રાશિથી આગવી ગતિથી રાશિ ચક્ર પૂર્ણ કરીને વધુ આગળ વધતા વૃશ્ચિક રાશિમાં વ્યયભાવે જોવા મળે છે.

સપ્તમેશ બુધ અષ્ટમેશ ચંદ્ર અને ભાગ્યેશ સૂર્ય વર્ષના આરંભમાં લાભ ભાવે તુલા રાશિથી પોતાની મુસાફરીનો આરંભ કરે છે. જેમાં સૂર્ય અને બુધ વર્ષ દરમિયાન રાશિ ચક્ર પૂર્ણ ફરીથી તે જ ભાવે તુલા રાશિમાં જોવા મળે છે, ચંદ્ર રાશિ ચક્રનાં અનેક ચક્કરો કાપીને ફરીથી તુલા રાશિ અને લાભ ભાવે જ જોવા મળે છે. વર્ષના આરંભે દશમ ભાવે કન્યા રાશિમાં રહેલ રાહુ અને ચોથા ભાવે મીન રાશિમાં રહેલ કેતુ વક્રગતિથી મુસાફરીનો પ્રારંભ કરી વર્ષના અંતે રાહુ ભાગ્ય ભાવે સિંહ રાશિમાં અને કેતુ ત્રીજા ભાવે કુંભ રાશિમાં જોવા મળે છે.

આરોગ્યની દ્રષ્ટિએ: વર્ષ આરોગ્યની દ્રષ્ટિએ ધન રાશિના જાતકો માટે એકદંરે સારું જાય તેવું જણાય છે. ગુરુ મહારાજનું ભાગ્ય સ્થાન ઉપર ભ્રમણ હોવાથી તેમની શુભ દ્રષ્ટિ દેહભાવે થવાથી શારીરિક ઘેરાવો વધે. વજન વધવાથી ચાલવામાં થોડી તકલીફ રહે છે. શનિ મહારાજ બારમા ભાવે ભ્રમણ કરતાં હોવાથી થોડી માનસિક હાડમારી વધુ રહેશે. વર્ષના અંતે ગુરુનું દશમ ભાવે ભ્રમણ શરૂ થતાં કામકાજમાં વધારો થતાં થોડી દોડાદોડી પણ વધુ રહેશે તો ત્યારના સમયે પણ આરોગ્યનું ધ્યાન રાખવું પડશે.

આર્થિક દ્રષ્ટિએ: ધન રાશિના જાતકો માટે આ વર્ષ મહ્દઅંશે સારું કહેવાશે જ, સાથે અણધાર્યા ખર્ચ પણ આવી પડે તેમ છે. નોકરિયાત માટે નોકરીની શક્યતા ખૂબ સારા પ્રમાણમાં જોવા મળતી હોવાથી આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. નવી નોકરીની શોધમાં હશો તો વર્ષના આરંભમાં નોકરી મળી શકશે. નોકરીમાં બદલી, બઢતી કે સ્થાનફેરની રાહ જોઈ રહ્યા હશો તો હજુ ઓગસ્ટ-૨૦૧૬ સુધી રાહ જોવી પડશે. વ્યાપાર – બિઝનેસ કરનાર માટે કામની દ્રષ્ટિએ કોઈ વાંધો નથી જણાતો.

નવું કામ કરવા માંગતા હશે તેમનું કામ થઈ જશે. સટ્ટાકીય કામ કરનારે ફેબ્રુઆરી મહિનો સાચવવો પડશે, પરંતુ એપ્રિલ-મે-જૂન ખૂબ જ સારો રહેશે. સાથે યાત્રા-પ્રવાસ, મુસાફરી થવાનો યોગ બને છે. આ વર્ષ દરમિયાન દરેક વર્ગ માટે ધાર્મિક, સામાજિક, મુસાફરી ખર્ચનો વિશેષ યોગ બને છે. વર્ષ દરમિયાન આવકની દ્રષ્ટિએ વાંધો આવતો નથી, પરંતુ ખર્ચને ખૂબ જ ધ્યાનમાં રાખવો પડશે. જો ગાફેલ રહ્યા તો આર્થિક સ્થિતિ ડામાડોળ થતી જોવા મળશે.

