મિત્રતા સીમિત રાખવાથી સંસદમાં માનવતા ઊભી કરી ના શકાયઃ યશવંત સિંહા

નવી દિલ્હી: નોટબંધીને લઈને સંસદમાં ચાલતા વિરોધ અંગે પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહાએ પૂર્વ વડા પ્રધાન વાજપેયી અને ચંદ્રશેખરના વ્યકિતત્વનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે જો મિત્રતાનો દાયરો વ્યાપક હોય તો અનેક સમસ્યા આપોઆપ હલ થઈ શકે છે તેમજ વધુમાં જણાવ્યું હતું કે મિત્રતા સી‌િમત રાખવાથી સંસદમાં માનવતા ઊભી કરી નથી શકાતી.

દિગ્વિજયસિંહ સ્મૃતિ વ્યાખ્યાનમાં ભાષણ આપતાં સિંહાએ પરોક્ષ રીતે મોદી પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે જો આપણે પોતાને પાર્ટીઓના ઘરોંદામાં સીમિત રાખવાના બદલે મિત્રતાનો દાયરો વધારીશું તો તેનાથી ઘણાં બધાં કામ શક્ય બની શકે છે, જોકે તેમણે તેમના ભાષણમાં મોદીના નામનો ઉલ્લેખ કર્યો ન હતો. તેમણે પૂર્વ વિદેશ રાજ્ય પ્રધાન દિગ્વિજયસિંહ સાથેના તેમના સંબંધને યાદ કરતાં જણાવ્યું હતું કે તેમણે બંનેએ ચંદ્રશેખર વિદ્યાલયમાંથી રાજકારણનું શિક્ષણ મેળવ્યું હતું અને તે મુજબ જ રાજકારણમાં તેનાં મૂલ્યોને ગ્રહણ કર્યાં હતાં. ચંદ્રશેખર અને વાજપેયી બંને મહાન વ્યકિત છે. તેમની મિત્રતાનો દાયરો પણ ઘણો મોટો હતો.

સિંહાએ પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધોમાં પૂરેપૂરી સાવચેતી રાખવા જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે પાડોશી દેશો સાથેના સંબંધમાં રાષ્ટ્રીય સુરક્ષાને મહત્ત્વ આપવું જોઈએ. પાકિસ્તાન સાથેના સંબંધમાં પણ આવી જ સમસ્યા નડી રહી છે. જનરલ કમર જાવેદ બાજવા પાક. સેનાના નવા પ્રમુખ બન્યા બાદ ભારત અને પાક.ના સંબંધોમાં સુધારાની આશાને નિરાધાર ગણાવાતાં સિંહાએ જણાવ્યું કે નગરોટામાં મંગળવારે જે હુમલા થયા તે વાત પરથી તેની સાબિતી મળી જાય છે. તેમણે રશિયા અને પાકિસ્તાન વચ્ચેના મિત્રતાના સંબંધ અંગે જણાવ્યું કે આ બાબતે વિચારી પણ શકાય તેમ ન હતું.

You might also like