વર્ષ 2017 મુસ્લિમ મહિલાઓ માટે રહ્યું ઐતિહાસિક

ન્યૂ દિલ્હીઃ વર્ષ 2017 મહિલાઓને માટે ખાસ રહ્યું છે કેમ કે ભારત સહિત પૂરી દુનિયામાં 2017માં મહિલાઓને સમાનતાનો અધિકાર અને સ્થિતિમાં સુધાર લાવવાની દિશામાં અનેક મહત્વનાં નિર્ણય લેવામાં આવ્યાં છે.

આ નિર્ણયોથી મહિલાઓને રાહત મળી અને એમનાં હકને લઇ કરવામાં આવેલ સુધારાઓની દુનિયાભરમાં પ્રશંસા તો થઇ ને સાથે આ નિર્ણયો ઇતિહાસનાં સાક્ષી પણ બની ગયાં.

મહિલાઓને કેટલાંક અધિકાર ઇસ્લામિક આધારિત સરકાર દ્વારા મળ્યાં તો કેટલાંક અધિકારો કોર્ટ અને કાયદા આધારિત લાંબી લડાઇ બાદ મળ્યાં. આ વર્ષે દેશ-દુનિયામાં મુસ્લિમ મહિલાઓને કઇ મુશ્કેલીઓમાંથી છુટકારો મળ્યો તે જાણીને તમને નવાઇ લાગશે.

ભારતમાં ત્રિપલ તલાક પર પ્રતિબંધઃ
ભારતમાં સુપ્રિમ કોર્ટે ત્રિપલ તલાક પર ઐતિહાસિક નિર્ણય આપીને એક વારમાં ત્રિપલ તલાક પર પ્રતિબંધ લગાવી દીધો. સુપ્રિમ કોર્ટ દ્વારા ત્રિપલ તલાકને અસંવૈધાનિક જાહેર કરાતા મુસ્લિમ મહિલાઓએ તે નિર્ણયનો દિલથી સ્વીકાર કર્યો.

ઉલ્લેખનીય છે કે એક વારમાં ત્રિપલ તલાકને સુપ્રિમ કોર્ટ દ્વારા ગેરકાયદેસર જાહેર કર્યા બાદ હવે મોદી સરકાર આ મામલે કાયદો લાવવા જઇ રહેલ છે જેમાં ત્રિપલ તલાક આપનારને ત્રણ વર્ષની સજા આપવાની જોગવાઇ છે. જેથી હવે ટૂંક સમયમાં જ ત્રિપલ તલાક પર બિલ રજૂ કરવામાં આવશે.

મુસ્લિમ સંગઠનોમાં વધી ભાગેદારીઃ
એક સમય એવો હતો કે દેશનાં તમામ મુસ્લિમ સંગઠન મહિલાઓને શામેલ કરતા સંકોચ અનુભવતા હતાં પરંતુ 2017માં ઉઠાવવામાં આવેલ મુદ્દાઓને કારણે કેટલાંક સંગઠનોને મહિલાઓને શામેલ કરવા માટે મજબૂર થવું પડ્યું. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડથી લઇને જમાત-એ-ઇસ્લામી હિંદ સુધીનાં સંગઠનોમાં હવે મહિલાઓની સંખ્યા વધી છે. આ સિવાય મહિલાઓમાં ખોલીને બોલવાની હિંમત પણ વધી છે.

હજ યાત્રામાં પુરૂષોથી મહિલાઓને છૂટકારોઃ
ભારતમાં એવું પહેલી વાર થશે કે જ્યારે મહિલાઓ વગર પૂરૂષે હજ પર જશે. આ જ વર્ષે સરકારે હજ યાત્રાનાં નિયમોમાં ફેરફાર કરતા મહિલાઓને એકલી જ હજયાત્રા કરવા પરનો પ્રતિબંધ દૂર કરી દીધો છે. પરંતુ આ સાથે બે શરતો પણ કરવામાં આવી છે. એક શરત એવી છે કે ઓછામાં ઓછી ચાર મહિલાઓએ એક ગ્રુપ બનાવીને જવું અને બીજી શરત એવી મુકવામાં આવી છે કે ગ્રુપમાં દરેક મહિલાઓની ઉંમર 45 વર્ષથી વધારે હોવી જોઇએ.

સાઉદી અરબની દરિયાદિલીઃ
સાઉદી અરબે આ વર્ષે મહિલાઓ માટે ઘણી ઉદારતા દાખવી છે. સપ્ટેમ્બરમાં એક આદેશ જાહેર કરતા મહિલાઓને પ્રથમ વાર ગાડી ચલાવવા માટેની અનુમતિ આપી. તમને જણાવી દઇએ કે સાઉદી અરબ દુનિયાનો એક માત્ર એવો દેશ હતો કે જ્યાં મહિલાઓનાં ડ્રાઇવિંગ પર પ્રતિબંધ હતો. જો કે મહિલાઓને ડ્રાઇવિંગની અનુમતિ એટલી આસાનીથી નથી મળી. મહિલાઓએ ડ્રાઇવિંગની અનુમતિ મેળવવા માટે ઘણાં લાંબા સમયથી સંઘર્ષ કર્યો હતો. જૂન 2018થી મહિલાઓ ગાડી ચલાવી શકશે.

સ્ટેડિયમમાં આઝાદીઃ
ગાડી ચલાવવાની આઝાદી આપ્યા બાદ સાઉદી અરબમાં મહિલાઓને હવે સ્ટેડિયમમાં મેચ જોવાની પણ અનુમતિ આપી દેવાઇ. જો કે આની શરૂઆત 2018માંથી જ થશે. દેશનાં ત્રણ મોટા શહેરો રિયાદ, જેદ્દા અને દમ્મામમાં લોકો હવે મહિલાઓ સાથે સ્ટેડિયમમાં મેચ જોવા જઇ શકશે.

સાઉદી અરબમાં થિયેટરો પરથી દૂર થયો પ્રતિબંધઃ
મુસ્લિમ દેશ સાઉદી અરબ ઘણાં સુધારા સાથે હવે આગળ વધી રહ્યો છે. આ ફેરફારની અસર હવે થિયેટરો સુધી પણ પહોંચી છે. તમને જણાવી દઇએ કે ત્રણ દશક પહેલાં થિયેટરો પર મોલવીઓએ મઝહબની જવાબદારી આપતા તેને બંધ કરી દીધાં હતાં. ત્યાંની સંસ્કૃતિ અને સૂચના મંત્રાલયે કહ્યું કે વિભાગ તત્કાલ પ્રભાવથી થિયટરોને લાયસન્સ આપવાનું શરૂ કરી દશે અને વર્ષ 2018નાં માર્ચ મહિના સુધીમાં થિયેટરો શરૂ કરી દેવાશે.

You might also like