વિવાહ + લગ્ન યોગની દ્રષ્ટિએ: વિવાહ-લગ્ન યોગની દ્રષ્ટિએ પણ ધન રાશિના જાતકો માટે નવું વર્ષ શુભ સંકેતો આપનારું છે. અવિવાહિત જાતકો માટે વિવાહ લગ્નનો સંપૂર્ણ યોગ બને છે. જે જાતકોની સગાઈ નથી થઈ અને યોગ્ય પાત્રની શોધમાં હશે તો તેમના માટે ઓગસ્ટ ૨૦૧૬ સુધીનો સમય ખૂબ જ સારો રહેશે. સગાઈ થઈ ગઈ છે અને લગ્નના બંધનમાં બંધાઈ જવા માંગતા હશે તો વર્ષના અંત ભાગમાં લગ્નનો યોગ બને છે.

મકર: સંવત ૨૦૭૨માં નૂતન વર્ષના સુપ્રભાતે આપનો રાશિ અધિપતિ શનિ મહારાજ લાભ ભાવે અગિયારમા ભાવે જોવા મળે છે. વર્ષ દરમિયાન શનિ મહારાજ રાશિ કે ભાવ બદલ્યા વિના લાભ ભાવે જ વૃશ્ચિક રાશિમાં જોવા મળે છે. પરાક્રમેશ ગુરુ મહારાજ વર્ષના આરંભે અષ્ટમ ભાવે સિંહ રાશિથી આગળ વધતાં વર્ષના અંતે કન્યા રાશિમાં ભાગ્ય ભાવે જોવા મળે છે, સુખેશ મંગળ વર્ષના આરંભે કન્યા રાશિથી ભ્રમણ શરૂ કરે છે અને વર્ષના અંતે ધન રાશિ અને વ્યયભાવે જોવા મળે છે, પંચમેશ શુક્ર વર્ષના આરંભે કન્યા રાશિ અને ભાગ્ય ભાવેથી ભ્રમણ શરૂ કરે છે અને રાશિચક્ર પૂર્ણ કરી વૃશ્ચિક રાશિમાં લાભ ભાવે જોવા મળે છે.

ભાગ્યેશ બુધ, સપ્તમેશ ચંદ્ર અને અષ્ટમેશ સૂર્ય વર્ષના આરંભે તુલા રાશિ અને દશમ ભાવેથી ભ્રમણ શરૂ કરે છે જેમાં બુધ અને સૂર્ય રાશિ ચક્ર પૂર્ણ કરી ફરીથી તુલા રાશિમાં દશમ ભાવે જ જોવા મળે છે, ચંદ્ર રાશિ ચક્રનાં અનેક ચક્કરો કાપીને ફરીથી તુલા રાશિમાં જ જોવા મળે છે. વર્ષના આરંભે કન્યા રાશિમાં રહેલ રાહુ અને મીન રાશિમાં ત્રીજા ભાવે રહેલ કેતુ વર્ષના અંતે રાહુ અષ્ટમ ભાવે સિંહ રાશિમાં તથા કેતુ બીજા ભાવે કુંભ રાશિમાં જોવા મળે છે.

આરોગ્યની દ્રષ્ટિએ: આરોગ્યની દ્રષ્ટિએ મકર રાશિના જાતકો માટે આવનારું નવું વર્ષ થોડી તકલીફ આપી જાય તેવું લાગી રહ્યું છે. વર્ષ દરમિયાન તમારો રાશિ અધિપતિ શનિ અગિયારમે રહી દશમી દ્રષ્ટિએ અષ્ટમ ભાવે જોશે, જાન્યુઆરીના અંતમાં રાહુ મહારાજ પણ અષ્ટમ ભાવે આવશે જે તમારી તબિયત બગાડી શકે છે. જાન્યુઆરીના મધ્ય ભાગથી જાન્યુઆરીના અંત ભાગ સુધી હૃદયરોગવાળા જાતકો માટે કઠિન સમય જણાય છે.

