જમણા હાથે સ્ટેન અને ડાબા હાથે વસીમ અક્રમની જેમ બોલિંગ કરે છે યાસિર જાન

લાહોરઃ ક્રિકેટની દુનિયામાં એક નવા બોલરે પોતાની એક અલગ પ્રતિભાથી બધાંને ચોંકાવી દીધાં છે, કારણ કે આ બોલરે બંને હાથથી બોલિંગ કરવાનો ઇતિહાસ રચ્યો છે. આ બોલર જન્મ્યો છે તો પાકિસ્તાનમાં, પરંતુ ક્રિકેટ રમશે ઈંગ્લેન્ડ તરફથી. ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર એવું બનશે કે જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બંને હાથથી ઝડપી બોલિંગ કરતો બોલર જોવા મળશે. આ બોલરનું નામ છે યાસિર જાન, જેણે પાકિસ્તાન સુપર લીગમાં બધાંનું ધ્યાન ખેંચ્યું હતું. અહેવાલો અનુસાર યાસિર જમણા હાથથી લગભગ ૧૪૫ કિ.મી.ની ઝડપથી બોલિંગ કરી શકે છે, જ્યારે ડાબા હાથથી ૧૩૫ કિ.મી.ની ઝડપે બોલિંગ કરી શકે છે.

લાહોર કલંદરના કોચ મોહંમદ સલમાને કહ્યું, ”યાસિર જાનમાં ગજબનાક પ્રતિભા છે. એક કેપ્ટનના રૂપમાં જ્યારે તમારી સામે જમણેરી અને ડાબેરી બેટ્સમેન રમી રહ્યા હોય ત્યારે તમારી પાસે એક જ બોલરના રૂપમાં સોનેરી તક હોય છે કે તમે તેની પાસેથી કયા હાથથી બોલિંગ કરાવવા ઇચ્છી રહ્યા છો. બાળપણમાં હું પણ બંને હાથથી બોલિંગ કરતો હતો. જ્યારે હું મારો પહેલો વિશ્વકપ રમ્યો ત્યાં વકારભાઈ અને વસીમભાઈ બોલિંગ કરતા હતા. મેં તેમની બોલિંગની નકલ નથી કરી, જોકે સારી બોલિંગ માટે તેમણે જ મને મદદ કરી હતી.”

ઉલ્લેખનીય છે કે યાસિર જાનનો એક વીડિયો યુ-ટ્યૂબ પર વાઈરલ થઈ રહ્યો છે, તેમાં યાસિર જમણા હાથે ડેલ સ્ટેનની જેમ, જ્યારે ડાબા હાથે વસીમ અક્રમની જેમ બોલિંગ કરતો જોવા મળે છે. યાસિરનું કહેવું છે કે તે વસીમ અને વકારને પોતાના હીરો માને છે.

You might also like