વર્ષના અંત સુધીમાં સોનું ૩૧ હજારે પહોંચવાની શક્યતા

મુંબઇ: રોકાણકારને સળંગ બીજા વર્ષે સોનામાં ઊંચું રિટર્ન મળે તેવા એંધાણ વરતાઇ રહ્યાં છે. પાછલા કેટલાક મહિનાથી વૈશ્વિક સોનાના ભાવમાં મોટી વધ-ઘટ જોવાયા બાદ હવે મહત્ત્વની ટેક્િનકલ ૧૨૫૦ ડોલરની સપાટી ક્રોસ કરી છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૭ના અંત સુધીમાં વૈશ્વિક બજારમાં સોનું ૧૪૫૦થી ૧૫૦૦ ડોલર પ્રતિ ઔંસની સપાટી ક્રોસ કરે તેવી શક્યતા નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ છે, જ્યારે સ્થાનિક બજારમાં ૩૧ હજારની સપાટીએ જોવાઇ શકે છે.

એન્જલ કોમોડિટીઝના જણાવ્યા પ્રમાણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની નીતિઓના કારણે સલામત રોકાણ માટે સોનાની માગમાં વધારો નોંધાઇ શકે છે. નજીકના ભવિષ્યમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વાર વ્યાજના દરમાં વધારો કરવાના કારણે વૈશ્વિક બજારમાં સોનું ૧૩૦૦થી ૧૩૨૦ ડોલરની સપાટીએ આવી શકે છે. એન્જલ કોમોડિટીઝના જણાવ્યા પ્રમાણે ડોલર સૂચક આંક ૯૮થી ૯૬ની સપાટીએ પહોંચી શકે છે, જ્યારે તેની સામે રૂપિયો ૬૪થી ૬૨ના સ્તરે જોવાઇ શકે છે, જેના પગલે એમસીએક્સ પર સોનાનો ભાવ રૂ. ૩૦,૫૦૦ની સપાટીએ પહોંચી શકે છે.

દરમિયાન વર્ષ ૨૦૧૭ના મેટલ્સ ફોકસના વાર્ષિક રિપોર્ટ મુજબ ચાલુ વર્ષના અંત સુધીમાં વૈશ્વિક બજારમાં સોનું ૧૪૭૫ ડોલરની સપાટીએ જોવાઇ શકે છે. તેઓના મત મુજબ વૈશ્વિક અર્થવ્યવસ્થા, અમેરિકાની વેપાર નીતિ, બ્રેક્ઝિટ, પશ્ચિમ એશિયાના વિસ્તારમાં તંગદિલી તથા રશિયા અને યુરોપ વચ્ચે તંગદિલીના કારણે વૈશ્વિક સોનાના ભાવને સપોર્ટ મળી શકે છે.
http://sambhaavnews.com/

You might also like