મકર રાશિના જાતકોએ આયુર્વેદ તથા યોગ ઉપર વધુ ભાર મૂકવો પડશે. આ વર્ષ મકર રાશિના જાતકો માટે આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ધ્યાન રાખવા જેવો સમય છે. થોડી કાળજી મોટી તકલીફથી બચાવશે.

આર્થિક દ્રષ્ટિએ: આર્થિક દ્રષ્ટિએ વર્ષ મકર રાશિના જાતકો માટે થોડું કપરું છે, પરંતુ વર્ષના મધ્ય ભાગ બાદ રાહત થતી જોવા મળશે. આરંભમાં ગુરુ અષ્ટમ ભાવે હશે અને રાહુ પણ અષ્ટમ ભાવે આવતો હોવાથી તથા શનિ પણ વૃશ્ચિક રાશિમાં હોવાથી થોડીક તકલીફ રહેવાનો યોગ છે. દરેક વર્ગ માટે મહેનત વધુ કરવી પડશે, તેની સામે વળતર ઓછું મળશે.

નોકરિયાત વર્ગને કોઈ વિશેષ લાભ મળતો નથી. જે પણ મળી રહ્યું છે તેને પકડી રાખશો, નહીંતર એ પણ ખોવાનો વારો આવી શકે તેમ છે. નોકરીમાં બદલી, બઢતી કે સ્થાન ફેરની રાહ જોઈ રહ્યા છે તેમના માટે કોઈ લાભ મળતો નથી. બદલી કરાવવી હશે તો થશે, પરંતુ તેનો આર્થિક લાભ મળતો નથી જણાતો.

વ્યાપાર-વ્યવસાય તથા ઉત્પાદન ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતકોએ પણ ખૂબ જ ધ્યાન રાખી કામ કરવું પડશે. સટ્ટાકીય ક્ષેત્રમાં સંકળાયેલા છે તેમણે મે-જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી ધ્યાન રાખી ધંધો કરવો પડશે, નહીં તો મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે. આવકનું પ્રમાણ ઓછું રહેશે. જેથી આ વર્ષ દરમિયાન બચતનો તો કોઈ અવકાશ નથી જણાતો, પરંતુ ક્યાંક દેવું ન થઈ જાય તેનું ધ્યાન રાખવું પડશે.

વિવાહ + લગ્ન યોગની દ્રષ્ટિએ: વિવાહ લગ્ન યોગની દ્રષ્ટિએ મકર રાશિના જાતકો માટે આ વર્ષ કોઈ શુભ સમાચાર આપનારું નથી લાગતું. યોગ્ય જીવનસાથીની શોધમાં હશે તેમણે હજુ પણ વધુ વિલંબ કરવો પડશે, સગાઈ થઈ ગઈ છે અને લગ્ન કરવા ઇચ્છુક હશે તેમને માટે પણ મુહૂર્ત વધુ ભાગ ભજવશે. જે જાતકોના લગ્ન તૂટી ગયા છે અને ફરી લગ્ન કરવા માગતા હશે તો તેમના માટે ઓગસ્ટ સુધી યોગ બને છે. સંતાનોના વિવાહ લગ્નનો પ્રશ્ન તમે ઓગસ્ટ બાદ ઉકેલી શકશો.

કુંભ: સંવત ૨૦૧૨ના નૂતન વર્ષના સુપ્રભાતે આપનો રાશિ અધિપતિ શનિ મહારાજ વૃશ્ચિક શનિ મહારાજ વૃશ્ચિક રાશિમાં દશમ ભાવે જોવા મળે છે. આ વર્ષ દરમિયાન શનિ મહારાજ રાશિ કે ભાવ બદલ્યા વિના વૃશ્ચિક રાશિમાં જ જોવા મળે છે.

