ગબડતી GDPમાં નોટબંધીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યુંઃ યશવંત સિંહા

નવી દિલ્હી: સતત ઘટતી જતી જીડીપી અને ડગુમગુ થઇ રહેલા અર્થતંત્રના કારણે મોદી સરકારની મુશ્કેલીઓ વધી રહી છે. ભાજપના દિગ્ગજ નેતા અને અટલબિહારી વાજપેયી સરકારમાં પ્રધાન રહી ચૂકેલા યશવંત સિંહાએ નાણાપ્રધાન અરુણ જેટલી પર નિશાન તાક્યું છે. યશવંત સિંહાએ નોટબંધીના નિર્ણયને આડે હાથ લીધો હતો અને કહ્યું કે નોટબંધીએ ગબડતી જીડીપીમાં બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.

યશવંત સિંહાએ આકરા પ્રકારો કરતાં જણાવ્યું હતું કે પીએમ મોદી કહે છે કે તેમણે ગરીબીને ખૂબ જ નિકટથી જોઇ છે. એવું લાગે છે કે તેમના નાણાપ્રધાન એવી રીતે કામ કરી રહ્યા છે કે તમામ ભારતીયોને પીએમની જેમ ગરીબી નજીકથી જોવા મળે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજના સમયમાં ન તો કોઇને રોજગાર મળે છે કે ન તો ઇન્વેસ્ટમેન્ટમાં વધારો થઇ રહ્યો છે. ઇન્વેસ્ટમેન્ટ ઘટવાના કારણે જીડીપી પણ ઘટી રહી છે. જીએસટીનો યોગ્ય રીતે અમલ કરવામાં આવ્યો નથી, જેના કારણે નોકરી અને બિઝનેસમાં ઘણો ફરક પડી ગયો છે.

જેટલી પર પ્રહારો કરતાં યશવંત સિંહાઅે જણાવ્યું હતું કે તેઓ સરકારમાં હજુ સુધી મોટો ચહેરો બની રહ્યા છે. કેબિનેટનાં નામ નક્કી થાય તે પહેલાં જ જેટલી નાણાપ્રધાન બનશે એ પહેલાંથી જ નક્કી થઇ ગયું હતું. લોકસભા સીટ પરથી પરાજય થયો હોવા છતાં તેમને નાણાપ્રધાન બનતાં કોઇ અટકાવી શક્યું નહીં. તેમણે લખ્યું છે કે મેં નાણાં મંત્રાલય સંભાળ્યું છે અને તેથી મને ખબર છે કે આ કોઇ સરળ કામ નથી. આ માટે ર૪ કલાક કામ કરવું પડે છે, જેને જેટલી જેવા સુપરમેેન પણ પૂરું કરી શકે તેમ નથી.

You might also like