વેજિટેરિયન યાના રેટિગન પહેલવાન પતિને આલુ પરાઠાં-ભાજી ખવડાવે છે

ચંડીગઢઃ કોમનવેલ્થ ગેમ્સની સિલ્વર મેડલ વિજેતા યાના રેટિગન બ્રિટનની મહિલા પહેલવાન હોવાની સાથે સાથે પ્રોફેશનલ કૂક પણ છે. તે હાલ દુનિયાની નંબર વન મહિલા પહેલવાન છે. પ્રો કુસ્તી લીગ (પીડબલ્યુએલ)ની બીજી સિઝનમાં ભાગ લઈ રહેલી ઇંગ્લિશ પહેલવાન યાનાએ ચંડીગઢમાં સ્વાદિષ્ટ કઢાઈ પનીર બનાવીને બધાને ચોંકાવી દીધા હતા. કુસ્તીમાં દાવપેચની સાથે સાથે તેની રસોઈકળાની વિશેષતા પણ બધાની સામે આવી ગઈ. અસલમાં યાના ઈંગ્લેન્ડની એક હોટેલમાં શેફ તરીકે કામ કરે છે. આ હોટેલમાં ઘણા ભારતીયો આવે છે. બધાને યાનાના હાથે બનેલું ભારતીય ભોજન ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

યાના રોજ સવારેચાર વાગ્યે ઊઠી જાય છે અને કુસ્તીની પ્રેક્ટિસમાં લાગી જાય છે. સવારે ૭.૩૦ વાગ્યે તે હોટલ જવા ઘેરથી નીકળી જાય છે અને પોતાના શેફ તરીકેના કામમાં વ્યસ્ત બની જાય છે. સાંજ પડતાં તે હોટલમાં જ સ્ટ્રેચિંગ અને કસરત કરે છે. તે પોતાની કિટ સાથે જ રાખે છે. રાત્રે કોચિંગ કરીને ઘેર પહોંચે છે. યાનાને થોડા સમય પહેલાં જ હેડ શેફ બનવાની તક મળી હતી, પરંતુ કુસ્તી માટે તેણે આ ઓફર ઠુકરાવી દીધી હતી.

યાનાએ કહ્યું, ”હું લંડનના પ્રસિદ્ધ રોલિંગ ઓન રેસ્ટોરાંમાં શેફ તરીકે કામ કરું છું. આ મારી આવકનો મુખ્ય સ્રોત છે. મને ભારતીય ભોજન, ખાસ કરીને દાળ-ચાવલ બહુ જ પસંદ છે. મારા ઘરમાં દાળ નિયમિત ભોજનનો હિસ્સો છે. મારી એક ભારતીય મિત્ર છે, જેણે મને ભારતીય ભોજન બનાવતાં શીખવ્યું છે. મારો પતિ પણ પહેલવાન છે અને હું તેના માટે ઘેરે આલુ પરાઠા, ભાજી અને સમોસાં બનાવું છું. હું પાછલાં વર્ષથી સંપૂર્ણપણે શાકાહારી બની ગઈ છું. આ જ કારણથી હું પનીરથી બનેલી વિભિન્ન વાનગીઓ બનાવું છું.”
દુનિયાની ટોચની બ્રિટિશ મહિલા પહેલવાન યાના ઘર ચલાવવા હોટલમાં કામ કરે છે

You might also like