ધનેશ ગુરુ મહારાજ વર્ષના આરંભમાં સપ્તમ ભાવેથી ધીમી ગતિથી આગળ વધતા વર્ષના અંતે કન્યા રાશિમાં અષ્ટમ ભાવે જોવા મળે છે, પરાક્રમેશ મંગળ વર્ષના આરંભ કન્યા રાશિથી ભ્રમણ શરૂ કરે છે અને ધન રાશિમાં લાભ મળે છે, સુખેશ શુક્ર વર્ષના આરંભે કન્યા રાશિ અને અષ્ટમ ભાવેથી ભ્રમણ શરૂ કરી વર્ષના અંતે વૃશ્ચિક રાશિમાં દશમ ભાવે જોવા મળે છે.

પંચમેશ બુધ, છઠ્ઠેશ ચંદ્ર તથા સપ્તમેશ સૂર્ય વર્ષના આરંભમાં તુલા રાશિ અને ભાગ્યભાવથી ભ્રમણ શરૂ કરી બુધ+સૂર્ય રાશિ ચક્ર પૂર્ણ કરે છે, ચંદ્ર અનેક વાર રાશિ ચક્ર પૂર્ણ કરી ફરીથી તેજ રાશિમાં જોવા મળે છે. રાહુ તથા કેતુ વર્ષના આરંભે અનુક્રમે કન્યા અને મીન રાશિથી ભ્રમણ શરૂ કરી વક્ર ગતિથી આગળ વધતા રાહુ સિંહ રાશિમાં સપ્તમ ભાવે તથા કેતુ કુંભ રાશિમાં જોવા મળે છે.

આરોગ્યની દ્રષ્ટિએ: નવું વર્ષ કુંભ રાશિના જાતકો માટે થોડું નરમ ગરમ રહ્યા કરશે. તમને પનોતી નથી, પણ અષ્ટમ ભાવે રાહુનું ભ્રમણ કંઈક અંશે પરેશાન કરી શકશે. જોકે જાન્યુઆરીના અંત ભાગથી થોડી રાહત થતી જણાશે, પરંતુ ઓગસ્ટ બાદ ગુરુનું અષ્ટમ ભાવે ભ્રમણ રાહુનું ભ્રમણ કંઈક અંશે પરેશાન કરી શકશે. વાહન ચલાવતા જાતકો જાન્યુ, ફેબ્રુ, માર્ચ મહિના સુધી સાચવીને વાહન ચલાવવું. શનિ પણ પોતાના શત્રુ રાશિમાં હોવાથી કાર્ય બોજ પણ વધુ રહેશે. ઘરના નાના સભ્યોની પણ તબિયત થોડી નરમ ગરમ રહેવાથી તમારે વધુ દોડાદોડ રહેશે. આમ આ વર્ષ દરમિયાન શારીરિક પ્રશ્નો કંઈ ને કંઈ ચાલ્યા કરશે, પરંતુ કોઈ મોટી બીમારી કે ઓપરેશનનો યોગ નથી.

આર્થિક દ્રષ્ટિએ: નવું વર્ષ કુંભ રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ મધ્યમ જણાય છે. જો જાતકો કામ કરવા માંગતા હશે તો તેમને કામ તો અવશ્ય મળી રહેશે, પરંતુ પસંદ ન હોય તેવું પણ કામ કરવું પડશે. નોકરિયાત વર્ગ માટે કોઈ ફાયદો તો નથી, પરંતુ કોઈ પણ નુકસાન નથી જતું. જે પરિસ્થિતિ હશે તે જળવાઈ રહેશે. બદલી, બઢતી કે પ્રમોશનની ઇચ્છા રાખી રહ્યા હશે તો તેમની ઇચ્છાઓ પણ મનમાં ને મન રહેશે.

વ્યાપાર-વ્યવસાય કે ઉત્પાદન ક્ષેત્ર સાથે જોડાયેલા જાતકો માટે પણ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. જે પણ કામ મળશે તે મહેનતથી જ મળશે. સટ્ટાકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેમને જુલાઈ માસમાં મોટો લાભ થઈ શકે તેમ છે. મિલકતોના લે-વેચ અને દલાલીના કાર્ય સાથે સંકળાયેલા છે તેમના માટે ઓગસ્ટ ૨૦૧૬ પછીનો સમય સારો રહેશે. ખર્ચની દ્રષ્ટિએ પણ આ નવું વર્ષ થોડું તકલીફ આપનારું રહેશે. આ વર્ષ દરમિયાન નાણાં આવે છે ખરા, પણ ક્યાં વપરાઈ જાય છે, તેનો તાગ મેળવવો મુશ્કેલ લાગે છે.

