પોલીસ અધિકારીએ દબાણ કરી FIRમાં ખોટો નંબર લખાવ્યો હતો

આગ્રા: યમુના એકસપ્રેસ વે પર થોડા દિવસો પહેલા સ્મૃતિ ઈરાનીના કાફલામાં જઈ રહેલી ગાડી સાથે થયેલા અકસ્માતમાં એક વ્યકિતનું મોત થયું હતું. જે અંગે મૃતકના પુત્રએ રાષ્ટ્રપતિને પત્ર પાઠવી જણાવ્યું છે કે એક પોલીસ અધિકારીએ તેના પર દબાણ કરી એફઆઈઆરમાં અકસ્માત સર્જનારી કારનો નંબર ખોટો લખાવ્યો હતો.

આ અગાઉ આ અકસ્માતમાં પિતાને ગુમાવી દેનાર ડો. નાગરની પુત્રી સંદલીએ સ્મૃતિ ઈરાની પર આક્ષેપ કરતાં એફઆઈઆર દાખલ કરાવી હતી. તેમાં જણાવાયું હતું કે સ્મૃતિના કાફલામાં જઈ રહેલી કાર બેદરકારીથી ચાલી રહી હતી. તેમાં તેના પિતાનું મોત થયું હતું. ડો.નાગરના પુત્ર અભિષેકે રાષ્ટ્રપતિને પત્ર પાઠવી જણાવ્યું છે કે એફઆઈઆરમાં ખોટો નંબર લખાવવા માટે અમારા પર સ્ટેશન ઈન્ચાર્જે દબાણ કર્યું હતું. અભિષેકે વધુમાં જણાવ્યું હતું કે અમે રાષ્ટ્રપતિ સમક્ષ ન્યાયની રજૂઆત કરી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમના પરિવારને આ કેસમાં પ્રધાન તરફથી કોઈ મદદ મળી નથી. જો તેમને આ મુદે ન્યાય નહિ મળે અને સ્મૃતિ ઈરાની સામે કાર્યવાહી કરવામાં નહિ આવે તો તેમના પરિવારજનો ધરણાં પર બેસશે.

તેમણે વધુમાં જણાવ્યું કે સ્મૃતિ ઈરાનીના કાફલાની કારના ચાલકે મારા પિતાને ટકકર માર્યા બાદ તરત જ તે ભાગી ગયો હતો. અને પ્રધાન પણ દિલ્હી ચાલ્યા ગયા હતા. બાદમાં મારા પર દબાણ કરી ફરિયાદમાં કારનો નંબર ડીએલ 3સી બીએ 5315 લખાવ્યો હતો. ખરેખર આ કાર મેં જોઈ પણ ન હતી. ત્યારબાદ ઈન્સ્પેકટરે જણાવ્યું હતું કે પોલીસે કાર જપ્ત કરી લીધી છે. પરંતુ મારા કહેવા છતાં તે કાર મને દેખાડવામાં આવી ન હતી. જ્યારે ડે. સુ.જનકસિંહે જણાવ્યું કે આ કેસમાં કોઈએ ડોકટરના પુત્રને એફઆઈઆરમાં કારનો નંબર લખવા દબાણ કર્યું ન હતું. તેણે પોતે જ દિલ્હીના નંબરવાળી કારનો નંબર આપ્યો હતો. દરમિયાન પોલીસે દાવો કર્યો છે કે જ્યારે સ્મૃતિ ઈરાની ઘટના સ્થળે પહોંચ્યાં હતાં તે પહેલાં જ અકસ્માત થઈ ચુકયો હતો.

You might also like