વિવાહ + લગ્ન યોગની દ્રષ્ટિએ: વિવાહ લગ્ન યોગની દ્રષ્ટિએ જોઈએે તો ગુરુ મહારાજનું સપ્તમભાવે ભ્રમણ કુંભ રાશિના જાતકો માટે આશીર્વાદરૂપ જણાય છે. ગુરુ મહારાજ ઓગસ્ટ-૨૦૧૬ સુધી સપ્તમ ભાવે હોવાથી ઇચ્છાઓની પૂર્તિ કરશે. અવિવાહિત છે અને યોગ્ય પાત્રની શોધમાં છે તો તેમની શોધ આ વર્ષે પૂરી થઈ શકશે. તમે સગાઈનું કાર્ય કરી શકશો. ઓગસ્ટ ૨૦૧૬ બાદ લગ્નનાં મુહૂર્તો હિસાબે તમે લગ્નના બંધનમાં બંધાઈ શકશો. પરંતુ સગાઈ થઈ ગઈ હશે અને લગ્નના બંધનમાં બંધાવા ઉતાવળા હશે તેમણે યોગ્ય મુહૂર્તની રાહ જોવી પડી શકે તેમ છે.

મીન: સંવત ૨૦૭૨માં નૂતન વર્ષના સુપ્રભાતે આપનો રાશિ અધિપતિ ગુરુ મહારાજ છઠ્ઠા ભાવે સિંહ રાશિથી પોતાનું ભ્રમણ શરૂ કરી આગળ વધતા વર્ષના અંતે કન્યા રાશિમાં સપ્તમ ભાવે જોવા મળે છે, ધનેષ મંગળ વર્ષના આરંભે કન્યા રાશિ અને સાતમા ભાવેથી મુસાફરી આગળ વધારતા વર્ષના અંતે ધન રાશિમાં દશમા ભાવે જોવા મળે છે, પરાક્રમે શુક્ર વર્ષના આરંભે કન્યા રાશિ અને સપ્તમ ભાવેથી આગળ વધતા વર્ષના અંતે રાશિ ચક્ર પૂર્ણ કરીને વૃશ્ચિક રાશિમાં ભાગ્ય ભાવે જોવા મળે છે.

સુખેશ બુધ પંચમેશ ચંદ્ર તથા છઠ્ઠા ભાવનો માલિક સૂર્ય વર્ષના આરંભે તુલા રાશિ અને અષ્ટમ ભાવેથી મુસાફરી આગળ વધારે છે.

જેમાં સૂર્ય અને બુધ સંપૂર્ણ રાશિ ચક્ર પૂર્ણ કરી ફરી તે જ સ્થાને તુલા રાશિમાં વર્ષના અંતે જોવા મળે છે, ચંદ્ર રાશિ ચક્રનાં અનેક ચક્કરો કાપી ફરી તે જ રાશિમાં જોવા મળે છે, શનિ મહારાજ વર્ષના આરંભથી કે અંત સુધી રાશિ કે ભાવ બદલ્યા વિના વૃશ્ચિક રાશિમાં ભાગ્ય ભાવે જોવા મળે છે, કન્યા રાશિમાં રહેલા રાહુ તથા મીન રાશિમાં રહેલો કેતુ વક્ર ગતિથી આગળ વધતા વર્ષના અંતે સિંહ રાશિમાં છઠ્ઠા ભાવે અને કેતુ કુંભ રાશિમાં બારમા ભાવે જોવા મળે છે.

આરોગ્યની દ્રષ્ટિએ: સંવત ૨૦૭૨નું નવું વર્ષ મીન રાશિના જાતકો માટે આરોગ્યની દ્રષ્ટિએ ખાસ કોઈ ચિંતા કરાવનારું નથી લાગતું. જાન્યુઆરીના અંત ભાગથી વર્ષ દરમિયાન રાહુ છઠ્ઠા ભાવે રહેવાથી કંઈ ને કંઈ માનસિક કે શારીરિક નાની-નાની તકલીફ રહેવાના યોગ છે. છઠ્ઠે રાહુ હોવાથી પડવા, વાગવા, નાના-મોટા અકસ્માત, દાંત, હાડકાંને લગતી તકલીફ વધી શકે તેમ છે. ૨૦૧૬ ઓગસ્ટ બાદ ગુરુનું સપ્તમ ભાવે ભ્રમણ શરૂ થતાં શારીરિક ફેરફાર વધુ થતા જોવા મળશે. વજન વધવા લાગશે. અને સાથે સાથે પેટને લગતી નાની-નાની તકલીફ રહેશે.

આર્થિક દ્રષ્ટિએ: આર્થિક દ્રષ્ટિએ મીન રાશિના જાતકો માટે આવનારું નવું વર્ષ એકંદરે સારું રહેશે. નાણાભીડ રહેતી નથી જણાતી તેથી કોઈ મોટો પ્રશ્ન ઉદ્ભવતો નથી. નોકરિયાત વર્ગને ગત વર્ષ દરમિયાન જે સ્થિતિ હતી તે જ જોવા મળે, પરંતુ બીજા તમામ વર્ગ માટે કામમાં વૃદ્ધિના યોગ છે, જેથી આર્થિક સ્થિતિમાં સુધારો જોઈ શકાશે. હમણાં જ પોતાની યોગ્યતા સાબિત કરી નવી નોકરીની શોધમાં હશે તો તેમણે પોતાની જન્મપત્રિકાના યોગો ઉપર વધુ ધ્યાન આપવું પડશે.

નોકરીમાં બદલી, બઢતી કે સ્થાન ફેરની ઇચ્છા રાખી રહ્યા છે તો તેમના માટે પણ કોઈ તક નથી દેખાતી. દૂર જઈ કામ કરવા ઇચ્છતા હશે તો તેમના માટે સમય સારો રહેશે. વેપાર-વ્યવસાય કે ઉત્પાદન ક્ષેત્ર માટે વર્ષ કાર્યવૃદ્ધિ સૂચવી જાય છે. દરેક ક્ષેત્રના કામમાં સફળતા મળતી જણાય છે, તેથી નાણાકીય રાહત થતી જોવા મળશે. સટ્ટાકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા જો ધ્યાન આપી કાર્ય કરશે તો વાંધો નહીં આવે. વિદેશથી આયાત-નિકાસ સાથે સંકળાયેલા છે તેમના માટે આ વર્ષ યશસ્વી સાબિત થાય તેમ છે. (??) પરંતુ જેનો લાંબા ગાળે ફાયદો પણ મેળવી શકશો.

વિવાહ + લગ્ન યોગની દ્રષ્ટિએ: વિવાહ-લગ્ન યોગની દ્રષ્ટિએ મીન રાશિના જાતકો માટે વર્ષ મિશ્ર ફળ આપનારું જણાય છે. વર્ષના આરંભથી કે ઓગસ્ટ સુધી કોઈ યોગ નથી જણાતા, પરંતુ બાદમાં ગુરુ મહારાજ સપ્તમ ભાવે આવતા તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ઉંમર વિવાહ-સગાઈ યોગ્ય થઈ ગઈ છે અને યોગ્ય પાત્રની શોધ કરી રહ્યા છે તો તેમણે ઓગસ્ટ મહિના સુધી રાહ જોવી પડશે. વિવાહ થઈ ગયા છે અને લગ્નના બંધનમાં બંધાવા ઇચ્છુક છે તેમના માટે પણ આ વર્ષ મહદ્અંશે રાહત આપતું જણાશે. યોગ્ય મુહૂર્તની રાહ જોવી પડશે.

You might also like